`જૂનાગઢની આઝાદીના દૂત બને ઈમરાન !''

ઈસ્લામાબાદ, તા. 14 : પંજાબ અને કાશ્મીરમાં અલગતાવાદને ભડકાવવામાં પછડાટ ખાધા બાદ પાકિસ્તાનની બદનામ ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ ગુજરાતના જૂનાગઢનો રાગ છેડયો છે. આઈએસઆઈના પીઠ્ઠુ અને જૂનાગઢના કથિત નવાબ પરિવારના મોહમ્મદ જહાંગીર ખાંજીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અપીલ કરી છે કે, તેઓ કાશ્મીરની જેમ જૂનાગઢના પણ દૂત બને. નવાબે એવું હાસ્યાસ્પદ નિવેદન કર્યું હતું કે, ઈમરાન ખાન બધા જ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના કબજામાંથી જૂનાગઢની કથિત આઝાદીનો મુદ્દો ઉઠાવે.રેડિયો પાકિસ્તાનના હેવાલ મુજબ, મોહમ્મદ જહાંગીરે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાને આ મુદ્દે  ચર્ચા કરવી જોઈએ અને વાતચીત દ્વારા આનો હલ કાઢવો જોઈએ. તેમણે કહ્યું કે, પાકિસ્તાન સરકારે જૂનાગઢનો મુદ્દો એટલો જ સક્રિયતાથી ઉઠાવવો જોઈએ જેટલો તે કાશ્મીરનો ઉઠાવી રહ્યું છે.નવાબે કહ્યું કે, `જૂનાગઢ પાકિસ્તાન છે, આ જૂનાગઢ રાજ્યનો ન માત્ર નારો છે, બલ્કે સપનું છે, જેને અમારા પૂર્વજ મોહમ્મદ અલી જીન્હા અને જૂનાગઢના નવાબ રહેલા નવાબ મહાવત ખાને જોયું હતું. તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, પાકિસ્તાન ભારતના જૂનાગઢ પર કથિત કબજા વિશે ગંભીરતાપૂર્વક અવાજ ઉઠાવે ! આ કબજો આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે. આ પહેલાં પાકિસ્તાને તેનો નવો રાજકીય નક્શો જારી કર્યો હતો. એ દ્વારા પાકિસ્તાને નાપાક કોશિશ કરી હતી કે, ભારતની સામે જે ક્ષેત્રોને લઈને તેનો વિવાદ છે, તેની પર દાવો ઠોકી શકે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer