ધીણોધર ડુંગર વિસ્તારમાં મોરની વસાહત સલામત

ધીણોધર ડુંગર વિસ્તારમાં મોરની વસાહત સલામત
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 28 : કચ્છના જંગલો અને પર્યાવરણની શોભા વધારતા મોર પક્ષીઓ એક માત્ર ધીણોધર ડુંગર છાવરમાં અંદાજે એક હજારથી વધુ સંખ્યામાં વિચરે છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં પવનચક્કીઓના ઓછા વ્યાપના કારણે ધીણોધર ડુંગર મોર પક્ષીઓની વસાહત માટે સૌથી વધુ શાંત રક્ષિત વિસ્તાર ગણવામાં આવે છે. સિદ્ધયોગી ધેરમનાથ દાદાની તપોભૂમિ કચ્છનો હેમાળો ધીણોધરમાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો-દર્શનાર્થી, પર્યટકો માટે પહાડમાં વિચરતા સોહામણા સરસ્વતીનાં વાહન રાષ્ટ્રીય પક્ષી મોરનાં દ્રશ્યો અને ટહુકા આકર્ષણ બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં સર્વત્ર પવનચક્કીઓ અને વીજ પાવરના તોતિંગ ટાવર અને વીજ રેષાનો ઘોંઘાટ અને શોર્ટસર્કિટથી અસંખ્ય પ્રમાણમાં મૃત્યુને ભેટતાં ખાસ કરીને મોરને રક્ષિત કરવા તંત્રએ કાળજી લેવી જોઇએ એવું પર્યાવરણ, જીવદયાપ્રેમીઓ ઇચ્છે છે, જ્યારે ધીણોધરની ચોતરફ પવનચક્કીઓનું રોપણ રોકવા ધીણોધર થાન જાગીરના મહંત, સાધુ-સંતો જાગૃત છે, જેથી પવનચક્કીઓ ઊભી કરવા સામે રોક લાગી છે. બીજી તરફ ધીણોધર તળેટીમાં ચણવા આવતાં પક્ષીઓ માટે જીવદયાપ્રેમી દાતાઓ દ્વારા ઘઉં, જુવાર, ચોખા જેવા ચણના ધાન્ય દાનમાં મળતા હોવાથી મહંત મહેશનાથજી તથા મહંત સોમનાથજીએ દાતાઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer