વડાપ્રધાન જન્મદિન ઉજવણીના ભાગરૂપે કચ્છ ભાજપ દ્વારા કોરોનાના દર્દીઓ માટે કેમ્પનું આયોજન

ભુજ, તા. 14 : 17 સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રારંભ થનાર `સેવા અને સમર્પણ' કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ઉદ્દેશ સાથે એક મહત્ત્વપૂર્ણ અને નવતર પહેલરૂપે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કચ્છભરમાં વિવિધ સ્થળો પર કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓના આરોગ્યની ચકાસણી અર્થે નિ:શુલ્ક તપાસ કેમ્પ યોજવાનું જાહેર કરાયું છે.આ આયોજન અંતર્ગત સૌપ્રથમ 71મા જન્મદિવસે તા. 17-9ના જી.કે. જનરલ હોસ્પિટલ ભુજ ખાતે સવારે 9 વાગ્યાથી આ મેડિકલ કેમ્પનો પ્રારંભ થશે, ત્યારબાદ તા. 18-9ના સવારે 10 વાગ્યે અંજાર સી.એચ.સી. ખાતે તેમજ તા. 20-9ના સવારે 10 વાગ્યે રામબાગ હોસ્પિટલ, ગાંધીધામ ખાતે પણ આ પ્રકારના અન્ય બે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની ગંભીરતામાંથી પસાર થઈને સાજા થયેલા અનેક દર્દીઓ હજુ પણ પોસ્ટ કોવિડ તકલીફોનો સામનો કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની સમસ્યાઓથી પીડાય છે. આવા લોકો પૈકી જેઓ હાલમાં અશક્તિ, થાક, બેચેની, સાંભળવામાં બહેરાશ, શ્વાસ કે સુગંધમાં તકલીફ, મસ્તિષ્કમાં લોહીનું ઓછું પહોંચવું, છાતીમાં દુ:ખાવો રહેવો, પગમાં સોજો આવવો, કિડની પર અસર, ડાયાબિટીસ, હતાશા, અનિદ્રા કે અન્ય કોઈ પણ પ્રકારના ફુગજન્ય રોગોનો સામનો કરતા હોય તો આ પ્રકારના તમામ લક્ષણો ધરાવતા દર્દીઓને આ કેમ્પના માધ્યમથી ચકાસવામાં આવશે તેમજ જરૂરી સારવાર પણ મફત અપાશે. આ અંગે વધુ માહિતી આપતાં કચ્છ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અને સ્વાસ્થ્ય સંબંધી કાર્યક્રમોના ઈન્ચાર્જ ડો. મુકેશભાઈ ચંદેએ જણાવ્યું હતું કે, કોરોના એક એવી ગંભીર બીમારી છે જેમાં એક પ્રમાણથી વધારે ચેપ લાગ્યા બાદ સાજા થયા બાદ પણ દર્દીને પૂર્ણપણે સ્વસ્થ થતાં મહિનાઓ નીકળી જાય છે. માટે આવા અનેક દર્દીઓની યોગ્ય તપાસ થઈ શકે અને તેમને જરૂરી સારવાર અને માર્ગદર્શન મળી શકે એવા શુભ હેતુથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દર્દીઓને પ્રારંભિક તપાસ્યા બાદ નિષ્ણાત તબીબો દ્વારા જરૂર જણાય તેવા દર્દીઓના બ્લડ ટેસ્ટ, એક્સ-રે, સી.ટી.સ્કેન, એમ.આર.આઈ., 2-ડી ઈકો અને ઈ.સી.જી. જેવા ટેસ્ટ પણ તક્ષણ સ્થળ પર જ નિ:શુલ્ક ધોરણે કરી આપવામાં આવશે.કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમના અન્ય ઈન્ચાર્જો વસંતભાઈ કોડરાણી અને જેમલભાઈ રબારી પણ ઉપરોક્ત મેડિકલ કેમ્પને સફળ અને લોક લાભદાયી બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer