આદિપુરમાં ઘરમાં ઘૂસી છરીની અણીએ લૂંટનો થયો પ્રયાસ

ગાંધીધામ, તા. 28 : આદિપુરના વોર્ડ 6-એ વિસ્તારમાં ડીએપી શાળાની બાજુમાં આવેલા એક ઘરમાં ઘૂસી કિશોરીને છરી બતાવી લૂંટની કોશિષ કરાઇ હતી. આ બનાવ અંગે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.આદિપુરમાં રહેતા અને લાકડાની દલાલીનું કામ કરતા નરેન્દ્ર ચુવડમલ ચેનાની નામના આધેડે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ગઇકાલે બપોરે તે પોતાના ભાઇ સાથે હોલિડે રિસોર્ટ બાજુ કામ અર્થે ગયા હતા. ત્યારે તેમના વોર્ડ 6-એ, ડીએવી શાળાની બાજુમાં આવેલા મકાન નંબર 284માં આ બનાવ બન્યો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ ફરિયાદીના ઘરે તેમના પત્ની અને દીકરી રશ્મિ હાજર હતા.તેમના ઘરનો દરવાજો ખુલ્લો હતો ત્યારે 25થી 30 વર્ષીય એક અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો હતો. ક્રીમ રંગનું ટપકી વાળું શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરેલા  આ શખ્સે કિશોરીને  છરી બતાવી તમારા ઘરમાં જે કાંઇ હોય તે આપી દે તેવું જણાવતાં રશ્મિએ પોતાની માતાને  રાડ પાડીને  બોલાવી હતી. તેના  માતાને બહાર આવી આ અજાણ્યા શખ્સને જોઇ રાડારાડ કરતાં આ શખ્સ નાસી ગયો હતો.આ ફરિયાદીના ઘરની પાછળ આવેલા એક ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં જ્યુપીટર જેવા વાહનમાં છરી લઇને આવેલો આ શખ્સ તથા 35થી 40 વર્ષીય એક અજાણ્યો શખ્સ નજરે ચડયા હતા. લૂંટની કોશિષના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ?ધરી?છે. આ વિસ્તારમાં થોડા દિવસો પહેલાં એક બંધ મકાનમાંથી લાખોની મતાની ચોરી થઇ?હતી. આદિપુરના અન્ય વિસ્તારોમાં પણ ચોરી, ચીલઝડપના બનાવો દિવસો દિવસ વધતા જાય છે ત્યારે વધુ કડક પોલીસે પેટ્રોલિંગની માંગ લોકોમાં ઊઠી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer