મહામૂલા માનવ અવતારને સફળ બનાવવા સદ્કાર્યો કરવાની શીખ

મહામૂલા માનવ અવતારને સફળ બનાવવા સદ્કાર્યો કરવાની શીખ
ભુજ, તા. 27 : મુંદરા તાલુકાના નવીનાળ ગામે આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના પૂનમચંદ્ર સ્વામી મ.સા. ના શિષ્યો કાર્યવાહક તારાચંદ મુનિ મ.સા., પ્રશાંતમુનિ મ.સા., સમર્પણ મુનિ મ.સા. આદિ ઠાણા ત્રણનો ચાતુર્માસ પ્રવેશનો કાર્યક્રમ ભક્તિસભર વાતાવરણમાં ઢોલ-શરણાઈના સુરાવલી સાથે સામૈયા સાથે યોજાયો હતો. દાતાના સહકારથી નૂતનીકરણ થયેલ અમરસન્સ વ્યાખ્યાન હોલ અને જૈન સ્થાનકનું પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડાના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી છેડાએ ચાતુર્માસ દરમ્યાન કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવાની સાથે ચાતુર્માસના ચાર મહિના દરમ્યાન યથાશક્તિ ધર્મ આરાધના કરી પ્રભુ ભક્તિમાં લીન બનવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગામના દાનવીર અનશન વ્રતધારી ડુંગરશીભાઈ વોરા પરિવારે બે દાયકામાં જેટલું વિવિધ ક્ષેત્રે જે દાન કર્યું છે અને નવીનાળ જૈન સંઘ દ્વારા તેમના નામની તક્તી ઉપાશ્રયમાં લગાવી તે બદલ અનુમોદના કરી હતી. તારાચંદ મુનિ મ.સા. એ માંગલિક ફરમાવ્યું હતું અને પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણને આ મહામૂલો મનુષ્ય ભવ મળ્યો છે તેનો સદ્ઉપયોગ કરી ચાતુર્માસના દરમ્યાન ધાર્મિક કાર્યો કરી, તપસ્યા કરી આ ભવ સુધારવો જોઈએ. મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ મહેતા, નવીનાળ સંઘના ટ્રસ્ટી જયંતભાઈ વોરા, પ્રેમચંદભાઈ વોરા, મોરારજીભાઈ વોરા, જયંતીલાલભાઈ વોરા, દાતા પરિવારના મનીષભાઈ વોરા, નિલેશભાઈ વોરા, ખિલતીબેન વોરા, ગામના સરપંચ ગજુભા જાડેજા, ગામના આગેવાન ધીરૂભા જાડેજા અને ગામ અને બહારગામથી જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા. તારાચંદભાઈ છેડા અને વિનોદભાઈનું સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન અને આભારવિધિ અશ્વિનભાઈ સૈયાએ કરી હતી.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer