કંડલા બંદરે લોડર હેઠળ કંપની કર્મચારીનું મોત : માધાપરમાં સ્કૂલ બસ તળે તરુણનું મૃત્યુ

ગાંધીધામ, તા. 14 : અમારા ગાંધીધામ બ્યુરોના અહેવાલ મુજબ કંડલા સ્થિત દિનદયાળ પોર્ટ ખાતે જેટી નંબર 14 ઉપર મીઠું ભરીને આવેલા જહાજની કામગીરી દરમ્યાન અકસ્માતે લોડર હડફેટે આવી જવાથી એ.વી. જોશી કંપનીના સુપરવાઇઝર જગદિશાસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.58)ને મોત આંબી ગયું હતું. ગઇકાલે બપોરે બનેલા આ કિસ્સા વિશે કંપનીના અન્ય સુપરવાઇઝર પ્રકાશ હોતચંદ ચલચલાણીએ લોડરના ચાલક કિડાણાના ગુમાનાસિંહ સોઢા સામે ગુનો દાખલ કરાવ્યો હતો. મરનારને માથા, મોઢા અને છાતીના ભાગે થયેલી ગંભીર ઇજાઓ તેના માટે સારવાર મળે તે પહેલાં જ યમદુત બની હતી તેમ પોલીસે જણાવ્યું હતું. બીજીબાજુ ભુજ નજીકના માધાપર ગામ પાસે ધોરીમાર્ગ ઉપરની ભવાની હોટલ પછવાડેના વિસ્તારમાં અંધજન મંડળની સ્કુલ બસની ટકકર વાગતા સોયબ કાદર સમા (ઉ.વ. 13)નો જીવનદીપ બુઝાયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ હતભાગી સોયબને તેના ભાઇ અનવરે ભુજની જનરલ હોસિ્5ટલ ખાતે ખસેડયો હતો પણ એ પહેલા તેનું મૃત્યુ થયું હતું. ગઇકાલે આ જીવલેણ અકસ્માતની ઘટના બની હોવાનું પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું. દરમ્યાન નખત્રાણા તાલુકાના મથલ ગામે માતાએ ટેલિવિઝન જોવાની ના પાડીને થપ્પડ મારતા લાગી આવવાના કારણે એસીડ પી લેનારી કિશોરી જમના ગોપાલ સીજુ (ઉ.વ.17)એ પણ સારવાર દરમ્યાન દમ તોડયો હતો. પોલીસે આ સબંધી માહિતી આપતા જણાવ્યું હતું કે ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ગઇકાલે આ હતભાગીએ દમ તોડયો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer