ભુજના કૈલાસનગર ખાતે જાહેર દબાણ દૂર ન કરાતાં નારાજગી

ભુજ, તા. 14 : કૈલાસનગર ખાતે દબાણ દૂર કરવા અનેક રજૂઆત છતાં કોઇ કાર્યવાહી ન થતાં રોષ સાથે દુ:ખની લાગણી ફેલાઇ હતી.ભુજના કૈલાસનગરના રહેવાસીઓ દ્વારા ગત મે માસમાં કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં જણાવાયા મુજબ મકાન નં. 1049થી 1037 સુધી કૈલાસનગર તથા શક્તિનગર બેને જોડતો જાહેર માર્ગ છે, જે મકાન નં. 1049ના માલિક દ્વારા જાહેર રસ્તા પર દબાણ કરી રસ્તો બંધ કરી દેવાયો છે અને ત્યાંથી પાછળ મકાન નં. 1037 સુધી અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા દબાણ પ્રવૃત્તિ કરી રસ્તો બંધ કરાયો છે.આ બાબતે અગાઉ અનેક વખત તંત્રને રજૂઆત કરાઇ છે. કલેકટરને વ્યક્તિગત અરજી પણ કરી છે અને ભાડાને તથા ભુજ નગરપાલિકાને પણ આ બાબતે રજૂઆત કરાઇ હોવા છતાં કોઇ  કાર્યવાહી નથી કરાઇ.કૈલાસનગરના રહેવાસીઓની મુશ્કેલીઓ અને ચિંતા પ્રત્યે તંત્રની નિરસતા `આંખ આડા કાન' કહેવત સાર્થક કરતી હોય તેવું પ્રતીત થાય છે અને કાયદો તથા વહીવટી તંત્ર વગદાર લોકો સામે કોઇ કાર્યવાહી કરતું ન હોવાનું પ્રતીત થતું હોવાનું જણાવી રહેવાસીઓએ યાદીમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કલેકટર જે પણ નિર્દેશો નગરપાલિકાને અપાય છે તેની પૂરેપૂરી માહિતી અને કાર્યવાહી પ્રગતિની જાણકારી નગરપાલિકાથી વગદાર દબાણકારો સુધી પહોંચે છે, જે `દાઝ્યા પર ડામ' જેવી પરિસ્થિતિ છે. શું સ્વતંત્ર લોકતાંત્રિક દેશમાં સામાન્ય માણસોની તકલીફો અને મુશ્કેલીઓના નિવારણ માટે ગાંધીચીંધ્યા માર્ગે ધરણા-પ્રદર્શન અને આંદોલન જ એક માત્ર વિકલ્પ બચ્યો છે ? એવે વેધક સવાલ પણ યાદીમાં ઉઠાવાયો હતો. રહેવાસીઓની મુશ્કેલીને ધ્યાને લઇ સત્વરે દબાણ દૂર કરાય તેવી માંગ કરાઇ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer