ખડીરમાં ઘેરઘેર લાપસીનાં આંધણ...

ખડીરમાં ઘેરઘેર લાપસીનાં આંધણ...
રામજી મેરિયા દ્વારા - ચોબારી (તા. ભચાઉ), તા. 27 : પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં ચોમેર રણથી ઘેરાયેલો ખડીર વિસ્તાર પોતાની અનેક ખૂબીઓ, અનેક વિશેષતાઓ અને પાંચ હજાર વર્ષ જૂની ધરોહરને સાચવીને બેઠેલી કોટડાટીંબા તરીકે ઓળખાતી ધોળાવીરા હડપ્પન સાઈટ અલગ ઓળખ ધરાવે છે ત્યારે આજે આ નગરીને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળતાં સમગ્ર ખડીર-પૂર્વ કચ્છ સહિત સમગ્ર કચ્છમાં આનંદ છે. યુનેસ્કો દ્વારા આજે ટ્વિટ કરીને ધોળાવીરાને વિશ્વની ધરોહર તરીકે જાહેરાત થતાં આ વિસ્તારમાં ખુશી જોવા મળી છે. હાલે હયાત છે તેવા શંભુદાન ગઢવી દ્વારા આ જગ્યાને જોયા બાદ તંત્ર દ્વારા અહીં સંશોધન થતાં ત્રણ દાયકા બાદ ધોળાવીરાના વિકાસ માટે જાણે આજે સોનાનો સૂરજ ઊગ્યો હોય તેમ ખડીર વિસ્તારમાંથી ફોન રણકી ઊઠયા હતા, તેમ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અભિનંદનની આપ-લે ખડીરવાસીઓમાં જોવા મળી હતી. ખડીર વિસ્તાર માટે ખુશીના આ સમાચાર જન-જન સુધી પહોંચી ગયા હતા. પૂર્વ કચ્છમાં આવેલી આ સાઈટ થકી હવે સમગ્ર કચ્છના પ્રવાસન ક્ષેત્રે વિકાસ થશે તેમ પૂર્વ કચ્છમાં રોડ-રસ્તા, લાઈટ, પાણી, આરોગ્ય, વાહનવ્યવહાર માટે હંમેશાં વલખાં મારતા આ વિસ્તારનો હવે વિકાસ થશે તેવી સૌ આશાઓ સેવી રહ્યા છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા આ સાઈટના ખોદકામ માટે ડો. આર.એસ. બિસ્ટ દ્વારા 25 વર્ષથી કરાતી મથામણ બાદ પરિણામ આવ્યું છે. 1989માં શરૂ કરાયેલું સાઈટનું કામ 2006 સુધી કરાયું, ત્યારબાદ કામ બંધ હતું. તેમાંથી નીકળેલા અવશેષો દિલ્હી મ્યુઝિયમમાં સંગ્રહાયેલા છે જે હવે પરત લાવવામાં આવશે. લોઅર ટાઉન અને મિડલ ટાઉનને ખુલ્લું નથી કરાયું, જે હવે ધીરે ધીરે તે બહાર આવશે. મોટું સ્ટેડિયમ પણ બહાર આવશે. સમગ્ર ભારતભરની સૌથી મોટી હડપ્પા સિવિલાઈઝેશન ધોળાવીરાની આ સાઈટ છે. માનવનો વિકાસ વગેરે બાબતોને ધ્યાનમાં લેવાય છે. આ બધી બાબતોને ધ્યાને લેવામાં આવી છે. આ બાબતો માટે કચ્છના જાણીતા જિયોલોજિસ્ટ ડો. મહેશભાઈ ઠક્કરે પણ પોતાના પ્રેઝન્ટેશનો રજૂ કરીને કચ્છની વિવિધ વિશેષતાઓ વર્ણવી હતી. જેમ કે, ફોસિલ વૂડ અને ખડીરની બીજી વિશેષતાઓ વર્ણવી હતી, જેમાં ઈકો ટૂરિઝમ અને જિયે ટૂરિઝમ પણ વિકાસ પામી શકે. ભંજડાબેટના પથ્થરોનું જિયોલોજિકલ રીતે ખૂબ જ મહત્ત્વ છે. રખાલ, પક્ષીઓની વસાહતો વગેરેનું મહત્ત્વ છે. અહીંની લોકકલા - સંસ્કૃતિ વગેરેનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રવાસીઓ અહીં પ્રકૃતિને માણવા માટે પણ આવે છે. આમ વર્લ્ડ હેરિટેજ માટે માત્ર સાઈટ જ નહીં પરંતુ આસપાસનો વિસ્તાર, તેની વિશેષતાઓ વગેરેને ધ્યાને લેવામાં આવતી હોય છે. યુનેસ્કોની ટીમ જ્યારે ધોળાવીરાની મુલાકાતે આવી હતી ત્યારે આ તમામ બાબતોનો અભ્યાસ કર્યા બાદ વર્લ્ડ હેરિટેજ માટે ધોળાવીરાની પસંદગી કરાઈ છે, ત્યારે હજુ પણ માળખાગત સુવિધા માટે પૂર્વ કચ્છમાં ઘણીબધી ખૂટતી કડીઓ પ્રત્યે સરકાર ધ્યાન આપે તે જરૂરી છે. ખડીર વિસ્તાર માટે હજુ પણ ઘણીબધી જે ખૂટતી કડીઓ છે તેની વાત કરીએ તો ખડીરના અસ્તિત્વથી આજ સુધી પૂર્ણપણે ચોમાસા આધારિત ખેતી અહીં થાય છે. અહીં પાણીના કોઈ અન્ય સોર્સ ન હોવાથી પીવાના પાણીની પણ પારાવાર મુશ્કેલીનો ખડીરવાસીઓ કાયમ સામનો કરી રહ્યા છ, તેમ આરોગ્ય અને શિક્ષણ માટે પણ કાયમી સુવિધા ખડીરવાસીઓ ઈચ્છે છે. આ વિસ્તારનો તાલુકો ભચાઉ છે પરંતુ આઝાદીના સાત દાયકા બાદ પણ હજુ તાલુકા મથકને જોડતો સીધો માર્ગ હજુ નસીબ નથી થયો. ખડીરને ભલે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો, માળખાગત સુવિધાઓ મળશે, પરંતુ જો એકલ-બાંભણકા માર્ગ ન બને તો ખડીરનું તાલુકા મથકનું અંતર ઓછું નહીં થાય આથી એકલ-બાંભણકા માર્ગ આ સાઈટ પર પહોંચવા માટે એટલો જ અગત્યનો છે, જેનાથી સમય, માનવશક્તિ અને નાણાંનો વ્યય થતો અટકી શકે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer