જલારામ બાપાનાં કાર્યોને આત્મસાત કરો

જલારામ બાપાનાં કાર્યોને આત્મસાત કરો
રાપર, તા. 27 : શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં નિર્મિત જલારામ બાપાના શિખરબધ્ધ મંદિર નિર્માણનો આજથી આરંભ કરાયો હતો. આ મંદિર ઝડપભેર નિર્માણ પામે તેવી લાગણી વ્યકત કરાઈ હતી. તેમજ મંદિરના નિર્માણ માટે મોટી રકમની દાનની જાહેરાત  થઈ હતી.મેઘાવી માહોલમાં યોજાયેલા ભૂમિપૂજન કાર્યક્રમને સંબોધન કરતા રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના સંત ડો. ત્રિકાલદાસ મહારાજે જણાવ્યું હતું કે મંદિર નિર્માણમાં સાધુ સંતોને રાજીપો થતો હોય છે. જલારામ બાપાએ કરેલાં કાર્યો મંદિરરૂપે વહે છે. મંદિરમાં જલારામ બાપાના પૂજન અર્ચનની સાથે સાથે જલારામ બાપાએ કરેલાં કાર્યો આપણે આત્મસાત કરી શકીએ તેવી શક્તિ માંગવા અનુરોધ કર્યો હતે. વરલી આશ્રમના સંત કિશોરદાસજી મહારાજે  આશિર્વચન આપતા જણાવ્યું હતું કે નવનિર્માણ જેના ભાગ્યમાં લખ્યું હોય તે જ કરી શકે. વરલી આશ્રમમાં કુટિયા બાંધવાની શરૂઆત થઈ ત્યારે પ્રથમ દાન શાંતિલાલભાઈએ આપ્યું હોવાનું જણાવી  તેમના પરિવાર દ્વારા થતા મંદિર નિર્માણ બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી.ભૂમિના દાતા, જલારામ બાપાની મૂર્તિના દાતા અને નિર્માણમાં રૂા. પાંચ લાખનું દાન આપનારા શાંતિલાલભાઈ માવજીભાઈ તન્નાએ જણાવ્યું હતું કે મારા માતાની ઈચ્છા હતી કે, જલારામ બાપાના મંદિરનું નિર્માણ કરાવીએ તે આજે પૂર્ણ થયુ.તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી વર્ધાજી સોઢા, અગ્રણી વાલજીભાઈ વાવીયા, તાલુકા મહાજનના પ્રમુખ કાંતિલાલ નાથાણી, બાદરગઢ જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ ઠક્કર, બળવંત ઠક્કર વિગેરેએ પ્રાસંગિક વકતવ્ય આપ્યાં હતાં. લોહાણા મહાજનના પ્રમુખ  રાજેશ ચંદેએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતાં. મંદિર નિર્માણમાં નવીન મંગળજી ઠક્કર પરિવાર દ્વારા રૂા. 1.51 લાખ અને જલારામ પ્રભુ પ્રસાદ ભારતનગર ગાંધીધામ દ્વારા રૂા. 1.51 લાખનું દાન આપવામાં આવ્યું હતું. જયારે રામ દરબારની મૂર્તિના દાતા મંગળાબેન દલપતરામ ડાયાલાલ મીરાણી અને શિવપરિવારની મૂર્તિના દાતા હરસુખલાલ ધિરજલાલ દોશી પરિવાર ચેન્નાઈએ સહયોગ આપ્યો છે. આ વેળાએ ભગુદાનભાઈ ગઢવી, ધર્મેન્દ્રસિંહ, સઈના સરપંચ અજીતસિંહ, વિપુલ રાજદે, પ્રતાપ ઠક્કર, તુલશી ઠક્કર, પ્રભુલાલ રાજદે, ઉમેશ ચંદે, મનીષભાઈ ઠક્કર, કન્યા છાત્રાલયના અંજનાબેન, મહિલા મંડળના ભાવનાબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સંચાલન મુકેશભાઈ ઠક્કરે અને આભારવિધિ યુવક મંડળના પ્રમુખ પારસ ઠક્કરે કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer