મુંદરા બંદરે કેફી દ્રવ્યની આશંકાથી કન્ટેનર અટકાવાયાં

મુંદરા, તા. 14 (પ્રતિનિધિ દ્વારા) : નજીકમાં કાર્યરત અદાણી (મુંદરા) બંદર વિસ્તારમાં વિદેશથી આયાતના સ્વરૂપમાં આવેલા કન્ટેનરો પૈકી શંકાસ્પદ જણાયેલા ચાર કન્ટેનરને અટકાવીને તેની તલાશી લેવાતાં તેમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત કરોડો રૂપિયા થાય છે તેવો કેફીદ્રવ્યનો જંગી જથ્થો હોવાની આશંકા સપાટીએ આવવા સાથે આ કન્ટેનરો અટકાવાયા છે. ડાયરેકટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ અને સ્ટેટ આઇ.બી.ના મુંદરા એકમ સહિત જુદી-જુદી આઠ એજન્સી આ મોટા ઓપરેશનમાં પ્રવૃત્ત બની ચૂકી છે. કાર્યવાહીનો ગુપ્તતા સાથે ચાલી રહેલો ધમધમાટ આ મામલો અત્યંત મોટો હોવાનો નિર્દેશ આપી રહ્યો છે. મુંદરા બંદરે કેફીદ્રવ્યનો જથ્થો પકડાયો હોય તેવો આ સંભવત: પ્રથમ કિસ્સો બની રહ્યો છે. મધરાત્રે ડીઆરઆઇએ સત્તાવાર રીતે એવું જણાવ્યું છે કે કન્ટેનર અટકાવાયા છે તેમાંથી એક કન્ટેનરની તપાસ આરંભાઇ છે જેમાં પાવડરના જથ્થા સાથે મળેલો પદાર્થ કેફી દ્રવ્ય છે કે કેમ તેની વિગતો આગામી એકાદ-બે દિવસમાં તજજ્ઞોના અહેવાલ બાદ સ્પષ્ટ થશે. ઉચ્ચ કક્ષાએથી મળેલી બાતમી અન્વયે આજે સાંજ પછી બહાર આવેલા આ પ્રકરણમાં શંકાના દાયરામાં આવેલા ચાર કન્ટેનર અટકાવી તેની તલાશી આદરાઇ હતી. શરૂઆતના તબક્કે આ કન્ટેનરોમાં દાણચોરીથી મગાવાયેલી સિગારેટનો જથ્થો હોવાની વિગતો ચર્ચામાં આવી હતી, પણ અદાણી બંદરે ઉતરેલા આ શંકાસ્પદ ચારેય કન્ટેનર ટી.જી. ટર્મિનલના સી.એફ.એસ. ખાતે લઇ જઇને ખોલવામાં આવતાં ટેલ્ક સ્ટોન પાઉડરના ઓઠા તળે લવાયેલો કેફીદ્રવ્યનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જેને લઇને સમગ્ર મામલો અત્યંત ગંભીર બની ગયો છે. આધારભૂત સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ આ કન્ટેનર અફઘાનિસ્તાનથી વાયા ઇરાન થઇને આવેલા છે, તેમાં ટેલ્ક સ્ટોન પાઉડરનો જથ્થો હોવાની વિગતો આયાતકાર દ્વારા સત્તાવાર રીતે બતાવાઇ છે. આ લખાઇ રહ્યું છે ત્યારે એક કન્ટેનર ખોલી તેની તપાસ કરી લેવાઇ છે જ્યારે અન્ય બે કન્ટેનર ખોલવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. આ ચારેય કન્ટેનરમાં કેફીદ્રવ્યનો જથ્થો છુપાયેલો હોવાની પૂરી સંભાવના તપાસકર્તાઓ જોઇ રહ્યા છે.સમગ્ર મામલામાં નોંધનીય અને ગંભીર મુદ્દો પ્રાથમિક છાનબીનમાં જ એ સપાટી ઉપર આવ્યો છે કે, થોડા દિવસો પહેલાં મહાબંદર કંડલા ખાતે દાણચોરીથી લવાયેલી વિદેશી સિગારેટનો જથ્થો પકડાયો તે કેસમાં જે કસ્ટમ હાઉસની ભૂમિકા બહાર આવી હતી તે જ કસ્ટમ હાઉસની ભૂમિકા પણ આ પ્રકરણમાં સપાટીએ આવી છે. બનાવના પગલે ડી.આર.આઇ. ઉપરાંત સ્ટેટ આઇ.બી.ના મુંદરા એકમ તથા  સુરક્ષાને સંલગ્ન જુદી-જુદી આઠ એજન્સી તપાસના કાર્યમાં સામેલ થઇ હોવાની વિગતો આ સૂત્રો પાસેથી મળી રહી છે. મુંદરા બંદરે આવતી કાલે પહોંચનારી ફોરેન્સિક ટુકડી તપાસ બાદ કન્ટેનરમાંથી મળેલો જથ્થો કેફીદ્રવ્ય વિશે અભિપ્રાય આપશે. બીજીબાજુ સંલગ્ન સૂત્રો વધુ વિગતો આપતાં જણાવી રહ્યા છે કે, ટેલ્ક સ્ટોન પાઉડરની જમ્બો બેગમાં કેફીદ્રવ્યનો આ જથ્થો છુપાવીને લઇ અવાયો છે. આના કારણે પાઉડરથી કેફીદ્રવ્યને અલગ કરવાની કાર્યવાહી વ્યાયામ માગી લેનારી બની રહી છે, તો અફઘાનિસ્તાનથી પહેલાં ઇરાન પહોંચ્યા બાદ ત્યાંથી આ જથ્થો મુંદરા પહોંચ્યાની વિગતો તપાસમાં સ્પષ્ટ બની ચૂકી છે. સૂત્રો પાસેથી મહત્ત્વની અન્ય વિગત એ જાણવા મળી છે કે, ટી.જી. ટર્મિનલ સી.એફ.એસ.માં સંબંધિત એજન્ટની કચેરી આવેલી છે. તપાસકર્તા ટુકડીએ આ કચેરીના કોમ્પયુટર અને સાહિત્ય કબજામાં લઇ લીધા છે, તો કચેરીમાં કામ કરતા એજન્ટના સ્ટાફને પણ ઘરે જવા દેવાયા નથી અને ત્યાં જ રોકી રાખી તેમની પાસેથી વિગતો અંકે કરવામાં આવી રહી છે. આ સમગ્ર માહોલમાં ચુસ્ત જાપ્તા વચ્ચે કાર્યવાહીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મોડેથી મળતા અહેવાલ મુજબ કેફીદ્રવ્ય શું છે અને કુલ્લ કેટલો જથ્થો છે તેના આંકડા-વિગતો સ્પષ્ટ થતાં હજુ સમય લાગી જાય તેમ છે. એકબાજુ મિસ ડિકલેરેશન અને બિલ ઓફ એન્ટ્રી સહિતના મુદ્દા ઊભા થયા છે, તો બીજીબાજુ સમુદ્રી માર્ગે કન્ટેનર મારફતે કેફી દ્રવ્યનો જથ્થો ઘુસાડવાના વ્યવસ્થિત ઢબના કારસાનો પણ પર્દાફાશ થવાની ઘડીઓ ગણાઇ રહી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer