એકાદ જીવલેણ અકસ્માત થશે પછી...

એકાદ જીવલેણ અકસ્માત થશે પછી...
ભુજ, તા. 23 : જી. કે. જનરલ હોસ્પિટલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને જોડતા અને રિલાયન્સ પેટ્રોલ પંપ તરફ મુંદરા માર્ગે જતા અને દરબારગઢ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિકસાવાયેલા `સબ કો સન્મતિ દે ભગવાન' લખેલા સર્કલ પર ઉભા  રહીને તંત્રને હવે નાગરિકો `હાથ' જોડીને ખાડા પૂરવાનું કહે એટલું જ બાકી છે છેલ્લા એક મહિનાથી અહીં ખાડાઓનો વ્યાપ વધતો જ જાય છે અને તંત્ર જાણે એકાદ જીવલેણ અકસ્માત થઇ જાય એની જ રાહ જોઇ રહ્યું છે. ભુજ શહેરના પ્રવેશદ્વાર સમા આ અમદાવાદ મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા નિર્મિત બે હાથ જોડેલી પ્રતિકૃતિ સાથે `સબ કો સન્મતિ દે  ભગવાન' લખાણ સાથે શોભતા સર્કલની જનરલ હોસ્પિટલ તરફની બાજુએથી નર્મદાની પાણીની પાઇપ લાઇન ભૂગર્ભ રસ્તે પસાર કરી સામે મુંદરા તરફ જતા માર્ગ બાજુ લઇ જવાઇ પણ ભૂગર્ભમાં થયેલા મસમોટા ખોદકામ થકી આ રસ્તો ધીમે ધીમે ગંભીરતાપૂર્વક બેસી રહ્યો છે અને પડેલા `ભૂવા' વાહન ગંધાય વાહન ખાંઉવાળા રાક્ષસ બની રહ્યા છે. આ સર્કલ પરથી દરરોજ ઓછામાં ઓછા બે હજારથી ત્રણ હજાર જેટલા તો દ્વિચક્રી વાહનો પસાર  થાય છે. મુંદરા અને પશ્ચિમ કચ્છના તમામ મસમોટા  ઔદ્યોગિક, કૃષિ સાધનોવાળા વાહનો પણ અહીંથી જ સેંકડોની સંખ્યામાં અવિરત પસાર થાય છે અને એ લોડેડ વાહનોના ટાયરો ભૂગર્ભ ખાડાને વધુ ને વધુ પહોળા કરતા જાય છે. નીચે નર્મદા પાઇપલાઇન હોવાથી ડામરવાળો ભાગ તો માત્ર દેખાય છે અંદર પોલંપોલ છે અને રાત્રે તો અંધારામાં આ  ખાડા દેખાતા જ ન હોવાથી વાહનોને ખર્ચાળ જફા પહોંચે છે. સદ્ભાગ્ય છે કે હજુ સુધી કોઇ જીવ ગયો નથી. રસ્તાના કામ થતા નથી. અધૂરામાં પૂરું વળી વરસાદે રેતીનો ભરાવો કર્યો છે. ઉપરાંત જી. કે. જનરલ હોસ્પિટલ તરફની દીવાલને અડીને ફ્રુટ બજારની રેંકડીઓ, કેબિનો ગોઠવાયેલી છે. પશ્ચિમ તરફ જલ સેવા કચેરીની દીવાલને અડીને નાસ્તાની લારીઓ ખડકાયેલી છે. આવી પરિસ્થિતિમાં કોઇ મોટા વાહનચાલકને ઝોલું આવે કે બ્રેક ફેઇલ થાય કે ખાડા સાવ જ બેસી જાય તો ગમે ત્યારે મોટા અને ગંભીર અકસ્માતનો ભય છે. આ આખા સર્કલ ફરતે ધૂળ હટાવી, ખાડાનું સમારકામ તાકીદે થાય તેવી માંગ રોજેરોજ પસાર થનારા કરી રહ્યા છે. `તંત્રને સન્મતિ દે ભગવાન' અને તાકીદે આ કામ હાથ ધરે તેવી પણ માંગ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer