નૂતન ચિત્રોડમાં ધોળા દિવસે રૂા. 3.99 લાખની ચોરી

રાપર, તા. 27 : ગાંધીધામમાં ચાર લાખની ઘરફોડ ચોરીનો બનાવ હજુ તાજો જ છે ત્યાં રાપર તાલુકાના નૂતન ચિત્રોડ ગામમાં તસ્કરોએ દિનદહાડે બંધ ઘરને નિશાન બનાવી રોકડ રકમ સહિત રૂા. 3.99 લાખની મતાની ચોરી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં ભારે ચકચાર પ્રસરી છે. મોટી રકમની ચોરીના બનાવના પગલે પોલીસ બેડામાં દોડધામ થઈ પડી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ચોરીનો આ બનાવ ગામના સીતારામવાસમાં ગત તા. 23ના સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. તસ્કરોએ બંધ ઘરના દરવાજાનાં તાળાં તોડી અંદર ગેરકાયદે પ્રવેશ કર્યો હતે. ઘરનો સામાન વેરવિખેર કરી તસ્કરો પતરાનાં પીપમાં રાખેલા રોકડા રૂા. બે લાખ, રૂા. 33000ની કિંમતના બે મંગળસૂત્ર, 30 હજારની કિંમતની ચાંદીની બે નંગ કાંબી, 58 હજારની કિંમતની સોનાની પાંચ નંગ વીંટી, રૂા. 35 હજારની કિંમતની સોનાની ચેન, રૂા. 13,500ની કિંમતની સોનાની બે નંગ બૂટી, રૂા. 30 હજારની કિંમતના ચાંદીના 12 નંગ કડલિયા, સહિતની 3.99 લાખની માલમતા તફડાવી ગયા હતા.ખેતીકામ કરતા ફરિયાદી પેથાભાઈ કરમશીભાઈ  ગોઢી પાટણ દવા લેવા ગયા હતા અને ઘરે રહેલા તેમના પત્ની અને પુત્ર વાડીએ ગયા હતા. આ અરસામાં તસ્કરો કળા કરી ગયા હતા. ફરિયાદી પેથાભાઈ પાટણથી ઘરે આવ્યા ત્યારે તેમના ઘરના દરવાજા ખુલ્લા હતા. તેમના પત્ની વાડીએથી આવતાં તાળું કેમ નથી માર્યું તેમ કહેતાં તેમણે સવારે તાળું મારીને વાડીએ ગયા હોવાનું કહ્યું હતું. ઘરમાં તપાસ કરતાં સરસામાન વેરવિખેર હતો અને ઘરેણાં, રોકડ રકમ ચોરાઈ હોવાનું બહાર આવ્યું હતું. તેમની તબિયત સારી રહેતી ન હતી અને પોતાની રીતે તપાસ કરી હતી, પરંતુ કોઈ માહિતી ન મળતાં તેમણે આજે આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer