મહારાષ્ટ્રમાં મહામુસીબત : વરસાદી પૂરમાં 59 મોત

મુંબઇ, તા. 23 : મહારાષ્ટ્રમાં મહામુસીબત સર્જી નાખતાં તોફાની વરસાદરૂપે `આભેથી આફત' વરસી હતી. પૂરપ્રકોપ, ભૂસ્ખલનનો ભોગ બનતાં શુક્રવારે 59 લોકોનાં મોત થઇ?ગયાં હતાં. છેલ્લા 48 કલાક દરમ્યાન રાજ્યમાં કુલ 129 લોકો જીવ ખોઇ ચૂક્યા છે. રાયગઢમાં 36, સતારામાં 8, મુંબઇમાં પાંચ અને રત્નાગિરિમાં 10 લોકોનાં મોત થયાં હતાં. મહારાષ્ટ્રના કોલ્હાપુર, રાયગઢ, રત્નગિરિ, પાલઘર, થાણે અને નાગપુર મળીને છ જિલ્લામાં વરસાદના પૂરપ્રકોપે પારાવાર વિનાશ?વેરતાં જનજીવનને બેહાલ કરી નાખ્યું છે. વાયુદળ, એનડીઆરએફના જવાનોએ બચાવ-રાહત અભિયાન છેડયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં બે-બે લાખ રૂપિયાના વળતરનું એલાન કર્યું હતું. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ મૃતકોના પરિવારો માટે પાંચ-પાંચ લાખના વળતરનું એલાન કરતાં જણાવ્યું હતું કે, ઘાયલોની સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવશે. રત્નાગિરિ જિલ્લાના ચિપલૂનની એક હોસ્પિટલમાં પૂરનાં પાણી ઘૂસ્યાં પછી વીજ પુરવઠો ઠપ થઇ જતાં ઓક્સિજન સપોર્ટ પર હતા તેવા આઠ દર્દીનાં મોત થઇ?ગયાં હતાં, તો અન્ય એક હોસ્પિટલમાં પણ?બે દર્દીએ જીવ ખોયા હતા. રાયગઢ અને સતારામાં અનરાધાર વરસાદથી ભેખડો ધસી પડવાની ઘટનાઓમાં 44 લોકોનાં કરુણ મોત થયાં હતાં, તો મહાનગર મુંબઈમાં એક ઈમારત ધરાશાયી થઈ જતાં પાંચ જણનાં મોત થયાં હતાં. કોલ્હાપુર, રાયગઢ, રત્નાગિરિ, પાલઘર, થાણે અને નાગપુરના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતાં મોટી સંખ્યામાં લોકો બેઘર બની ગયા છે. નદીઓનાં પાણી ગામો, કસબા, શહેરોમાં ઘૂસી ગયાં છે. મોસમ વિજ્ઞાન વિભાગે ત્રણ દિવસ માટે કોંકણ, મુંબઈ અને આસપાસના જિલ્લાને રેડ એલર્ટ જારી કરાયા છે. થાણે અને પાલઘરમાં નીચાણવાળા વિસ્તારો આખા પાણીમાં ડૂબી જતાં જનજીવન હેરાન-પરેશાન થઈ ગયું છે. એનડીઆરએફ ટીમના જવાનોએ યુદ્ધના ધોરણે બચાવ-રાહત અભિયાન છેડતાં મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળોએ ખસેડયા હતા. કોંકણ રૂટ પર અનેક સ્થળે ભૂસ્ખલન થવા સાથે રત્નાગિરિ જિલ્લામાં રેલવે સેવા બંધ કરી દેવાતાં અલગ-અલગ સ્થાનો પર છ હજારથી વધુ યાત્રી ફસાઈ ગયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer