પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના ત્રીજા હપ્તાને ક્યું ગ્રહણ નડયું ?

સુમરાપોર (પચ્છમ), તા. ભુજ, તા. 14 : તાલુકાના સરહદી પચ્છમ-પાશી વિસ્તારમાં ટેકનિકલ ખામીના કારણે પી.એમ. કિશાન સન્માન નિધિ, યોજનાનો ત્રીજો (બે હજાર) હપ્તો ન મળતાં સેંકડો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ત્રીજા હપ્તાથી વંચિત ખેડૂતોએ જણાવ્યું હતું કે પ્રથમ હપ્તો ફેબ્રુઆરી, બીજો હપ્તો મેમાં અને ત્રીજો હપ્તો 10 ઓગષ્ટના જાહેરાત થઇ ગઇ છતાં એકાદ માસથી ચૂકવાયો નથી. જેની પૂછપરછમાં ખેડૂતોને  જવાબ મળી રહ્યો છે કે તમારી બેંક દેનાબેંકમાંથી બેંક ઓફ બરોડામાં મર્જ થતાં નવાં એકાઉન્ટના કારણે આ પ્રશ્ન ઊભો થયો છે અને નવી પાસબુક લઇ બી.સી. પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર પાસે નવું એકાઉન્ટ ઓનલાઇન કરાવો. ખેડૂતોએ એ પણ કર્યું છતાં કુરન ગ્રા.પં. ધ્રોબાણા, નાના મોટા દિનારા, રતડિયા, ખાવડા, ધોરાવર, જામકુનરિયા, જુણા, અંધૌ, ખારી, સોયલા, ગોહપર, લુડિયા, સરયુ વિ. ગ્રામ પંચાયતોના અનેક ધરતીપુત્રો આ હપ્તાથી વંચિત રહ્યા છે.ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દેના બેંક ખાવડા મર્જને તો દોઢેક વર્ષ થવા આવ્યું ત્યારે જો બે હપ્તા એકાઉન્ટમાં જમા થતા હોય તો ત્રીજા હપ્તામાં શું વાંધો નડી શકે અને આધારકાર્ડ તો ખેડૂતોનાં ઓનલાઇનમાં લીંક જ છે. તેમજ નવા એકાઉન્ટ પણ  ઓનલાઇન કરાવી નાખ્યા છે. તો પૈસા જમા કરાવ્યામાં ક્યું ગ્રહણ નડે છે તેવો સવાલ ઊભો થયો છે. આ અંગે તાકિદે તંત્ર મદદરૂપ બની ત્રીજો હપ્તો ચુકવે એવી પચ્છમવાસી ખેડૂતોની માંગ છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer