પ્રવાસન વિભાગ સુવિધા વધારશે : વાસણભાઈ

પ્રવાસન વિભાગ સુવિધા વધારશે : વાસણભાઈ
ભુજ, તા. 27 : કચ્છની પ્રાચીન વિરાસત ધોળાવીરાને યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળતાં રાજ્ય સરકારમાં પ્રવાસન વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો સંભાળતા કચ્છના પ્રતિનિધિ વાસણભાઈ આહીરે આભારની લાગણી સાથે જણાવ્યું હતું કે કચ્છનો હવે વિશ્વના પ્રવાસન નક્શામાં સમાવેશ થયો છે. શ્રી આહીરે `કચ્છમિત્ર' સાથે વાત કરતાં જણાવ્યું કે પાંચ હજાર વર્ષ પૂર્વેની આ હડપ્પીય નગરીને વિશ્વના નક્શામાં મૂકવાનો પ્રસ્તાવ યુનેસ્કોને ભારત સરકારે મૂકયો હતો, જેના પગલે યુનેસ્કોની ટીમ છ મહિના સુધી ધામા નાખ્યા હતા. દુનિયાભરના પુરાતત્ત્વપ્રેમીઓને આ સાઈટ સરળતાથી મળી રહે એ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સપનું સેવ્યું હતું કે ગુજરાતની 4થી સાઈટ પુરાતત્ત્વીય નગર ધોળાવીરાનું પણ વૈશ્વિક સ્તરે સમાવેશ થાય ને આખરે સફળતા મળી ને આજે જાહેરાત થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. આમેય ધોરડોના સફેદ રણને નિહાળવા દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છ આવે છે ત્યારે હવે તેમાં ઉમેરો થયો છે. વાગડ સહિત કચ્છના પ્રવાસન ક્ષેત્રે મોટી સફળતા ગણાય અને પ્રવાસન ક્ષેત્રે વિશ્વ સ્તરે દ્વાર ખુલ્યા છે. ધોળાવીરા ખાતે માળખાકીય સુવિધા ઉપરાંત પ્રવાસન ક્ષેત્રે જે સવલતો જોઈએ એ માટે કેન્દ્ર સરકારે રૂા. પ00 કરોડ ફાળવ્યા છે. ગુજરાતના પ્રવાસન વિભાગ તરફથી તમામ કામગીરી શરૂ કરવામાં આવશે તેવું રાજ્યમંત્રી શ્રી આહીરે જણાવ્યું હતું. વિશ્વ પ્રસિદ્ધ ધરોહરની યાદીમાં હવે કચ્છનું ધોળાવીરા સમાવાઈ ગયું છે ત્યારે આવનારા દિવસોમાં ધોળાવીરાને નિહાળવા આવતા દેશ-વિદેશના પર્યટકોની તમામ સુવિધા વિકસાવવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer