કચ્છના સાગરકાંઠે 14 મહિનામાં બાવીસ કરોડના ચરસના 1422 પેકેટ નધણિયાતા મળ્યાં

ભુજ, તા. 24 : કચ્છના વિવિધ સમુદ્રી તટ ઉપર તણાઇ આવેલી હાલતમાં બિનવારસુ ચરસના પેકેટ મળવાનો સિલસિલો અવિરત રહેવા સાથે છેલ્લા 14 મહિનાના સમયગાળા દરમ્યાન આ પ્રકારના કેફીદ્રવ્યના 1422 પડીકાં મળી આવ્યાં છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર મુજબ રૂા. બાવીસ કરોડથી વધુ થવા જાય છે. આ કાર્યવાહીમાં પોલીસ અવ્વલ નંબરે રહી છે. તો સુરક્ષા સાથે સંલગ્ન અન્ય એજન્સીઓ અને તંત્રોનું પ્રદાન પણ નોંધનીય રહ્યું છે. અલબત્ત સમગ્ર પ્રકરણનું ઉદ્ભવ સ્થાન હજુ શોધી શકાયું નથી. કરોડો રૂપિયાની કિંમતનો કેફી દ્રવ્યનો જથ્થો બિનવારસુ મળવાના આ મામલામાં પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનની સંડોવણી અને દોરીસંચાર જેવા પરિબળો વિશે પેકેટ ઉપરના લખાણ સહિતની બાબતોને લઇને સાંયોગિક પુરાવા મળી રહ્યા છે પણ આટલો મોટો જથ્થો કોણે અને કોના માટે રવાના કર્યો તેના સહિતના સવાલો હજુ નિરૂતર રહ્યા છે. પોલીસ અને એજન્સીઓ અત્યાર સુધી મધદરિયે માલની ખેપ વખતે પકડાઇ જવાની બીકથી જથ્થો સાગરમાં પધરાવી દેવાયો હોવાના અનુમાન સિવાય આગળ વધી શકી નથી.  સત્તાવાર સાધનો પાસેથી મળેલી જાણકારી અનુસાર ચરસના બિનવારસુ પડીકા પકડવાના કે શોધી કાઢવાના મામલે પોલીસદળ સૌથી મોખરે રહ્યું છે અને તેણે અત્યાર સુધી 833 પેકેટ હસ્તગત કર્યા છે. જયારે ભારતીય તટરક્ષક દળે 191, સીમા સુરક્ષા દળે 198, મરિન ટાસ્ક ફોર્સએ 113 અને રાજય આઇ.બી. વિભાગે 137 પેકેટ શોધી કાઢી નોંધનીય પ્રદાન આ ક્ષેત્રમાં આપ્યું છે. સુરક્ષાને સંલગ્ન સાગર રક્ષક દળ અને અન્ય એજન્સીઓએ પણ આ ક્ષેત્રમાં ભૂમિકા ભજવી છે. બિનવારસુ ચરસના પેકેટ મુખ્યત્વે અબડાસા, લખપત અને માંડવી વિસ્તારના સાગર કિનારે તણાઇ આવેલા મળ્યાં છે. આવા નધણિયાતા પડીકાં મળી આવ્યા બાદ તેની વેચસાટ કરવા દરમ્યાન બે વ્યકિત પકડાઇ પણ ચૂકી છે. જેમની સામે મુંદરા અને કોઠારા પોલીસ મથકમાં ગુના પણ દાખલ કરાયેલા છે તેવું સતાવાર સાધનો જણાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે મે-2020માં પ્રથમ વખત બિનવારસુ પેકેટ પકડાયા બાદના સમયગાળામાં પોલીસ સહિતની વિવિધ એજન્સીઓ-તંત્રોએ સંયુકત રીતે સમુદ્રમંથન જેવી સાગર કવાયત હાથ ધરીને ચરસના પેકેટ શોધવા વ્યાયામ કર્યો હતો. અલબત્ત તે સમયે અમુક જથ્થો મળ્યા બાદ હજુસુધી તણાઇને આવતા પડીકાં મળવાનું જારી જ રહ્યું છે. કચ્છને સંલગ્ન સાગર માર્ગેથી 500 કરોડનો કેફીદ્રવ્યનો જથ્થો પકડાવા સહિતના મામલા બની ચૂકયા છે તેવા સંજોગો વચ્ચે છેલ્લા 14 મહિનામાં કરોડોના 1422 પેકેટ મળવાના અને હજુયે આ સિલસિલો જારી રહેવાથી આ બેનંબરી હેરફેર માટે કચ્છ ટ્રાન્ઝીસ્ટ પોઇન્ટ બન્યાનું પણ અનુભવાઇ રહ્યું છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer