રાજ્યમાં કોરોનાના સર્વાધિક ત્રણ કેસ કચ્છમાં

ભુજ, તા. 14 : સમગ્ર રાજ્યમાં આજે કોરોનાના સર્વાધિક ત્રણ કેસ કચ્છમાં નોંધાતા ચિંતા ફેલાઇ છે. ત્રણ દિવસની રાહત બાદ ફરી કેસમાં મોટા ઉછાળાથી સંક્રમણના વધેલા વ્યાપને જોતાં લોકો વિશેષ  તકેદારી રાખે તે જરૂરી બની ગયું છે. રાજ્યમાં નવા 11 કેસ નોંધાયા તેમાં કચ્છની સાથે વડોદરા શહેરમાં સર્વાધિક 3-3 કેસ નોંધાયા છે. કચ્છ જિલ્લામાં નોંધાયેલા ત્રણેય કેસ ગાંધીધામમાં નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ત્રણેય દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી કેરળની હોતાં આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. કોરોના મુક્તિબાદ ગાંધીધામમાં લાંબા સમય પછી એક સામટા ત્રણ કેસ નોંધાતા ક્યાંક ને ક્યાંક ચિંતા સહ ઉચ્ચાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. કોરોનાએ ઉચ્ચાટ માચેવલો છે.  નોંધનીય છે કે જુન માસ સુધી કોરોના સંક્રમણનો વ્યાપ ચિંતાજનક રહ્યો તે પછી એક સામટા ત્રણ કેસ નોંધાયાનું લાંબા સમય બાદ જોવા મળ્યું છે તો રાજ્યમાં સર્વાધિક કેસ કચ્છમાં નોંધાયા હોય તેવું  કોરોના કાળમાં સંભવત પ્રથમવાર બનવા પામ્યું છે. નવા કેસની સામે એક દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. નવા કેસનો આંક 12620 તો સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12501 તો  સક્રિય કેસનો આંક 7 પર પહોંચ્યો છે. ભુજમાં 2105, ગાંધીધામમાં 1434, રાપરમાં 1218, અંજારમાં 1193, માંડવીમાં 1191, ભચાઉમાં 819, મુંદરામાં 621, અબડાસામાં 561, નખત્રાણામાં 456 અને લખપતમાં 202 મળી 8906ને રસી આપતાં કુલ રસીકરણનો આંક 11.57 લાખે પહોંચ્યો છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer