લખપત તાલુકાના યુવાન ટીડીઓનું અકાળે નિધન

લખપત તાલુકાના યુવાન ટીડીઓનું અકાળે નિધન
દયાપર (તા. લખપત), તા. 27 : છેલ્લા ત્રણ વર્ષથી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા મયૂરભાઇ ભાલોડિયાનું આજે હૃદયરોગના હુમલાથી યુવાવસ્થામાં મૃત્યુ થતાં તાલુકામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એકાદ વર્ષ પહેલાં જ લગ્ન થયા પછી એક સંતાનના પિતા હતા. સવારના દુ:ખાવો થતાં નખત્રાણા દેવાશિષ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. બાદમાં વધુ સારવાર માટે ભુજ ખસેડાતાં દેશલપર પાસે બીજો હુમલો થયો હતો અને ભુજના તબીબે મૃત જાહેર કરતાં તેમના ચાહકવર્ગમાં ગમગીની ફેલાઇ હતી. નિખાલસ અને સરળ સ્વભાવના કારણે આ અધિકારીએ લોકોનું દિલ જીતી લીધું હતું. તેમના મામલતદાર એ. એન. સોલંકી, ના. મામલતદાર એન. એસ. ભાટી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભીલ, વેપારી મહામંડળના પ્રમુખ વિશ્વનાથ જોષી, દયાપર સરપંચ ભવાનભાઇ પટેલ, ઉરસભાઇ નોતિયાર, પ્રવીણ ચાવડા, તા.પં. પ્રમુખ જેનાબાઇ પઢિયાર, લખપત તા. ભાજપ મહામંત્રી જુગરાજસિંઘ સરદાર વિગેરેએ શ્રદ્ધાંજલિ આપી તેમની સેવાને બિરદાવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer