સફળ વ્યક્તિના સન્માનથી સમાજ ઘણું પામે ને વ્યક્તિનો ઉત્સાહ બેવડાય

સફળ વ્યક્તિના સન્માનથી સમાજ ઘણું પામે ને વ્યક્તિનો ઉત્સાહ બેવડાય
મસ્કા (તા. માંડવી), તા. 28 : જે સમાજ સફળ વ્યક્તિનું સન્માન કરે છે તે સમાજ ઘણું બધું પામે છે. કવિભાઈના શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ કચ્છ કાયમી ઋણી રહશે તેવું  કવિભાઈને મુંબઈમાં `જેઠાલાલ' દિલીપ જોશીના હસ્તે કચ્છ શક્તિ એવોર્ડ મળતાં માંડવીમાં મિત્રવર્તુળ દ્વારા યોજાયેલા અભિવાદન પ્રસંગે બોલતા જાણીતા લેખક અને તત્ત્વચિંતક હરેશભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું. જાણીતા કલાકારો દ્વારા સંગીતમય પ્રાર્થનાની રજૂઆત પછી આવકાર પ્રવચન અને સન્માનપત્રનું વાંચન કરતા મુલેશ દોશીએ જણાવ્યું હતું કે કવિભાઈને પાંચમો એવોર્ડ મળ્યો છે. કચ્છ યુનિ.ના પૂર્વ કુલપતિ ડો. કાંતિ ગોર અને વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઇ ખત્રીએ જણાવ્યું હતું કે, કવિભાઈ એટલે સમયપાલન અને ચોક્કસતાના પર્યાય. તેમના માધ્યમથી ઉત્તમ ગ્રંથનું દસ્તાવેજીકરણ થયું છે, જે આવનારી પેઢીને સંશોધન માટે ઉપયોગી નીવડશે. શ્રોફ પરિવારના દીપેશભાઈએ દાયકાઓ અગાઉ ભાવનગરથી કચ્છ કવિભાઈને લાવવામાં નિમિત્ત બનવા બદલ ખુદને ભાગ્યશાળી માન્યા હતા. જાણીતા તબીબ એસ.બી. મલ્લીએ કવિભાઈ કોઈ પણ કામ લે એટલે પૂરું કરીને જ જંપે, શીતાંશુ યશશ્ચંદ્ર અને બાબુભાઈ રાણપુરાને ટાંકતા જણાવ્યું હતું કે વર્ષો પહેલાં કહ્યું હતું કે આ યુવાનમાં આયોજનની વિશિષ્ટ આવડત છે. વિઝ્યુઅલ આર્ટ્સના આર.વી. બસિયા અને ડાયટના પ્રાચાર્ય સંજય ઠાકર અને મામલતદાર મારૂએ એમને સવાઈ કચ્છી ગણાવ્યા હતા. કવિભાઈનું 17 જેટલી સંસ્થાઓ અને મિત્રવર્તુળ દ્વારા અભિવાદન કરાયું હતું. સન્માનના પ્રત્યુત્તરમાં કવિભાઈએ સન્માન એક ભાર છે જેનું ઋણ ઉતારવા બમણા જોશથી કામ કરીશ. સંચાલન ભારતીબેન ગોર અને આભારવિધિ રમેશભાઈ ગોરે કરી હતી. નગરપ્રમુખ હેતલબેન સોનેજી, વાડીલાલ દોશી, નરેન્દ્ર સુરુ, શાંતિલાલ ગણાત્રા, જાયન્ટ્સ પ્રમુખ યોગેશ મહેતા, માવજીભાઈ બારૈયા, દિનેશ શાહ, અનિરુદ્ધભાઈ દવે, અરવિંદભાઈ જોશી, ગૌતમ જોશી, વિશ્રામ ગઢવી, કિશોર ભદ્રા વગેરે હાજર રહ્યા હતા. આયોજન વ્યવસ્થા શૈલેશ મડિયાર અને હર્ષાબેન મડિયારે સંભાળ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer