ખેડુકા પાસે કારમાંથી રૂા. 3.64 લાખનો શરાબ ઝડપાયો

રાપર, તા. 27 : રાપર તાલુકાના ખેડુકા અને હમીરપર વચ્ચે પોલીસે મધરાત્રીના ફિલ્મીઢબે  કારનો પીછો કરી રૂા. 3.64 લાખનો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન મુખ્ય આરોપી નાસી ગયો હતો. જ્યારે તેની સાથે રહેલો શખ્સ ઝડપાઈ ગયો હતો. શરાબના જથ્થો કાર સહીત રૂા.8.79 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પોલીસ મહાનિરિક્ષક જે.આર. મોથાલિયા, પૂર્વ કચ્છ પોલીસ વડા મયૂર પાટિલ, ભચાઉ ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલા, રાપર સી.પી.આઈ. ડી.એમ. ઝાલાની સુચનાથી આડેસર પોલીસનો સ્ટાફ દારૂની બદીને ડામવા પેટ્રોલીંગમાં હતો. આ દરમ્યાન સફેદ કલરની સ્કોર્પીયો કારમાં શરાબની બોટલો ભરી ખેડુકાથી મોટી હમીરપર તરફ જવાની બાતમી મળી હતી. બાતમીના આધારે હમીરપર ગામની ગોલાઈ પાસે પોલીસ ટુકડીએ વોચ ગોઠવી હતી. બાતમી મુજબ જી.જે. 8.એફ.6309 નંબરની સ્કોર્પીયો કાર પસાર થતા હાથના ઈશારે રોકી હતે. આરોપીઓએ પોલીસને જોઈને જીપકાર દોડાવી દીધી હતી. પોલીસે કારનો પીછો કર્યો હતો. દરમ્યાન ખેડુકા ગામ પાસે ગોલાઈમાં આરોપીઓએ ગાડીને નીચે ઉતારતાં ખાડામાં પડી ગઈ હતી. કારમાં રહેલા આરોપીઓ નાસવા લાગ્યા હતા. પોલીસે પીછો કરીને કુલદિપસિંહ ધીરૂભા ચૌહાણ (કણોઢી સુઈગામ) ઝડપાઈ ગયો હતો. જ્યારે રવ મોટીના રહેવાસી યશપાલસિંહ બળુભા જાડેજા ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા  સીટ કાઢીને શરાબની પેટીઓ ભરેલી જોવા મળી હતી. કારમાંથી ગ્લોબલ સ્પીરીટ રમ જીનની રૂ. 99,750ની કીમતની 285 બોટલો, કેમલોન ઓરેન્જ પ્રીમીયમ કોલોટી વોડકાની રૂ. 67,200ની કીમતની 192 નંગ બોટલો, દરબાર ડીલક્ષ વ્હીસ્કીની રૂ. 29,400ની કીમતની 84 બોટલો, વાઈટલેશ ઓરેન્જ ફલેવરના રૂ. 67,200ની કીમતના 672 નંગ કવાટરીયા, કન્ટ્રીકલબ ડીલક્ષ વ્હીસ્કીના રૂ. 81,600ની કીમતના 816 નંગ કવાટરીયા અને વીન્ટેજ ઓરેન્જ વોડકા કંપનીના રૂા. 19,200ની કીમતના 192 નંગ કવાટરીયા સહીતનો  શરાબનો જથ્થો કબ્જે કરાયો હતો.આ કાર્યવાહી દરમ્યાન રૂ.5 લાખની કીમતની સ્કોર્પીયો કાર, અને રૂ. 15 હજારની કીમતના  ત્રણ નંગ મોબાઈલ ફોન સહીતનો મુદામાલ કબ્જે કરાયો હતો. આ કાર્યવાહીમાં આડેસર પી.એસ.આઈ. વાય.કે. ગોહીલ, પી.એસ.આઈ. જી.એ. ઘોરી, ગાંડાભાઈ ચૌધરી, હકુમતસિંહ જાડેજા, ભરતજી ઠાકોર, કાંતિસિંહ રાજપુત, દિલીપભાઈ પરમાર, ચંદ્રકાંત ભાટીયા, ઈશ્વર કાદરી,  ભગવાનભાઈ ચૌધરી વિગેરે જોડાયા હતા. પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer