ઘોરાડના રક્ષણાર્થે એક વર્ષમાં તમામ કંપનીઓ પોતાના વીજ વાયર ભૂગર્ભ કરે

ઘોરાડના રક્ષણાર્થે એક વર્ષમાં તમામ કંપનીઓ પોતાના વીજ વાયર ભૂગર્ભ કરે
નલિયા, તા. 27 : દુર્લભ પક્ષી એવા ઘોરાડની સલામતી માટે ઘોરાડ અભયારણ્યની આસપાસનો વિસ્તાર અને સંભવીત ઘોરાડ રહેઠાણ વિસ્તારમાંથી પસાર થતી એચ.ટી. અને એલ.ટી. વીજલાઇન અન્ડરગ્રાઉન્ડ કરવા અબડાસામાં કાર્યરત ખાનગી અને સરકારી કંપનીઓને  એક વર્ષની અંદર આ કામગીરી પૂરી કરવા પ્રાંત અધિકારીએ તાકીદ કરી છે. લુપ્ત થતી ઘોરાડ જાતિના પક્ષીઓને બચાવવા તાજેતરમાં સુપ્રીમ કોર્ટનાં ફરમાનને પગલે જિલ્લા કલેકટરની સૂચના સંદર્ભે અબડાસા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે વિવિધ ખાનગી કંપનીઓની બેઠક બોલાવી ઘોરાડ અભયારણ્ય અને સંભવિત વસવાટ વિસ્તારમાંથી પસાર થતી ગુજરાત ટ્રાન્સમિશન કંપની, પશ્ચિમ કચ્છ વીજ કંપની, સુઝલોન, અદાણી, જખૌ સોલ્ટ વગેરે કંપનીનાં પ્રતિનિધિઓને સુપ્રીમ કોર્ટનાં આદેશથી અવગત કરી વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી એક વર્ષની અંદર આટોપી લઇ કામગીરીનો વખતો-વખત પ્રગતિ રિપોર્ટ આપવા તાકીદ કરી છે. ઘોરાડની જેમ રાષ્ટ્રીય પક્ષી મોરના રક્ષણનાં દ્વાર પણ ખુલ્યાં છે. ઉલ્લેખનીય છે કે અબડાસાના લાલા, બુડીયા ગામ પાસે 505 એકરમાં ઘોરાડ અભયારણ્ય પથરાયેલું છે પાછળથી રાજ્ય સરકારે અબડાસાનાં 21 ગામોની 21976.978 હેકટર જમીન ઘોરાડ માટે   કુદરતી સંવેદનશીલ વિસ્તાર (ઇકોસેન્સેટિવ ઝોન) જાહેર કર્યો છે. આ તમામ વિસ્તારમાંથી પસાર થતી વીજલાઇન ભૂગર્ભમાંથી નાખવામાં આવશે. અબડાસામાં વિવિધ કંપનીઓની વીજલાઇનનાં કારણે બે ઘોરાડ પક્ષીઓ ભૂતકાળમાં મોતને  ભેટયા છે. દુર્લભ ઘોરાડ પક્ષીની સલામતી માટે ભૂતકાળમાં સુઝલોન કંપનીને વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવા જિલ્લા કલેકટરે આદેશ પણ આપ્યો હતો. જેનો અમલ હજુ સુધી થયો નથી. જો કે હવે જ્યારે સુપ્રીમ કોર્ટે પણ ઘોરાડને બચાવવાનાં ઉપાય તરીકે વીજલાઇન ભૂગર્ભમાંથી નાખવાની કામગીરી એક વર્ષમાં  પૂર્ણ કરવા આદેશ આપતાં હવે આ કામગીરીને વેગ મળતાં કામગીરી સંપન્ન થયા પછી ઘોરાડને વીજલાઇન અવરોધ રૂપ થશે નહીં તે નિશ્ચિત છે. સુપ્રીમ કોર્ટે ઘોરાડ માટે અતિ મહત્વનો અને  મહત્વનો વિસ્તાર નક્કી કરી  વીજલાઇન ભૂગર્ભમાંથી નાખવાનું ઠરાવ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer