કર્ણાટકમાં બસવરાજ : આજે શપથ

નવી દિલ્હી, તા. 27 : કર્ણાટકના મુખ્યમંત્રી પદે ભાજપે રાજ્યના ગૃહમંત્રી, લિંગાયત સમાજના બસવરાજ એસ. બોમ્મઈની પસંદગી કરી છે. યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રીની પસંદગી માટે મંગળવારે સાંજે ભાજપ વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં બસવરાજની નિયુક્તિ પર મહોર લગાવાઈ હતી. પૂર્વ ગૃહમંત્રી બસવરાજ યેદિયુરપ્પાના વિશ્વાસુ માનવામાં આવે છે.ભાજપ હાઈકમાન્ડે નવા મુખ્યમંત્રીની સર્વમાન્ય પસંદગી કરવા બે નેતા ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડીને નિરીક્ષક તરીકે બેંગ્લુરુ મોકલ્યા હતા. બુધવારે બપોર બાદ 3.ર0 કલાકેબસવરાજની શપથવિધિ યોજાશે. સૂત્રો અનુસાર સામાન્ય રીતે કેન્દ્રએ મોકલેલાં ઓબ્ઝર્વર નવા નેતા તરીકે કેન્દ્રએ સૂચવેલા નામથી ધારાસભ્યોને અવગત કરાવી સર્વસંમતિ સાધવા પ્રયાસ કરે છે. એવી ચર્ચા હતી કે યેદિયુરપ્પા કર્ણાટકના પ્રભાવશાળી લિંગાયત સમાજમાંથી આવતા હતા તો તેમના ઉત્તરાધિકારી તરીકે લિંગાયત સમાજમાંથી જ પસંદગી કરવામાં આવશે. બસવરાજ સદારા લિંગાયત સમાજમાંથી આવે છે. તેમના પિતા એસઆર બોમ્મઈ પણ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકયા છે. જો કે, તેઓ કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી બન્યા હતા. ધારાસભ્યોની બેઠક પહેલાં બસવરાજ યેદિયુરપ્પાને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બંન્ને વચ્ચે ર0 મિનિટ બંધબારણે વાતચીત થઈ હતી. મુખ્યમંત્રી પદની રેસના પ્રબળ દાવેદારોમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સી.ટી. રવિ, ગૃહમંત્રી બસવરાજ એસ. બોમ્મઈ, બી.એલ. સંતોષ અને વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી, રાજસ્વ મંત્રી આર. અશોક સામેલ હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer