ગાંધીધામ મામલતદાર કચેરીમાં લોકોને મુશ્કેલી થકી બે ઓપરેટર છૂટા કરાયા

ગાંધીધામ, તા. 27 : અહીંની મામલતદાર કચેરીમાં આવક, જાતિ કે અન્ય દાખલા કઢાવવા આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. આવામાં એજન્સી હેઠળ કામ કરતા બે ઓપરેટરોને કાઢી મૂકી નવા ઓપરેટરોને કામગીરી સોંપવામાં આવી હતી. કોરોના કાળમાં કોરોના હળવો થયા બાદ શાળાઓ શરૂ થવા લાગી છે. આવામાં શાળામાં પ્રવેશ માટે જાતિ, આવકના દાખલા માટે લોકોની લાઇન મામલતદાર કચેરી બહાર લાગતી હોય છે. પોતાના કામ ધંધા મૂકીને લોકો અહીં સવારથી દાખલા માટે રાહ જોતા હોય છે. આ  કચેરીમાં કામ કરતા ઓપરેટરો અને અન્ય અમુક સરકારી કર્મીઓ મનફાવે ત્યારે કચેરીમાં પધારતા હોય છે. આવામાં અરજદારોને રાહ જોયા વિના છૂટકો રહેતો નથી.લાઇનમાં ઉભેલા અરજદારોનો બપોર સુધીમાં વારો આવી જાય તો ઠીક નહીં તો બીજા દિવસે કામ ધંધા મૂકીને લાઇનમાં ઊભા રહેવું પડતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.આવા અરજદારો રાહ જોતા હોય અને ઓપરેટરો હાજર ન રહેતા હોવા અંગે મામલતદારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આવી ફરિયાદો બાદ મામલતદારે એજન્સી હેઠળ કામ કરતા બે ઓપરેટરોને છૂટા કર્યા હતા અને તેમની જગ્યાએ બે ઓપરેટરોને બેસાડયા હતા તેમજ ખાનગી એજન્સીમાં પત્ર લખી આવા કર્મીઓને છૂટા કરી અન્ય કર્મચારીઓની ફાળવણી કરવા  જણાવ્યું હતું તેવું કચેરીના સાધનોએ વિગતો આપતાં કહ્યું હતું. આ કચેરીની આસપાસ બેસીને અશિક્ષિત તથા આર્થિક નબળા લોકો પાસેથી નાણાં ખંખેરતા બની  બેઠેલા એજન્ટોને પણ અહીંથી દૂર કરવા અનેક વખત ફરિયાદો ઉઠી છે પરંતુ આ અંગે નક્કર પગલાં ન લેવાતા હોવાનું પણ બહાર આવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer