અંજાર સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં ખાતેદારો સાથે ગેરવર્તાવની રાવ

અંજાર, તા. 24 : અહીંના દેવરિયા નાકા મધ્યે આવેલી રાષ્ટ્રીકૃત સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં અમુક અધિકારીઓ દ્વારા ખાતેદારો સાથે ગેરવર્તણૂક થતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તાજેતરમાં બેન્કના એક ખાતેદાર પોતાની પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે ગયા ત્યારે એ ખાતેદારની પાસબુકમાં લાંબા સમયની એન્ટ્રી બાકી હોતાં બેન્કના એક સ્થાનિક અધિકારી દ્વારા તે ખાતામાં વધારે એન્ટ્રી હોવાનો હવાલો આપીને પાસબુકમાં એન્ટ્રી કરી આપવાની ધરાર ના પાડી દીધી હતી. આ બાબતે ગ્રાહકે  તમામ એન્ટ્રી સહિત પાસબુકની નકલ સરકારી કચેરીમાં આપવાની હોતાં અધૂરી એન્ટ્રીવાળી પાસબુકનો કોઈ અર્થ રહેશે નહીં પરંતુ, અધિકારીએ આ બાબતે કોઈ જ ગંભીરતા ન દાખવતાં ખાતેદાર સાથે ખરાબ વર્તન કર્યું હતું. ખાતેદારે શાખા પ્રબંધકને આ અંગે તમામ હકીકતો જણાવીને રજૂઆત કરી પણ શાખા પ્રબંધકે તે સ્થાનિક અધિકારીના જવાબને જ માન્ય રાખી વધુ કોઈ ખુલાસા કરવાનું ટાળ્યું હતું. આખરે અમદાવાદ મધ્યે મુખ્ય પ્રબંધકને લેખિત ફરિયાદ કરીને અસંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ એવી રજૂઆત પણ કરેલી કે ગ્રાહકના હિતોનું રક્ષણ થાય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ભારતીય બેન્કિંગમાં એવા અનેકો નિયમો છે જેની લોકોને પૂરતી માહિતી ન હોતાં લોકોને અત્યંત મુશ્કેલી વેઠવી પડતી હોય છે. આર.બી.આઈ.ની ગાઈડલાઈન મુજબ બેન્કમાં લંચબ્રેક સમયે નાણાકીય લેવડ-દેવડને બંધ રાખવાનું કોઈ નિયમ જ નથી. પરંતુ વર્તમાન સમયમાં મોટા ભાગની બેંકો લંચબ્રેકનો હવાલો આપે છે અને નાણાકીય લેવડ -દેવડને અમુક ચોક્કસ સમય માટે બંધ કરે છે, જે આર.બી.આઈ.ની ગાઈડલાઈનની તદ્દન વિરુદ્ધ છે. અંજારની મોટભાગની બેન્કોમાં ઓટોમેટિક પાસબુક પ્રિન્ટિંગ મશીનો કાર્યરત છે પરંતુ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની અંજાર શાખામાં આ સુવિધાનો અભાવ હોતાં ખાતેદારોને વધારે હાલાકી ભોગવવી પડી રહી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer