હોલમાર્કિંગના માલની વિગતો જાહેર કરવાની તારીખ 15/8 સુધી લંબાવાઇ

ભુજ, તા. 28 : સોનાના દાગીનામાં હોલમાર્કિંગ અમલી બન્યા બાદ તેના અમુક નિયમોને લઈને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ)ના હોલમાર્કિંગ વિભાગ તેમજ ઝવેરીઓના સંગઠનો વચ્ચે ઉચ્ચ સ્તરે વાટાઘાટોના દોર વચ્ચે હવે બીઆઈએસે જ્વેલર્સને થોડી રાહત આપી છે. સુવર્ણકારો માટે  પોતાની પાસેના હોલમાર્ક થયેલા માલની વિગતો જાહેર કરવાની તારીખ લંબાવીને 1પ ઓગસ્ટ કરાઈ છે તો સાથે જ એવું પણ જાણવા મળે છે કે જ્વેલર્સે માલની નંગ દીઠ ઝીણવટભરેલી વિગતો આપવાની જરૂર નહીં રહે અને તેઓ માલના વજનની પણ વિગત આપી શકશે. માહિતગાર વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર,બીઆઈએસ દ્વારા વેપારીઓ માટે સ્ટોકનું ડિકલેરેશન કરવાની તારીખ લંબાવીને 1પ ઓગસ્ટ કરાઈ છે. દરમ્યાન,સોના બાદ ચાંદીમાં પણ હોલમાર્કિંગનો કાયદો આવી રહ્યો છે અને બીઆઈએસે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે છઠ્ઠી જાન્યુઆરી 2022 સુધી ઝવેરીઓ માટે ચાંદીના દાગીનામાં હોલમાર્કિંગ સ્વૈચ્છિક રહેશે. તેમાં સુધારો આવતા વર્ષે સાતમી જાન્યુઆરીએ આવશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer