જમ્મુમાં તોડી પડાયું પાકનું ડ્રોન

જમ્મુ, તા. 23 : કાશ્મીરના અખનૂર ક્ષેત્રના કાનીચકમાં પોલીસે શુક્રવારની સવારે પાંચ કિલો વિસ્ફોટક સામગ્રી (આઇઇડી) સાથેનું પાકિસ્તાની ડ્રોન તોડી પાડતાં પાકિસ્તાનના પીઠબળથી આતંકવાદી હુમલાનો નાપાક કારસો નાકામ કરી નાખ્યો છે.પોલીસે જણાવ્યું હતું કે, ડ્રોન ભારતીય સીમાની અંદર આઠ કિ.મી. સુધી ઘૂસી આવ્યું હતું. ગુરુવારની મોડી રાત્રે જ દેખાયું હતું. જમ્મુ ક્ષેત્રના આઇજી મુકેશસિંહે જણાવ્યું કે, આઇઇડી પર જીપીએસ હતું અને તે કોઇ આતંકીઓ સુધી પહોંચાડવાનું હતું. તેમણે કહ્યું કે, 17 કિલો વજન ધરાવતા આ પાકિસ્તાની ડ્રોનના પાર્ટસ ચીન, હોંગકોંગ અને તાઇવાનમાં બનાવાયા છે. આ શ્રેણીનું ડ્રોન કઠુઆમાં પણ પકડાઇ ચૂક્યું છે. અત્યાર સુધી ડ્રોનથી મોકલાયેલી 16 એકે-47 રાઇફલ, 34 પિસ્તોલ, 15 ગ્રેનેડ, આઇઇડી અને ચાર લાખ રૂપિયા વિવિધ ઘટનાઓમાં ભારતીય જવાનો કબ્જે કરી ચૂક્યા છે. પાકની મદદથી ખૂંખાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા આ નાપાક કાવતરું ઘડાયું હતું તેવું તેમણે ઉમેર્યું હતું. પાકિસ્તાન ડ્રોનથી આતંકવાદીઓને મદદ કરીને કાશ્મીરમાં હિંસાના નાપાક પ્રયાસ કરતું રહે છે, પરંતુ ભારતના સતત સાબદા જવાનો પ્રયાસો નાકામ કરી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer