રાપરમાં તસ્કરને પકડવાની રાહ જોયા બાદ ચોરીની ફરિયાદ નોંધાવાઈ

રાપર, તા. 14 : રાપરના વાડી વિસ્તારમાં પખવાડીયા પુર્વે થયેલી ચોરીનો બનાવ આજે પોલીસ ચોપડે નોંધાયો છે.તસ્કરને રંગેહાથ પકડાવાની રાહ જોયા બાદ આજે ફરીયાદ નોંધાવી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ રાપરની ભાગોળે પાધેડા વાડી વિસ્તારમાં ચોરીનો બનાવ ગત તા. 30 ઓગષ્ટના બપોરના અરસામાં બન્યો હતો. તસ્કરો ઓરડીના તાળા તોડી એક બાજરીનો કટ્ટો, ડ્રીલ મશીન, ટોર્ચ, સોલ્ડર લાઈટની ધક્કા બેટરી સહીત રૂ. 4,600ની મતા ચોરી ગયા હતાં.વાડી માલીક લખમણ કરમશીભાઈ ભુસણ પટેલ જમીને ઘરેથી પરત આવ્યા બાદ ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ઓરડીમાં હજુ પણ સામાન પડયો હોઈ તસ્કર બીજી વાર ચોરી કરવા આવશે તેવું લાગતા તેમણે રંગેહાથ પકડાવા માટે 15 દિવસ સુધી નજર રાખી હતી. પરંતુ આજે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer