પત્રી નજીક આકાશી વીજળી પડવાથી સુજિત્રાના વૃદ્ધ માલધારીનું મૃત્યુ

મુંદરા, તા. 14 : આકાશી વીજળી પડવાથી 65 વર્ષીય જૈફ રબારી માલધારીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હોવાનો કરુણ કિસ્સો તાલુકાના પત્રી ગામ નજીક બન્યો હતો. બનાવની વિગતો જણાવતાં ફાચરિયાના પશુપાલક માડણભાઈ રબારીએ જણાવ્યું હતું કે, મૂળ વતન સુજિત્રા, તા. જિ.દેવભૂમિ દ્વારકાના મેકરણભાઈ તેના ઊંટોને ચરાવવા પત્રી નજીક ખેંગારસાગર ડેમ નજીકની નાલી પાસે સીમમાં આવ્યા હતા. ઊંટો સીમમાં ચરતા હતા અને મેકરણભાઈ સગાભાઈ રબારી જમીન ઉપર બેઠા હતા ત્યારે આકાશમાંથી વીજળી ત્રાટકી હતી અને ક્ષણાર્ધમાં તેનો જીવ લેવાઈ ગયો હતો. માડણભાઈએ મહત્ત્વની વાત કરતાં જણાવ્યું કે, માત્ર કચ્છની ડેરી જ ઊંટડીનું દૂધ ખરીદે છે તેથી ઊંટ સહિતનો માલ રાખનારા છેલ્લા કેટલાક સમયથી કચ્છ તરફ વળ્યા છે. ઊંટડીનું દૂધ ખરીદનારા કેન્દ્રો ઉપર દૂધ ભરાવી એ પૈસા કમાય છે. આકાશી વીજળીએ માલધારીનો ભોગ લીધો એ ઘટના બાદ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાજેતરમાં પડેલા વરસાદના કારણે જમીન ઉપરના કીચડમાં ફસાઈ ગઈ હતી જેને બાદમાં ગામલોકોના સહકારથી બહાર કાઢવામાં આવી હતી. મૃતદેહને ત્યારબાદ પી.એમ. માટે મુંદરા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer