ભુજ-ભચાઉ અને રાપર સહિત રાત્રે વરસાદી ઝાપટાં

ભુજ-ભચાઉ અને રાપર સહિત રાત્રે વરસાદી ઝાપટાં
ભુજ, તા. 23 : દક્ષિણ ભારતના કેરળના કાંઠે છવાયેલા ઓફશોર ટ્રફ અને બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે હવામાન ખાતાએ શનિ-રવિવારે  ગુજરાતમાં કરેલી આગાહીના પગલે  શુક્રવારે રાત્રે ભુજ, ભચાઉ અને રાપરમાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોમાં આશા જાગી છે. ભુજમાં રાત્રે સખત ઉકળાટ બાદ અગિયાર વાગ્યાથી  ઝરમર સ્વરૂપે ઝાપટાં થકી માર્ગો પલળ્યા હતા, જેના થકી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો ભચાઉમાં રાત્રે એ જ અરસામાં ધોધમાર વરસાદ શરૂ થયો હોવાનું પ્રતિનિધિએ  જણાવ્યું હતું તેમજ આસપાસના ખારોઇ, મનફરા, કુડા અને કકરવામાં સારો વરસાદ હોવાની વિગતો આપી હતી. રાપર તાલુકાના રામવાવ સહિતનાં ગામોમાં વરસાદ ભારે વરસાદની આગાહી વચ્ચે રાપર શહેર અને તાલુકામાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં ભારે ઝાપટાં પડયાં હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ રાત્રિના 9 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રામવાવ, કુડા સહિતનાં આસપાસનાં ગામોમાં  ગાજવીજ સાથે મેઘરાજાએ હાજરી પુરાવી હતી.  વરસાદની હેલીનાં પગલે નેવાં વહી નીકળ્યાં હતાં. રાપર શહેરમાં  પણ રાત્રિના ઠંડો પવન શરૂ થયો હતો. રાત્રિના 10.30 વાગ્યા બાદ હળવું ઝાપટું પડતાં માર્ગો ભીંજાયા હતા. જો કે, મેઘાવી માહોલ જામેલો જ રહ્યો છે. આદિપુરમાં પણ રાત્રે વરસાદી ઝાપટું પડયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer