ગાંધીધામ તાલુકાની ખાનગી શાળાઓ દ્વારા કરાતાં દબાણ સામે વિરોધ

ગાંધીધામ તાલુકાની ખાનગી શાળાઓ દ્વારા કરાતાં દબાણ સામે વિરોધ
ગાંધીધામ, તા. 14 : આ તાલુકાની અમુક ખાનગી શાળાના સંચાલકો દ્વારા પરીક્ષા મુદ્દે વાલીઓ ઉપર દબાણ કરાતાં આવી શાળાઓ વિરુદ્ધ પગલાં લેવા માંગ કરવામાં આવી છે.કોરોના કાળમાં અનેક પરિવારો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. લોકોના ધંધા-રોજગાર શરૂ થયા છે સાથોસાથ શિક્ષણ સંસ્થાઓ પણ શરૂ કરવામાં આવી છે. વાલીઓની પરવાનગીથી શરૂ થયેલી અમુક શાળાના સંચાલકો પોતાની મનમાની કરતા હોવાનું સામે આવ્યું છે. આવી ખાનગી શાળાઓ દ્વારા બીજી કસોટીનું ટાઇમ ટેબલ બહાર પાડી તેમાં ઓફલાઇન પરીક્ષા આપવી જ પડશે તેવી નોંધ કરવામાં આવી છે તથા જે વિદ્યાર્થી ઓફ લાઇન પરીક્ષા નહીં આપે તેમને નાપાસ કરવામાં આવશે તેવી ચીમકી પણ અપાઇ છે.આ નોંધ સરકારની માર્ગદર્શિકાની વિરુદ્ધ છે. અમુક ખાનગી?શાળાઓના સંચાલકોની આવી નીતિના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનો માહોલ પેદા થયો છે. આવી તમામ ખાનગી શાળાના સંચાલકો વિરુદ્ધ પગલાં લેવા આમઆદમી પાર્ટીએ તાલુકા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો આવા સંચાલકો વિરુદ્ધ કોઇ પગલાં નહીં લેવામાં આવે તો તેમની કચેરી સામે ઉગ્ર આંદોલન તથા ધરણાં પ્રદર્શનની ચીમકી આપવામાં આવી હતી. આ વેળાએ આપના જીતેન્દ્ર ઠક્કર, ચિરાગ પટેલ, આર. ડી. માતંગ, પ્રિતેશ મારૂ, મહેશ કેવલરામાણી, રેખાબેન કેવલરામાણી, કુલદીપ શ્રીમાળી, સંજયભાઈ, રાજુ શ્રીમાળી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer