ખમીરવંતી ધરતી પર વીરતાભરી શહીદીની દાસ્તાન

મુંજાલ સોની- બલિદાન... શહીદી... કુરબાની... જાનફેસાની... કચ્છની આ ભૂમિ તો શૌર્ય અને શહાદતનો ગૌરવવંતો ઇતિહાસ અને વારસો ધરાવે છે. અલાઉદીનના આતંકથી ભયભીત સુમરીઓના રક્ષણ?કાજે વીરગતિ પામેલા જામ અબડા અડભંગ હોય, ગાયોના રક્ષણ કાજે કુરબાની આપનારા સંત હાજીપીરબાબા હોય, સિંધના બાદશાહ ગુલામશાહ કલ્હોરોના આક્રમણ સામે વીર લાખાજીના નેતૃત્વ હેઠળ કચ્છીઓએ બતાવેલી અપ્રતિમ વીરતા અને શહીદી હોય કે 1975ના યુદ્ધમાં કલ્પનાતીત પરાક્રમ સાથે પાકિસ્તાનની આખેઆખી ઇન્ફન્ટ્રી બ્રિગેડને ધૂળ ચટાવનારા સીઆરપીએફના વીર જવાનો હોય... આ સરહદી જિલ્લો ગજબની બહાદુરી અને બલિદાનોનો સાક્ષી બનેલો છે. આમ પણ નાપાક દેશને અડીને આવેલો હોવાથી કચ્છે છેલ્લા 75 વર્ષમાં અનેક લડાઇઓ જોઇ?છે અને અહીં કેટલાય વીરતા અને શહીદીના છાતી ગજગજ ફૂલે અને આંખના ખૂણા ભીના થાય એવા પ્રકરણો આલેખાયેલા છે. કહેવાય છે કે કચ્છીઓ ખમી જવાનો-ખમીરીનો સ્વભાવ ધરાવે છે, પણ આ ધરતી પર ખુમારીના કિસ્સાય જોવા મળે છે. કચ્છ સીમાએ અર્ધલશ્કરી દળની નાની ટુકડીએ પાકની આખી ઇન્ફન્ટ્રી બ્રિગેડને હરાવી આપણે કોઇની જમીન હડપતા નથી પણ કોઇ આપણી મા ભોમ પર આંખ?ઉઠાવે તો મૂકતા નથી. 1965ની 9મી એપ્રિલની પરોઢે કચ્છની સીમાએ યુદ્ધના ઇતિહાસમાં ઇતિહાસ રચાયો હતો અને પહેલીવાર એવું બન્યું કે અર્ધલશ્કરી દળની નાનકડી ટુકડીએ શત્રુઓની આખી ઇન્ફન્ટ્રી બ્રિગેડને હાર આપી હોય. પાકિસ્તાનના લગભગ 3500 સૈનિકોએ કચ્છની રણસીમાએ સરદાર પોસ્ટ અને ટાક પોસ્ટ પર હુમલો કર્યો. એ વખતે બીએસએફનું અસ્તિત્વ નહોતું (અને કચ્છનું એ તવારીખી યુદ્ધ સીમાદળની શરૂઆત માટે અમુક અંશે કારણભૂત બન્યું). સીઆરપીએફની બીજી બટાલિયન, બહુ ઓછા પોલીસ જવાનો તૈનાત હતા. સાધનો ઓછા હતા પણ શૌર્યનો તો જાણે સાગર ઘૂઘવાતો હતો. 15 કલાક સુધીની ભીષણ લડાઇમાં આ જવાનોએ પાકને પછડાટ આપી. પાકિસ્તાની સૈન્યના 34 જવાન માર્યા ગયા જ્યારે સીઆરપીએફના છ જવાન વીરગતિ પામ્યા અને 19 જવાન જીવતા પકડાયા. લાન્સનાયક કિશોરસિંહ, લાન્સનાયક ગણપત રામ, સિપાહી હરિરામ, સિપાહી સિદ્ધવીરસિંહ, સિપાહી જ્ઞાનસિંહ અને સિપાહી શમશેરસિંહે શહાદત વહોરી હતી. આ વીરોની સ્મૃતિ અને સન્માનમાં વિઘોકોટ નજીક સરદાર પોસ્ટ ખાતે એક સ્મારક બનાવાયું છે અને સીઆરપીએફ દર વરસે 9મી એપ્રિલે `વીરતાદિન' ઊજવે છે. ત્યારબાદ 21મી એપ્રિલે હનુમાન તલાઇ વિસ્તારમાં રાજ્ય અનામત પોલીસ દળ (એસઆરપીએફ)ની ટુકડીની પોસ્ટ પર પાકિસ્તાની સેનાએ હુમલો કર્યો હતો. એસઆરપીએફના જવાનોએ પણ યાદગાર શૌર્ય બતાવીને પાકિસ્તાનીઓના દાંત ખાટાં કરી નાખ્યા હતા. જો કે, આ હુમલામાં ટુકડીના નાયક ગણપત ભોંસલે, કોન્સ્ટેબલ એસ. સાળુંકે અને કોન્સ્ટેબલ પી. બી. કાંબલે પણ વીરગતિને વર્યા હતા. જ્યારે  કચ્છમાં મુખ્યમંત્રીએ શહીદી વહોરી.... જવાનો મા ભોમ માટે બલિદાન આપે અને રાજકારણીઓ સત્તાની સાઠમારીમાં પડયા હોય એવું આપણે સાંભળતા અને જોતા આવ્યા?છીએ પણ કચ્છ ધરા પર એક તત્કાલીન મુખ્યમંત્રી શહીદ થયા હોય એવો જ્વલ્લે જ સર્જાય  તેવો ઘટનાક્રમ સર્જાયો હતો. 1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમ્યાન  પંચાયતી રાજના પ્રણેતા એવા તે સમયના સી.એમ. જીવરાજભાઇ  સિવિલયન પ્લેનમાં કચ્છના સરહદી વિસ્તારોની મુલાકાત લેવા માટે રવાના થયા હતા.  વિમાનમાં તેમની સાથે પત્ની સરોજબેન સહિત આઠ અન્ય લોકો પણ હતા. 19 સપ્ટેમ્બરના એ દિવસે  બળવંતરાયનું વિમાન કચ્છથી દ્વારકા તરફ જવા રવાના થયું ત્યારે જ પાકિસ્તાનના કૈસ મઝહર હુસૈન નામના એક ફ્લાઇંગ ઓફિસરના યુદ્ધ વિમાને હીચકારો હુમલો કરીને  સુથરી પાસે આ સિવિલિયન વિમાન તોડી પાડ્યું હતું, જેમાં મુખ્યમંત્રી, પત્ની, પાઈલટ જહાગીર જંગુ સહિત તમામ વિમાન સવાર શહીદ થયા હતા. તેમની સ્મૃતિમાં સુથરી પાસે સ્મારકનું નિર્માણ કરાયુંછે, પણ કમનસીબે યોગ્ય જાળવણી થતી નથી, તો આશ્ચર્ય અને દુ:ખની વાત એ છે કે, દિલ્હીમાં પણ શહીદી છતાં તેમનું  સ્મારક નથી. - 1971નાં યુદ્ધમાં અપ્રતિમ શૌર્ય : 1971નાં યુદ્ધમાં કચ્છના રણમોરચે પણ ભારતીય દળોએ ગજબની વિજયગાથા આલેખી હતી. લશ્કરનાં માર્ગદર્શન હેઠળ સીમા સુરક્ષા દળે પાકિસ્તાનના નગરપારકર સુધી વટભેર ત્રિરંગો લહેરાવી દીધો હતો. છેક ભાલવાર ગામ સુધી  ભારતીય દળોએ આગેકૂચ કરી હતી અને ત્યારે જ યુદ્ધવિરામ ઘોષિત?થયો હતો. અનેક જવાનો અને અધિકારીઓએ શહીદી વહોરી હતી.?ખાસ કરીને 17 ડિસેમ્બરના રાત્રે યુદ્ધ વિરામની જાહેરાત પૂર્વે સુરઇ?વિસ્તારમાં શત્રુઓના અચાનક હુમલામાં લેફટનન્ટ કર્નલ એ.ઓ. એલેકઝાન્ડર, મેજર વી. એસ. મહેતા,  ડેપ્યૂટી કમાન્ડન્ટ જોગીન્દરસિંહ સહિત બે અધિકારી અને છ જવાન શહીદ થયા હતા. - વીરાંગનાઓએ રંગ રાખ્યો : 1971નાં યુદ્ધમાં આમ તો ભારતીયોએ અનેક મોરચે અપ્રતિમ શૌર્યની ગાથા આલેખી હતી, પણ કચ્છની વીરાંગનાઓએ દાખવેલી હિંમત ખરેખર નોખી પડી આવે છે. ડિસેમ્બરના આરંભે પાકિસ્તાનના સેબરજેટ વિમાનોએ ભુજ હવાઇમથક પર જ 63 બોમ્બ વરસાવ્યા હતા અને રન-વે તબાહ થઇ?ગયો હતો. સૈન્ય એરબેઝ એવા ભુજ એરપોર્ટનો રન-વે તાકીદે સરખો કરવો અનિવાર્ય હતો. તત્કાલીન એરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે કચ્છના કલેક્ટર એન. ગોપાલાસ્વામીની મદદ માગી અને ગોપાલાસ્વામીએ માધાપર સરપંચ વી. કે. પટેલને વાત કરી. સરપંચે ગામના પંચાયત સદસ્યા સુંદરબેન જેઠાભાઇ માધાપરિયાને વાત કરી અને  નાપાક હુમલાના ભય વચ્ચે બીજા જ દિવસે ગામની 300થી વધુ બાંધકામમાં કુશળ મહિલાઓ લાગી ગઇ. સાયરન વાગે એટલે આ નારીઓ દોડીને બાવળના ઝાડ નીચે છુપાઇ જાય. માત્ર ત્રણ?દિવસમાં તેમણે હવાઇપટ્ટી તૈયાર કરી નાખી અને ભારતીય એરફોર્સના વિમાનો ત્યાંથી ફરી ઉડાન ભરવા લાગ્યા. આ વીરાંગનાઓના સન્માનમાં માધાપર પાસે સ્મારક પણ બનાવાયું છે. સલામ છે આ નારીશક્તિને. વીર માણશીની શહીદીને સો સો સલામ `શહીદોં કી મજારો પર લગેંગે હર બરસ મેલે! વતન પે મરનેવાલોં કા યહી બાકી નામોનિશાં હોગા.' દેશ કાજે ફના થઇ જવાનો જુસ્સો ધરાવતા સેનાના જવાનો કઇ માટીના બનેલા હશે ? આવો જ એક કચ્છનો જાંબાઝ જવાન એટલે વીર શહીદ માણશી રાજદે ગઢવી. સુમાબાઇની કુખે જન્મેલા ઝરપરાના અને સમાઘોઘામાં પ્રાથમિક શિક્ષણ પામેલા માણશીને શરૂઆતથી જ રાષ્ટ્રરક્ષાના અરમાનો હતા અને 2004ની 22મી સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીરમાં પૂંચ સરહદે નાપાક આતંકીઓ સામે વીરતાપૂર્વક લડતાં ગોળી વાગવાને લીધે માણશીએ શહાદત વહોરી. 25મી સપ્ટેમ્બરે ઝરપરામાં આ વીરનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. વીર શહીદની સ્મૃતિમાં તેમના વતન ઝરપરામાં પ્રતિમા સાથેનું સ્મારક બન્યું છે. ઉપરાંત જ્યાં તેમની વાડી હતી એ સમાઘોઘાના બસ સ્ટેશનને પણ માણશી ગઢવીનું નામ અપાયું છે. મોટી ભુજપુરના એક ચોકને, તો ભુજમાં કોલેજ રોડ પાસેના એક માર્ગને પણ આ જાંબાઝનું નામ અપાયું છે. સાથે જ ખેંગારપાર્ક પાસેના સર્કલનું પણ માણશી ગઢવી ચોક તરીકે નામાભિધાન થયું છે. શહીદના પત્ની સોનલબેનને દોઢ દાયકા બાદ ભુજની ભાગોળે રતિયા સીમમાં આઠ એકર જમીન તો અપાઇ પણ શહીદીની સાચી કદર કરવામાં તો હજીય આપણે, ખાસ કરીને રાજ્ય સરકાર થોડી ઊણી ઊતરી હોય એવું લાગે છે. શહીદના પત્નીને મુખ્યમંત્રી સહિત અનેક સ્તરે રજૂઆત બાદ પણ 17 વર્ષેય સરકારી નોકરી નથી મળી. અન્ય કેટલાક રાજ્યોની માફક ગુજરાતમાં વીરનારી (શહીદના પત્ની) માટે નોકરીનો કવોટા નથી પણ વારંવાર જાતજાતની પોલિસીઓ જાહેર કરતી રાજ્ય સરકાર ધારે તો આવા કવોટા અમલી બનાવવા કંઇ મોટી વાત નથી. જરૂર છે ઇચ્છાશક્તિની. પેથાપરના જાંબાઝની નેપાળ સીમાએ શહીદી સશત્ર સીમા બલ (એસએસબી)ના સબ ઇન્સ્પેક્ટર એવા અબડાસાના પેથાપરના દીપસિંહ લક્ષ્મણસિંહ સોઢા 2016ની સાતમી જાન્યુઆરીએ  નેપાળ સરહદે  લખીમપુર પાસે શહીદ થયા હતા. તેમણે અસાજિક તત્ત્વોનો પ્રતિબંધિત માલ જપ્ત કર્યો હોવાથી એ તત્ત્વોએ હુમલો કર્યો હોવાની સંભાવના દર્શાવાઈ હતી. માતૃભૂમિની રક્ષા માટે ભરતી થયેલા આ જવાનનું સ્મારક માદરે વતન ખાતે બનાવવામાં આવ્યું?છે, જેમાં પૂર્ણ કદની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. બેરાજાને બચાવીને બલિદાન આપ્યું 2018ની પાંચમી જૂનની સવારે જામનગરથી જેગુઆર યુદ્ધ વિમાનમાં રૂટિન ટ્રેઇનિંગ માટે રવાના થયેલા એર કોમોડોર સંજય ચૌહાણને કલ્પના નહીં હોય કે એ તેમની આખરી ઉડાન બની રહેશે.  બેરાજા પાસે વિમાનમાં કોઇ ક્ષતિ સર્જાતાં ગામની સીમમાં ગૌચર જમીન પર જેગુઆર તૂટી પડયું અને મૂળ કાનપુર પાસેના જસ્મઇ ગામના આ વીર અધિકારી શહીદ થયા. કહે છે કે, અંતિમ ક્ષણોમાં તેમણે આ વિમાન ગામમાં તૂટી પડે નહીં એ માટેના સફળ પ્રયાસો કર્યા હતા અને વિમાન છોડયું નહીં. લોકોને બચાવીને પ્રાણોની આહુતિ આપનારા આ વીરની સ્મૃતિમાં બેરાજા હનુમાન ટેકરી પાસે પ્રેરણારૂપ સ્મારક બનાવાયું છે. બેરાજાના મુંબઇ નિવાસી મણિબેન નાગજી દેઢિયા, જેઠાલાલ મગનલાલ કક્કડ અને પ્રિયા પ્રકાશ દેઢિયા સહપરિવારે આ સ્મારકના નિર્માણમાં સહાય કરી છે. જાનની બાઝી લગાવનારા ફરજ પરસ્ત સીમાપારના શત્રુઓનો સામનો કરીને શહીદ બનેલા જાંબાઝો ઉપરાંત કચ્છમાં એવાય કેટલાક ફરજપરસ્ત વીરલા છે જેઓ પોતાની ડયૂટી નિભાવતાં વીરગતિ પામ્યા છે. ર006ની 30મી સપ્ટેમ્બરની પરોઢે ભુજની ભાગોળે એક ખાનગી કારમાંથી તમંચો મળી આવ્યા બાદ તપાસ કરી રહેલા સહાયક ફોજદાર રણજિતસિંહ જીલુભા ચાવડા પર કારમાંના આરોપીઓએ ગોળીબાર કરતાં રણજિતસિંહ મૃત્યુ પામ્યા હતા. સપ્ટેમ્બર ર008માં ગેરકાયદે કોલસા ભરેલી ટ્રક પકડવાની દોડધામ અને ઉશ્કેરાટમાં વનતંત્રના ચોકીદાર ઈસ્માઈલ મંધરિયાનું હૃદયરોગના હુમલાને લીધે નિધન થયું હતું. ર003ની 16મી ડિસેમ્બરની રાત્રે રાજસ્થાનથી શરાબ ભરેલી ટ્રકને આંતરવાનો પ્રયાસ કરી રહેલાં વીર પોલીસ કર્મચારી પ્રાણગિરિ ગોસ્વામી અને સહકર્મી જયદાન ગઢવીના વાહન પર બુટલેગરોએ ટ્રક ચડાવી દેતાં બંને વીરગતિ પામ્યા હતા. સ્વ. પ્રાણગિરિની સ્મૃતિમાં નાગવીરી ગામે સ્મારક પણ તૈયાર કરાયું છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer