રાધાષ્ટમીએ કંઠીપટ મુંદરા ન્યાલ

રાધાષ્ટમીએ કંઠીપટ મુંદરા ન્યાલ
અશ્વિન ઝિંઝુવાડિયા દ્વારા - મુંદરા, તા. 14 : કંઠીપટમાં છેલ્લા બે દિવસ દરમ્યાન ભાદરવાના ભૂસાકાએ પશુપાલકો અને કપિતમાં વાવેતર કરનાર કિસાનોને ખુશ કરી નાખ્યા છે. બીજી તરફ પત્રી નજીક કૃષ્ણભગીની ત્રાટકતાં દેવભૂમિ દ્વારકાના સુજીત્રા ગામના વૃદ્ધ માલધારીનું નિધન થયું હતું. મૂરઝાતા સીમના ઘાસને નવચેતન આવ્યું છે. તો કપિતના વાવેતરને દોઢ મહિના જેટલા સમયમાં પાણી ન મળતાં તેની ઉતારા ઉપર અસર પડશે તેવું જણાવી કણજરાના ધરતીપુત્ર રવાભાઇ?આહીર ગામમાં એક ઇંચ જ્યારે લફરા-ફાચરિયા વિસ્તારમાં બે ઇંચ પાણી વરસ્યું છે તેવું કહે છે. વાંકીથી અમારા પ્રતિનિધિ શામજીભાઇ ડુડિયાએ કહ્યું કે, 1 કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસતાં ગામમાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. ટુંડાથી પૂર્વ સરપંચ કીર્તિભાઇ કેશવાણી સવા ઇંચ પાણી પડયું હોવાનું કહે છે. કપિતના વાવેતરમાં  મુખ્યત્વે તલ અને ગુવારનું  વાવેતર થયું છે, જ્યારે ધ્રબથી હુસેનભાઇ તુર્ક તલ, ગુવાર ઉપરાંત જુવાર, એરંડા, મગનું વાવેતર કપિત જમીનમાં થયું છે. ભદ્રેશ્વરથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ વરસાદની વાત કરતાં જણાવ્યું કે, જોતજોતામાં  બે ઇંચ વરસાદ પડયો હતો. તળાવમાં નવાં નીરની આવક થઇ છે. ગેલડાના પ્રતાપસિંહ જાડેજા વરસાદના જોરદાર ઝાપટાં પડયા હોવાના વાવડ આપે છે. બેરાજાથી  યુવરાજસિંહ વાઘેલાએ દોઢ ઇંચના વાવડ આપ્યા છે. સમગ્ર તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદ પડયો હતો. મુંદરા મામલતદાર કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, આજનો 10 મિ.મી. અને અગાઉનો 359 મળી મોસમનો અત્યાર  સુધીનો વરસાદ 369 (પોણા પંદર ઇંચ) નોંધાયો છે. મુંદરા તાલુકાના વવાર ગામે  બપોરના અરસામાં ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. ઘાસચારા તેમજ પાકોને જીવતદાન મળી ગયું હતું. ખેડૂતમિત્રો તેમજ માલધારી ભાઇઓમાં ખુશીની લાગણી ફેલાઇ છે. એકાદ ઇંચ વરસાદ વરસ્યો હતો. તલાવડીમાં પાણીની આવક થઇ હતી. ભુજપુરમાં આજે બપોરના 3 વાગ્યે અડધા કલાકમાં 30 મિ.મી. જેટલો વરસાદ થતાં રસ્તાઓ પરથી જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. ખાસ કરીને વાવેતર થયું છે ત્યાંના ખેડૂતોએ આનંદ વ્યકત કર્યો હોવાનું કિરીટ સોનીએ જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer