29-30 જુલાઇ નાઇરોબી- મુંબઇ વચ્ચે ખાસ ફ્લાઇટ

કેરા (તા. ભુજ), તા. 24 : ભારતમાં બીજી લહેર વખતે વકરેલો કોરોના પોતાના દેશમાં ન પ્રવેશે તે માટે અનેક દેશોએ અવાગમન પર રોક લગાવી હકતી અને વિમાન સંબંધ સ્થગિત કર્યા હતા. દરમ્યાન કેન્યા એરવેઝે નાઇરોબી-મુંબઇ વચ્ચે તા. 29-30 જુલાઇના એક ફેરો કરવાનું જાહેર કરતાં જ ટીકિટો માટે ધસારો થયો છે. કેન્યા હાઇ કમિશન-ન્યૂ દિલ્હીએ તા. 22-7ના બહાર પાડેલી વિજ્ઞપ્તિ જણાવે છે કે ભારતમાં અટવાયેલા કેન્યન નાગરીકો અથવા કેન્યન રહેઠાણ કાર્ડ ધરાવતા અન્ય દેશોના નાગરીકો માટે બન્ને દેશોમાં આવ-જા માટે એક ફલાઇટ ઉડાડવામાં આવશે. જે 29 જુલાઇના સવારે 7 વાગ્યે જામો કેન્યાટા એરપોર્ટથી ઉડાન ભરશે. 30 જુલાઇના સવારે 9-30 વાગ્યે મુંબઇથી નાઇરોબી પરત રવાના થશે. મુસાફરી કરવા ઇચ્છુકોએ આર.ટી. પી.સી.આર. કરાવ્યા બાદ નેગેટીવ રિપોર્ટ સાથે 96 કલાકની મર્યાદામાં મુસાફરી કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આફ્રિકાના અનેક દેશો પોતાની સરકાર સંચાલિત ઉડ્ડયન સેવા બંધ રાખી છે, જ્યારે વાયા દુબઇ, કતાર (દોહા) થઇને પરિવહન ચાલુ છે આવા બેવડા ધોરણો આશ્ચર્યકારક હોવાનું ઉતારુઓ કહી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer