ગાંધીધામના યુવાનને સોશિયલ મીડિયાની મિત્રતા મોંઘી પડી : 92.38 લાખ ગુમાવ્યા

ગાંધીધામ, તા. 27 : અહીંના અપનાનગર વિસ્તારમાં રહેતા અને મહારાષ્ટ્ર-પુનામાં અભ્યાસ કરતા એક યુવાન સાથે સોશિયલ મીડિયા ઉપર મિત્રતા કેળવી યુવતીએ પ્રેમ સંબંધ બાંધ્યો હતો. બાદમાં તે યુવતીને કેન્સરની બીમારી છે તેમ કહી તેની બહેને આ યુવાન પાસેથી રૂા. 92,38,036 પચાવી પાડયા હતા.આ રૂપિયાની માગણી કરાતા એક શખ્સે યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી.અહીંના અપનાનગરમાં રહેનારો પ્રતિક નરેશ ભાવનાની નામનો યુવાન મહારાષ્ટ્ર પુનાની એમ.આઇ.ટી. યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ મટીરિયલ મેનેજમેન્ટના 3જા સેમેસ્ટરમાં ઓનલાઇન અભ્યાસ કરે છે. તેના પિતા ડીબીસી શિપીંગમાં તથા માતા જ્યોતિબેન ડી.પી.ટી.માં ફરજ બજાવતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ યુવાન ગત વર્ષ 2019ના અમદાવાદ ખાતે મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટયૂટ અભ્યાસ કરતો હતો ત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર તેની ઓળખાણ દીપ્તિ અભય રાય સાથે થઇ હતી. આ બંનેએ સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે વાતો કરી હતી. આ યુવતી પોતે એકટીંગ કરતી હોવાનું અને તેની ફિલ્મ આવવાની છે, જેના માટે તેને જુદા જુદા શહેરોમાં જવું પડતું હોય છે તેવું જણાવ્યું હતું. બાદમાં આ યુવતીએ પોતાને  જયપુરથી હૈદરાબાદ પ્લેનમાં જવાનું કહી  પોતાના માટે ટિકિટ કરાવી આપવા કહેતાં આ ફરિયાદી યુવાને તેના માટે રૂા. 12,436ની ટિકિટ કરાવી આપી હતી. સોશિયલ મીડિયા ઉપર આ બંનેની વાતો વણથંભી રહી હતી અને યુવતી ફરિયાદીને મળવા અમદાવાદ આવી હતી. જ્યાં બંનેએ એકબીજાના  મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. બાદમાં આ બંને  વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ઉપર વીડિયો કોલ, વોઇસ કોલ કરતા હતા. આ વાતો દરમ્યાન  દિપ્તીની બહેન મધુ પણ આ યુવાન સાથે સંવાદ (ચેટિંગ) કરતી હતી. થોડા સમય બાદ આ મધુએ તૃપ્તીને કેન્સર થયું છે તેવી વાત કરી હતી અને તેની કિમોથેરાપી કરાવવામાં આવી હોવાની વાત કરી હતી.દોઢેક મહિના સુધી આવી વાતો થયા બાદ  દિપ્તીએ  પ્રેમસંબંધ અને લગ્ન કરવાની વાત કરી હતી. બીજી બાજુ તેની બહેન તેને કેન્સર હોવાની અને રૂપિયાની જરૂરિયાત ઊભી થઇ હોવાની વાતો કરતી હતી, જેથી આ યુવાને જુદા જુદા સમયે અલગ-અલગ રીતે કુલ મળીને રૂા. 92,38,036 આ બંને આરોપી બનહેનોને મોકલાવ્યા હતા. બાદમાં આ ફરિયાદી પાસેથી વધુ રૂા. 10 લાખની માંગણી કરવામાં આવી હતી અને લેણદારોને પૈસા નહીં આપીએ તો એ મારા પપ્પાને મારી નાખશે તેવી વાત કરવામાં આવી હતી. જેથી આ યુવાને યુવતીઓના પિતા અનિલ રાયની ફેસબુક આઇ.ડી. જોતાં તેમાં જન્મ દિવસની ઉજવણીના ફોટા મૂકવામાં આવ્યા હતા, જેથી આ યુવાને વધુ પૈસા આપવાની ના પાડી હતી.  આ દરમ્યાન  આ આરોપી યુવતીઓના મોબાઇલથી કોઇ પંકજ અગ્રવાલ નામના શખ્સે ફરિયાદી અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ યુવાનને ઇમોશનલ બ્લેકમેલ (ભાવનાત્મક રીતે મજબૂર) કરી તેની પાસેથી રૂા. 92,38,036 પડાવી લેવાના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer