કોટડા પંથકમાં ઝરમરિયા-ઝાપટાંથી રામમોલ-પિયત ખેતીને જીવતદાન

કોટડા પંથકમાં ઝરમરિયા-ઝાપટાંથી રામમોલ-પિયત ખેતીને જીવતદાન
કોટડા (ચ) (તા. ભુજ), તા. 14 : આ પંથકમાં છેલ્લા ત્રણ ચાર દિવસ અને રાત્રે ઝરમરિયા કે ઝાપટા રૂપી વરસાદ રામમોલ સાથે પિયત ખેતીને ભારે જીવતદાન આપ્યું છે. જેથી માલધારીઓ અને ખેડૂતોમાં ખુશી છવાઇ છે.આ વિસ્તારમાં થયેલા વરસાદથી રામમોલ કરનારા ખેડૂતોને ખેતમના મગ, જુવાર, ગુવાર અને એરંડા જેવા પાકો માટે જાણે સોનું વરસ્યું છે. હજી વરસાદી વાતાવરણ જોઇને ખેડૂતો માલધારીઓ જળાશયો માટે અનરાધાર  વરસાદની વાટ જુએ છે. આ વરસે મેઘો કે ધરતીનો લાડો  મોડો આવ્યો છે, તેથી ભલે દેર સે આયે દુરસ્ત આયે જેવા આવકારથી મેઘાને વધાવવા લોકો તૈયાર છે. દિવસે આવવામાં જાણે શરમ અનુભવતા મેઘરાજા છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાતે આંટો મારી વરસી જાય છે. તેથી નાના-મોટા જાનવરો, પાંજરાપોળો તેમજ દૂધાળા ઢોરો માટે વનવગડામાં હાલે લીલાછમ ઘાસ ચારા અને વનરાજી ખેડૂતો પશુપાલકોની આંખો ઠારે છે. હવે જરૂર છે ધોધમાર વરસાદની જેથી સીમ સેઢે તળાવો, ડેમ, ચેકડેમો નદીનાળાઓમાં પાણી આવે તો ભયો ભયો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer