હમીરસરમાં માધાપરની પરિણીતાની મોતની છલાંગ

હમીરસરમાં માધાપરની પરિણીતાની મોતની છલાંગ
ભુજ, તા. 27 : શહેરમાં હમીરસર તળાવમાં તાલુકાના માધાપર ગામની પરિણીત યુવતી મનીષાબેન ચેતન જેઠી (ઉ.વ. 34)એ આજે મધ્યાહ્ને મોતની છલાંગ મારી હતી. તારુઓ અને બોટની સહાયતાથી ભારે મહેનત બાદ મૃતદેહ બહાર કાઢી શકાયો હતો. પડોશમાં બાંધકામ કરતા શખ્સ સાથે થતી રહેતી માથાકૂટ થકી મરનારે આ પગલું ભર્યાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. ઘટનાના પગલે એકતરફ તળાવના કાંઠે લોકો મોટી સંખ્યામાં ઊમટયા હતા, તો પરિવારજનોના કલ્પાંતે ગમગીની સર્જી હતી. માધાપર ગામે આશા હોમ્સ-1 ખાતે રહેતી અને ભુજમાં મેમસા'બ નામની કપડાંની દુકાનમાં કામ કરતા ચેતન જેઠીની પત્ની એવી હતભાગી મનીષાએ આજે મધ્યાહ્ને સાડાબારેક વાગ્યાના સુમારે પાવડી પાસેથી હમીરસર તળાવમાં કૂદકો માર્યો હતો. તળાવના ઊંડાં પાણીમાં ગરકાવ થઇ જવાથી તે ત્યાં જ મોતને ભેટી હતી. પરિવારના સભ્યોએ લખાવેલી વિગતોને કેન્દ્રમાં રાખીને પોલીસ સાધનોએ જણાવ્યું હતું કે, મરનાર મનીષાબેનના ઘરની બાજુમાં પીઠાભાઇ આહીર નામની વ્યકિત બાંધકામ કરાવે છે. આ બાંધકામ કાર્યને લઇને ઘરની ગટર લાઇન તૂટી જવા સહિતની કનડગતથી ત્રસ્ત બનીને મરનારે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. પોલીસે સર્વગ્રાહી છાનબીન આરંભી છે.  બનાવના સ્થળની રૂબરૂ મુલાકાત વેળાએ એકબાજુ તળાવની પાળ ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયેલા જોવા મળ્યા હતા. તારુઓ અને બોટની સહાયતાથી મહેનત બાદ મરનારના દેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમયે ભારે ગમગીની સર્જનારાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પરિવારજનો પાસેથી મળેલી વધુ માહિતી મુજબ મનીષાબેન આજે મધ્યાહ્ને એક મહિલા અને પોતાના પુત્ર સાથે તળાવ વિસ્તારમાં આવી હતી. કૂદકો મારવા પહેલાં પુત્રને આ હતભાગીએ પરત ઘરે મોકલી દીધો હતો, તો મહિલાને નાસ્તાના પડીકા લેવા મોકલી હતી. આ પછી તેણે પાણીમાં જમ્પ માર્યો હતો. લાશને બહાર કઢાયા બાદ ઘણીવાર સુધી કાંઠે રખાઇ હતી. આ દરમ્યાન એક મહિલાને વાસો આવવા સહિતનો ઘટનાક્રમ જોવા મળ્યો હતો. મનીષાબેને તળાવમાં કૂદકો માર્યો તે દૃશ્ય એક જણે નજરે જોયા બાદ તેણે જાણ કરતાં શોધખોળ સહિતનું કાર્ય હાથ ધરાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer