પેગાસસ : સડકથી સંસદ સુધી સરકારને ઘેરાવ

આનંદ કે. વ્યાસ દ્વારા - નવી દિલ્હી, તા. 23 : પેગાસસ જાસૂસીકાંડના મામલે શુક્રવારે સડકથી માંડીને સંસદ સુધી કેન્દ્રની મોદી સરકારને વિપક્ષોએ ચોમેરથી ઘેરી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની સાથોસાથ સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે તપાસની માંગ કરી હતી. સંસદના બંને ગૃહોમાં ધમાલ વચ્ચે ગુરુવારે આઈ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી કાગળ છીનવી લેનાર તૃણમૂલ કોંગ્રેસ સાંસદ શાંતનુ સેનને બાકી રહેતા આખા ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા. આજે પણ બંને ગૃહોમાં કામકાજ થઈ શક્યું નહોતું. રાહુલ ગાંધીની માગણી સરકારે ફગાવી દીધી હતી. `સ્પાયવૅર સંદર્ભે અમે બધું સ્પષ્ટ કરી દીધું છે. તપાસનો કોઈ સવાલ જ નથી. જેઓ આ આરોપ કરી રહ્યા છે તેઓ રાજકીય રીતે નિષ્ફળ ગયેલા છે અને તેમની પાસે બીજો કોઈ મુદ્દો નથી' એવું ગૃહ રાજ્ય પ્રધાન અજય કુમારે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું. તૃણમૂલ કૉંગ્રેસના રાજ્યસભાના સભ્ય શાંતનુ સેનને શુક્રવારે ચોમાસું અધિવેશનના શેષ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાને કારણે સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલનાં વડા મમતા બેનરજી આવતા અઠવાડિયાની શરૂઆતમાં દિલ્હીની મુલાકાત લે ત્યારે વાત વધુ વણસવાની શક્યતા છે. આમ, સંસદ ભવનઐમાં વિરોધ પક્ષો અને સરકાર વચ્ચેની મડાગાંઠ આવતા અઠવાડિયે પણ યથાવત્ રહેવાની શક્યતા છે. રાજ્યસભામાં ચાલી રહેલા અવરોધ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ વેન્કૈયા નાયડુએ જણાવ્યું હતું કે આ ભવ્ય સદનના પ્રથમ ત્રણ અધિવેશનમાં બનેલી ઘટનાઓથી હું ખૂબ વ્યથિત છું. મને સમજાતું નથી કે સદનને એની બંધારણ દ્વારા આદેશિત જવાબદારી પૂરી કરવાની અનુમતિ કેમ નથી. ગુરુવારે શાંતનુ સેન દ્વારા આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવના કાગળ છીનવીને ફેંકી દેવાની ઘટના અંગે વેન્કૈયા નાયડુએ જણાવ્યું હતું કે દુર્ભાગ્યે સદનની કાર્યવાહી સૌથી નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. આવી ઘટનાઓ આપણી સંસદીય લોકશાહી પર હુમલા સમાન છે. તેમણે કહ્યું હતું કે ત્રણ અઠવાડિયાં પછી આપણે આઝાદીનાં 75મા વર્ષમાં પ્રવેશ કરીશું. ઉજવણીનો ઉત્સાહ નિક્રિય સદનને કારણે ઝાંખો ન પડવો જોઈએ. હું નેતાઓને સદનની કાર્યવાહી સુચારુ રૂપે ચલાવવાની અપીલ કરું છું. શાંતનુ સેનને સસ્પેન્ડ કરવાના પગલાંનો વિરોધ કરતાં ટીએમસીના સભ્ય ડૅરેક ઓબ્રાયન અને સુકેન્દુ શેખર રોયે જણાવ્યું હતું કે શાંતનુ સેનને બોલવાની તક આપવી જોઇતી હતી. કૉંગ્રેસના ચીફ વ્હીપ જયરામ રમેશે વેન્કૈયા નાયડુને અશ્વિની વૈષ્ણવના નિવેદન પર સ્પષ્ટીકરણ માટે અનુમતિ માગી હતી.  રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમના તમામ ફોન ટેપ કરવામાં આવતા હતા અને ગુપ્તચર વિભાગના કેટલાક લોકોએ પણ આ સંદર્ભે તેમના મિત્રોને જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું સંભવિત લક્ષ્ય નથી. મારો ફોન સ્પષ્ટ રીતે ટેપ થયો છે અને મારા તમામ ફોન ટેપ કરવામાં આવ્યા છે. રાહુલે એવો આરોપ મૂક્યો  હતો કે, કેન્દ્ર સરકારે કર્ણાટકમાં તેમજ સુપ્રીમ કોર્ટ અને દેશના તમામ સંસ્થાનો વિરુદ્ધ પેગાસસનો રાજકીય ઉપયોગ કર્યો. બીજી તરફ કોંગ્રેસ, શિવસેના, દ્રમુક સહિતના વિરોધપક્ષોએ શુક્રવારે પેગાસસ જાસૂસીકાંડ  મામલા અંગે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી છાવણીના અનેક સાંસદોએ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણા કરતાં સરકાર વિરુદ્ધ જોશભેર નારા પણ લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, કે.સી. વેણુગોપાલ, અધિર રંજન ચૌધરી, શશિ થરૂર, શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી સહિત નેતા જોડાયા હતા. સંસદના બંને ગૃહોમાં પણ શુક્રવારે પેગાસસ જાસૂસી કાંડ મામલે જોરદાર હંગામો થયો હતો. લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓએ પેગાસસ મામલો ઉઠાવ્યો અને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યારબાદ ગૃહોની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer