રાષ્ટ્રીય સ્તરે બે બાળકની નીતિનો ઈરાદો નહીં

નવી દિલ્હી, તા. ર3 : દેશમાં જનસંખ્યા નિયંત્રણ માટે રાષ્ટ્રીય સ્તરે બે બાળકની નીતિ લાવવાની સરકારની કોઈ યોજના ન હોવાનું મોદી સરકારે લોકસભામાં એલાન કર્યું છે. શુક્રવારે લોકસભામાં એક સવાલના જવાબમાં મોદી સરકારે બે બાળકોની આવી કોઈ નીતિ ન લાવવા પાછળનાં કારણો ગણાવ્યાં હતાં. સાંસદ ઉદયપ્રતાપસિંહે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આ મામલે સવાલ પૂછયો હતો, જેનો રાજ્યમંત્રી ડો. ભારતી પવારે જવાબ આપતાં કહ્યંy કે, સરકારની આવી કોઈ યોજના નથી. તેમણે 4 કારણ જણાવ્યા કે પ્રજનન દર ઘટીને 1.8 ટકા થયો છે, બીજું એક આંતરરાષ્ટ્રીય સમજૂતી છે જે ભારતને પરિવાર નિયોજનમાં બળજબરી કરતાં રોકે છે, ત્રીજું દુનિયાભરમાંથી મળેલો અનુભવ અને ચોથું કારણ કેરળ, તામિલનાડુ, પ. બંગાળ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોએ કોઈ સખત જોગવાઈ લાગુ કર્યા વિના જ પ્રજનન દર ઘટાડયો છે. સરકારે પોતાના જવાબમાં રાષ્ટ્રીય પરિવાર નિયોજનનો ઉલ્લેખ કર્યો હતો. મિશન પરિવાર વિકાસના પણ ઉદાહરણ આપ્યા. ઉત્તરપ્રદેશના કાયદા કમિશને જનસંખ્યા નિયંત્રણ ખરડા માટે એક ડ્રાફટ તૈયાર કર્યો છે. આસામ અને મધ્યપ્રદેશ સરકાર પણ આવી જ નીતિ લાવવાની વાત કરી ચૂકયા છે. જેથી બે બાળકની નીતિ મામલે સંસદમાં સવાલ ઉઠાવાયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer