મોદીએ કાઢયું અલીગઢનું કચ્છ કનેક્શન

અલીગઢ, તા. 14 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના અલીગઢમાં જાટ દિગ્ગજ મહેન્દ્રપ્રતાપ સિંહના નામ પર યુનિવર્સિટીનું શિલારોપણ કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, જે યુપીને દેશના વિકાસમાં અવરોધના રૂપમાં જોવામાં આવતું હતું એ જ યુપી આજે મોટા અભિયાનોનું નેતૃત્વ કરી રહ્યું છે. મોદીએ અલીગઢનું કચ્છ કનેક્શન કાઢતાં જણાવ્યું હતું કે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન રાજા મહેન્દ્રપ્રતાપ આઝાદીના લડવૈયા શ્યામજી કૃષ્ણ વર્મા અને લાલા હરદયાલજીને મળવા માટે ખાસ યુરોપ ગયા હતા અને તેમની બેઠકમાં જે દિશા નક્કી થઈ તેના પરિણામ  આપણે અફઘાનિસ્તાનમાં પહેલી ચૂંટાયેલી સરકારના રૂપમાં જોવા મળ્યા. હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે શ્યામજીના અસ્થિ 73 વર્ષ બાદ ભારતમાં લાવવામાં સફળતા મળી હતી. કચ્છના માંડવીમાં તેમનું સ્મારક છે અને ત્યાં એ અસ્થિ રાખવામાં આવ્યા છે. મોદીએ જણાવ્યું હતું કે, રાજા મહેન્દ્રપ્રતાપના જીવનથી અપાર શક્તિ મળે છે. તેમણે આઝાદી માટે ભારતીયોને તો પ્રેરિત કર્યા જ હતા. જીવ જોખમમાં નાખીને દુનિયાના ખૂણે ખૂણે ગયા હતા.તેમણે કહ્યું હતું કે, આજે ઉત્તર પ્રદેશની ચર્ચા મોટા માળખાકીય પ્રોજેક્ટ અને મોટા નિર્ણયો માટે થઈ રહી છે. યુપીમાં ચાલી રહેલી કરોડો રૂપિયાની પરિયોજનાઓ આવનારા સમયમાં ભારતની પ્રગતિનો આધાર બનશે. હવે યુપીમાં ગૂંડારાજ ચાલતું નથી અને માફિયારાજ ચલાવનારાઓ જેલમાં છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer