ગઢશીશામાં મોબાઇલ ફોનની ગેમના ઝઘડામાં છરી-ધોકાથી હત્યાનો પ્રયાસ

ગઢશીશા (તા.માંડવી), તા. 14 (પ્રતિનિધિ દ્વારા) : આ ગામના બાલકૃષ્ણ નગર વિસ્તારમાં મોબાઇલ ફોન ઉપર ગેમ રમવાના મુદે બે દિવસ પહેલાં થયેલી બોલાચાલી અને ઝઘડા અન્વયે છરીના ઘા મારીને તથા ધોકા ફટકારી સંજય છગન આઠુ નામના યુવકની હત્યાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે તાત્કાલિક પગલાં લઇને બન્ને આરોપીને ઝડપી પાડયા હતા.  પોલીસ સુત્રોએ આપેલી માહિતી મુજબ બનાવ બાબતે ભોગ બનનાર સંજયના ભાઇ મહેન્દ્ર છગન આઠુએ ગામના જ નિકુંજ ઉર્ફે નિરવ આઠુ અને તેના ભાઇ સંદિપ દિનેશ આઠુ સામે ખૂનની કોશિષ સહિતની કલમો તળે ફરિયાદ લખાવી હતી. આ પછી કેસના તપાસનીશ કાર્યકારી ઇન્સ્પેકટર વી.એચ. ઝાલાએ ઝડપી પગલાં ભરવા સાથે આજે સવારે બન્ને આરોપીની ધરપકડ કરી લીધી હતી. ફરિયાદમાં લખાવાયા મુજબ ભોગ બનનારા સંજય સાથે બે દિવસ પહેલાં આરોપી ભાઇઓ નિકુંજ અને સંદિપનો મોબાઇલ ફોન ઉપર ગેમ રમવાના મુદે બોલાચાલી સાથે ઝઘડો થયો હતો. આ વિશેની અદાવતમાં ગઇકાલે રાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે આરોપીઓએ સંજયને છરીના આઠેક ઘા માર્યા હતા અને તેને ધોકા વડે પણ ફટકાર્યો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer