કચ્છને કેળવણીના સંસ્કાર સીંચ્યા છે અનેક સેવા સંસ્થાઓએ

ગિરીશ જોશી - કચ્છના ઇતિહાસમાં સેવા ક્ષેત્રે આજે કોઇનો ઉલ્લેખ કરવો હોય તો સૌથી પહેલાં કેળવણીની વાત આવે છે. કેળવણી એટલે કે શિક્ષણ અને દોઢસો વર્ષ પહેલાં જે સંસ્થાઓ કે કચ્છના હિતેચ્છુઓએ સેવાની જ્યોત પ્રગટાવી એ વરસો દરમ્યાન વધુ પ્રજ્જવલિત થઇ અને આજે તો કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે સોનાનો સૂરજ ઊગ્યો હોય તેવું દેખાય છે. કચ્છને આજે અલગ કચ્છ યુનિવર્સિટી પણ મળી ગઇ છે અને માત્ર શૈક્ષણિક નગરી આદિપુર નહીં, કચ્છના મોટા મથકોએ પણ કોનવેન્ટ સ્કૂલોમાં અંગ્રેજીના પાઠ શીખવવામાં ભલે આવતા હોય પરંતુ 1909માં કચ્છમાં અંગ્રેજીની પહેલી એ.બી.સી.ડી. મુંદરા ખાતે શિખાડવાની શરૂઆત કરનારી સંસ્થા શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટને કેમ ભુલાય. સૈકા પહેલાં અંગ્રેજી શિક્ષણયાત્રાનો આરંભ થઇ ચૂક્યો હતો એ જિલ્લામાં અત્યારે તો સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પણ છે. શિક્ષા ક્ષેત્રે અનેક સંસ્થાઓએ મોટું કામ કર્યું છે, ગ્રામ કેળવણીનું સપનું ખરેખર સારસ્વતમ્ સંસ્થાએ સાકાર કર્યું છે. `કચ્છમિત્ર'એ પોતાની 75 વર્ષની વિકાસયાત્રાએ સેવા, સાહસ અને શૌર્યના વિષય પસંદ કરીને જુદા જુદા ક્ષેત્રે થયેલી કામગીરીની ઝલક રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે અહીં વાત કરવી છે ક્ષૈક્ષણિક ક્ષેત્રે ફેલાયેલી સેવાની સુવાસની... - સારસ્વતમ્ : ભણતરના વિષયે જ્યારે જ્યારે ચર્ચા થાય ત્યારે ત્યારે આ જિલ્લામાં સૌથી પહેલાં નામ સારસ્વતમ્ સંસ્થાનું લેવામાં આવે છે. 1968માં સ્થપાયેલી સારસ્વતમે્ ઉચ્ચ શિક્ષણનો વિસ્તાર કર્યો હતો. ગ્રામ્ય કક્ષાએ અભ્યાસની વ્યવસ્થા જ્યારે સીમિત હતી ત્યારે કચ્છના પૂર્વ કલેકટર અને શિક્ષણપ્રેમી ટી. એમ. શેઠે સાક્ષરતાની ભેખ લીધી હતી. સંસ્થાની સ્થાપના પછી મુંદરા ખાતે 1969માં પહેલી બેઠક યોજીને આ સંસ્થાએ કચ્છના ગામડાંઓમાં પાંચ હાઇસ્કૂલ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. વીતેલા પાંચ દાયકાથી વધુના સમયમાં સરકારી શિક્ષણની સમાંતર ચાલતી સારસ્વતમ્ની શૈક્ષણિક વ્યવસ્થાનો હજારો વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે. સંસ્થાનું સુકાન પ્રમુખ વિજ્યાબેન શેઠના હાથમાં છે ત્યારે તેઓ પણ ટી. એમ.?શેઠના સપનાંને સાકાર કરવા સતત મથી રહ્યા છે. ભૂકંપ પછી સર્જાયેલી સ્થિતિમાં કચ્છનું શિક્ષણમાળખું ધ્વસ્ત થઇ?ગયું હતું ત્યારે વડાપ્રધાન રાહત કોષ, દાતાઓ, સંસ્થાઓની મદદથી નવી ઇમારતો ઊભી કરવામાં આવી હતી. 20 શાળાઓનું સંચાલન સારસ્વતમ્ સંભાળે છે જ્યાં 33 ટકા કન્યા કેળવણી પર ધ્યાન આપવામાં આવ્યું છે. - તોલાણી સંકુલ આદિપુર : જેમ ગ્રામ્ય કક્ષાએ ભણતર ક્ષેત્રે સારસ્વતમ્નું નામ છે એવી જ રીતે પૂર્વ કચ્છમાં તોલાણી એ અનોખું સેવાધામ ગણાય છે. શહેરી શિક્ષણની શરૂઆત થયા બાદ તોલાણી સંકુલમાંથી ભણી ગયેલી કચ્છની અનેક વિદ્વાન વ્યક્તિ ટોચે પહોંચી હતી. પ્રભુદાસ સખાવતરાય તોલાણીના આર્થિક દાનથી આદિપુર ખાતે અદ્યતન વિદ્યા સંકુલ નિર્માણ થયું હતું. 1960માં તોલાણી ચેરિટેબલ?ટ્રસ્ટની સ્થાપના બાદ 1969માં તોલાણી ફાઉન્ડેશન બન્યું હતું. 1961માં પોલીટેકનિકની શરૂઆત બાદ દિવસો જતાં શિક્ષા ક્ષેત્રે પીછું ઉમેરાતું ગયું ને આજે તોલાણી કોલેજનું નામ કચ્છની શૈક્ષણિક તવારીખમાં મોખરે આવે છે. ભલે ભુજની લાલન કોલેજ પ્રથમ કોલેજ હતી પરંતુ ત્યાર પછી બીજું ઉચ્ચ શિક્ષણ સંકુલ આદિપુરના ફાળે જાય છે. આર્ટસ-કોમર્સ કોલેજ, અનુસ્નાતકના વર્ગો હોય કે વિજ્ઞાન કોલેજ, ફાર્મસી કોલેજ પછી બી.બી.એ., લો કોલેજ, આંબેડકર, ઇગ્નુ, ગુજરાતી-અંગ્રેજી માધ્યમ એમ તોલાણી એટલે કચ્છના શિક્ષણધામ તરીકે આજે પણ ગણાય?છે. જુદી જુદી કોલેજોમાં અંદાજે 10 હજાર જેટલા છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. ફાઉન્ડેશનના પ્રમુખ?અંજના હઝારેના માર્ગદર્શન હેઠળ શિક્ષાની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓથી આ કેમ્પસ ધમધમતું રહે છે. - ખીમજી રામદાસ-માંડવી : માંડવીના ખીમજી રામદાસ પરિવારના મસ્કત વસતા શ્રેષ્ઠી ગોકુલદાસભા ભાટિયા મિત્રમંડળના સહકારથી 1950ના વર્ષમાં ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયની સ્થાપના કરી ત્યારથી આજ સુધી ઐતિહાસિક નગરી માંડવીમાં કન્યા કેળવણી ક્ષેત્રે એક અનોખું નામ છે. એ સમયે કચ્છ રાજે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા રાજવી પરિવારના મોવડી મહારાવ મદનસિંહે રાજમહેલનું મકાન શાળાને દાનમાં આપ્યું હતું. 80 છાત્રાઓથી શરૂ?થયેલી નિશાળમાં આજે 1600થી વધુ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. ઇન્દુબેન જોષીએ પ્રથમ આચાર્યા તરીકે પાયો નાખ્યો, ત્યારથી આજ સુધી ખી.રા. કન્યા શાળાના ટૂંકા નામ સાથે કચ્છમાં જાણીતી છે. અત્યાર સુધી અનેક એવોર્ડ હાંસલ કરનારી આ કન્યાશાળા માટે પૂર્વ આચાર્યા વસંતબેન સાયલની મહેનતને શ્રેય જાય છે તો દાતા પરિવારના કનક શેઠ, અનિલભાઇ અને નીલેશ શેઠ વિકાસ માટે હંમેશાં હાથ?લંબાવતા રહે છે. - ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ : કન્યા કેળવણીની વાત છે તો ભુજની સરકારી છતાં ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ એ કચ્છની પ્રથમ છોકરીઓ માટેની શાળા હોવાનું યશ લે છે. એક પ્રાથમિક શાળાનું પાયાનું શિક્ષણ?મેળવીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જાણીતું નામ છે એવા પ્રા. દર્શનાબેન ધોળકિયા પણ આજ શાળામાં ભણીને છેક કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદ સુધી પહોંચ્યા છે. માતૃછાયા સાથે સંકળાયેલાં નલિનીબેન શાહ ઇન્દ્રાબાઇ હાઇસ્કૂલમાં શિક્ષિકા હતાં. આવી તો અનેક મહિલાઓ છે જેમણે ક...ખ...ગ...ની શરૂઆત ઇન્દ્રાબાઇમાં કરી હતી. 1939માં ભુજમાં જન્મેલા ડોસાભાઇ?લાલચંદનું કચ્છમાં કેળવણી ક્ષેત્રે નામ હતું. તેમણે પોતાના માતા ઇન્દિરાબાઇની સ્મૃતિમાં કન્યાશાળાની સ્થાપના કરી હતી. ધરતીકંપમાં ધ્વસ્ત થયેલી શાળાની?ઇમારત હવે અદ્યતન બની ગઇ છે. - કે. કે.એમ. એસ. - અંજાર : કંકુબેન ખટાઉ માવજી શેઠિયા અને જેનું ટૂંકું નામ છે કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ. કન્યા શિક્ષણ ક્ષેત્રે અંજારમાં સૌથી જૂની કહી શકાય તેવી શાળાની સ્થાપના 1959માં કરવામાં આવી હતી. અંજારના એ સમયના આગેવાન છગનલાલ પારેખે શરૂઆત કરાવ્યા બાદ ખટાઉભાઇ શેઠિયાએ શાળાના ભવન માટે જમીન આપી હતી. ટાંચા સાધનો અને ભણતરમાં કન્યાઓને આગળ લાવવાના પડકાર વચ્ચે રમાબેન?શાહે પ્રથમ પ્રિન્સિપાલની રૂએ ખૂબ મહેનત કરી હતી. આ વિદ્યાધામમાં પણ ભણી-ગણીને બહેનોએ નામના મેળવી છે. કોઇ ડોકટર છે, તો કોઇ વકીલ. દેશ-વિદેશમાં પહોંચેલી આ શાળાની એક વખતની વિદ્યાર્થિનીઓએ સુવર્ણ ચંદ્રક પણ મેળવ્યા છે તેવો ઇતિહાસ ધરાવે છે. - શેઠ આર. ડી. મુંદરા : ભલે હવે તો કચ્છના ખૂણે-ખૂણે અંગ્રેજી શીખડાવવામાં આવે છે પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે 1908માં કચ્છમાં પ્રથમ અંગ્રેજી શાળા મુંદરાને નસીબ થઇ હતી. દેવજી કુંવરજી શર્મા, રેવાશંકર તુલશી અધિકારી, રા.બ. શેઠ, કેશવજી નથુ સેલર, જે.પી. સહિતના દાતાઓની મદદથી એ સમયગાળામાં શરૂ થયેલી અંગ્રેજી શાળાને ખાખરના શ્રેષ્ઠી રાણશીભાઇ દેવરાજ તરફથી પહેલી સખાવત થઇ હતી. 26 વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી આ શાળાના શિક્ષકો પણ કેવા હતા ! પ્રભાશંકર વ્યાસ, જદુરામ જોશી અને મેનેજિંગ ટ્રસ્ટી વેલજી લખમશી નથુ, શેઠ આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટની કચ્છની શિક્ષણ ક્ષેત્રની અગ્રીમ સંસ્થામાં ગણના થાય છે. - માતૃછાયા-ભુજ : કન્યા કેળવણીની વાત આવે તો આ સમયે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય પણ ભુલાય નહીં. જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટની રચના બાદ 1973માં ભુજ શહેરનાં માતૃછાયા કન્યા વિદ્યાલયની સ્થાપના થઇ હતી. કન્યા કેળવણીનું સપનું સાકાર કરીને વડીલ માણેકલાલભાઇ શાહ સાચા અર્થમાં શિક્ષણના ભેખધારી સાબિત થયા હતા. ખૂબ જ ટાંચા સાધનો અને અપૂરતી માળખાગત સુવિધાઓથી આરંભ થયો પણ તેમણે જે બીજ રોપ્યું હતું તે આજે વટવૃક્ષ બની ગયું છે. અત્યાર સુધી રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રીયકક્ષાએ અનેક એવોર્ડ હાંસલ કરી ચૂકેલી માતૃછાયા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ તેમજ શિક્ષિકાઓ હંમેશાં શિક્ષણ ઉપરાંત શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અવ્વલ રહે છે એ પણ આ તકે ભુલાય નહીં. સંસ્થાના વર્તમાન મોવડી નલિનીબેન શાહના અથાક પ્રયાસોથી ટીમ માતૃછાયાનું નામ શિક્ષણની બાબતોમાં અગ્રહરોળમાં લેવામાં આવે છે.ભુજમાં પી.સી.વી. મહેતા હાઈસ્કૂલનું પણ બાળકોના શિક્ષણમાં મહત્ત્વનું પ્રદાન રહ્યું છે.- ભુજ ઇંગ્લિશ સ્કૂલ : સદીઓ જૂની ભુજ કે કચ્છની શાળાઓની યાદીમાં ભુજ ઇંગ્લિશ સ્કૂલ પણ આવે છે. ભૂતકાળમાં અનેક ચડાવ-ઉતારની વાત તો સાંભળી?છે પરંતુ કોઇ પણ સ્થિતિ હોય અંગ્રેજી માધ્યમની બાબતમાં આ શાળાએ હંમેશાં ચડાવ જોયા છે. 1922માં શહેરના કેમ્પ વિસ્તારમાં ભાડાંના મકાનમાં શરૂ થયેલી આ નિશાળ પાસે શહેરના હોસ્પિટલ રોડ જેવા ધમધમતા વિસ્તારમાં વિશાળ પોતીકી ઇમારત છે. આ શાળાની પ્રગતિનું શ્રેય ડો. હિંમતભાઇ મોરબિયા અને રમણબાળા મોરબિયાની મહેનતને જાય છે. શિક્ષણ સેવાની વાત આવે છે ત્યારે 3100થી વધુ વિદ્યાર્થીઓને ભણતર આપતી આ શાળાની સેવાને ભુલાય નહીં. - મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી : 3500થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ શીખવાડતી ભુજની મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી સંચાલિત શાળામાં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમ ચાલે છે. શિક્ષણનું બીજું નામ સેવા છે એ શબ્દને સાચા અર્થમાં ચરિતાર્થ કરતી આ શાળામાં કોઇ વિદ્યાર્થી પાસે ફીની રકમ ન હોય તો પણ મફતમાં ભણાવવાનું કામ કરવામાં આવે છે. ધારાશાત્રી અમીરઅલી લોઢિયા જેવી શિક્ષિત વ્યક્તિઓ આ શાળાનું સંચાલન સંભાળી રહી છે. સાથેસાથે તેમની મુસ્લિમ આગેવાનોની ટીમ પણ મદદરૂપ બની રહી છે. આ સંસ્થાએ 50 વર્ષથી વધુ સમય પસાર કરી લીધો છે. - અંજાર એજ્યુ. સોસાયટી  : 1972માં માત્ર 97 વિદ્યાર્થી સાથે શરૂ થયેલી અંજારની એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળામાં આજે 2800 જેટલા વિદ્યાર્થી શિક્ષણ મેળવી રહ્યા છે. સંસ્થાના સંચાલન હેઠળ શહેરમાં કે. જી. માણેક સ્કૂલ, ઠક્કર નાનજીભાઈ પ્રાગજી નારાણજી હાઈસ્કૂલ, ઉચ્ચરતર માધ્યમિક વિદ્યાલય, ઈંગ્લિશ સ્કૂલ, કોલેજ વગેરે ચાલે છે. ટૂંકમાં આ સોસાયટીના સંચાલકો શહેરમાં પાયાથી માંડી કોલેજ કક્ષા સુધીનું શિક્ષણ આપી રહ્યા છે. - લેવા પટેલ સમાજની સેવા  : શિક્ષણ ક્ષેત્રે જ્યારે-જ્યારે ચર્ચા થાય ત્યારે કચ્છના લેવા પટેલ સમાજ અને ભુજ સ્વામિનારાયણ મંદિરની સેવાની નોંધ લેવામાં આવતી હોય છે. અનેક એવા પ્રકલ્પ છે જેમાં આ સમાજે હાથ લંબાવવામાં પાછી પાની કરી નથી. માધાપરની દરબારી શાળાથી માંડી એવી શાળાઓ છે જેણે ભૂતકાળમાં નોંધપાત્ર સેવા કરી છે. ભુજ સ્વામિનારાયણ મંદિરે 1963થી તમામ સુવિધા સાથે ભુજ સ્વામિનારાયણ છાત્રાલયની સ્થાપના કરી હતી. એ પહેલાં 1944માં પટેલ ચોવીસીના વિદ્યાર્થીઓ ભુજમાં ભણી શકે એ માટે વિદ્યાર્થી ભુવનનું નિર્માણ કર્યું હતું. ભુજની સ્વામિનારાયણ સ્કૂલની વાત કરીએ તો ભુજ સ્વામિ. મંદિરના વર્તમાન મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી અને તે સમયના મહંત શાત્રી ધર્મજીવનદાસજી સ્વામી, સ.ગુ. ધર્મકિશોરદાસજી સ્વામી, સ.ગુ. હરિસ્વરૂપદાસજી સ્વામીના પ્રયાસોથી આ શાળાનો પ્રારંભ થયો હતો. માધાપરના સેવાભાવી શિવજી ભીમજી ગોરસિયા તથા ગોવિંદ ઉકેડા તેમજ આ શિક્ષણ સંસ્થા ઊભી કરવા સંતોએ કરેલા પ્રયાસો થકી આજે મોટી સફળતા જોવા મળે છે. 50 વર્ષ પહેલાં મનજી ગોવામલ ચૌહાણના ચાર પુત્રોની સખાવતને આજે પણ યાદ કરવામાં આવે છે. આવો જ ઇતિહાસ કંઇક લેવા પટેલ સમાજ સંચાલિત આર.ડી. વરસાણી શાળાનો છે. સામત્રાના દાતા રામજી દેવજી વરસાણીએ પોતાના માતાજીના નામે દાન આપીને એક વિદ્યાસંકુલ ઊભું કર્યું હતું. સમાજના મોભી આર. આર. પટેલ, આર. એસ. હીરાણીની એ સમયે શિક્ષણ પ્રત્યેની દ્રષ્ટિએ અત્યારે મોટો બદલાવ લાવ્યો છે. - અનોખી મહિલા કોલેજ : શિક્ષણ ક્ષેત્રે ધરતીકંપ બાદ મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ અને કોમર્સ મહિલા કોલેજ પણ એક અનોખી સંસ્થા છે. આ કોલેજનું સંચાલન કરવા એકપણ પુરુષ કર્મચારી નથી, તમામ કામકાજ મહિલાઓ સંભાળે છે. ખાસ કરીને અંતરિયાળ ગામડાંઓની  કન્યાઓને ઉચ્ચ શિક્ષણ મળે તેવા શુભ હેતુથી સ્વામિનારાયણ સંપ્રદાયની મણિનગર ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી આ કોલેજનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. માત્ર 90 છાત્રાઓથી શરૂ?થયેલી કોલેજમાં અત્યારે 1200 વિદ્યાર્થીઓ ભણે છે. માધાપરના વેલજીભાઇ ઝીણાભાઇ ગોરસિયા પરિવાર, લાલજીભાઇ નારાણ સેંઘાણી પરિવારના ભૂમિદાન અને સંત ભગવતપ્રિયદાસજી સ્વામીનું સતત માર્ગદર્શન મળે છે. ટ્રસ્ટી જાદવજીભાઇ વરસાણી મોટી ઉંમરે પણ દેખરેખ રાખી રહ્યા છે. - ભુજની પ્રથમ કોલેજ લાલન : 1948 સુધી કચ્છમાં એકપણ કોલેજ ન હતી, પરંતુ 1953માં આર. આર. લાલન કોલેજ?શરૂ?થઇ હતી. સૌથી જૂની કહી?શકાય એવી કોલેજથી આ?શહેરમાં ઉચ્ચ શિક્ષણનો પાયો નાખવામાં આવ્યો હતો. અહીં અનુસ્નાતક કેન્દ્ર સહિત ચલાવવામાં આવે છે. કચ્છના રાજનેતાઓ પણ આ કોલેજના કેમ્પસના પગથિયાં ચડીને અભ્યાસ કરી ચૂક્યા છે. એવું જ એક નામ છે ભુજની જે. બી. ઠક્કર કોમર્સ કોલેજ. અહીં પણ લો, ઇગ્નુ સહિતના અભ્યાસ ચલાવવામાં આવે છે. - વીરાયતનનું આગમન : બિહારમાં રાજગીર ખાતે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી વીરાયતન વિદ્યાપીઠ જેવી મોટી સંસ્થાએ કચ્છના ધરતીકંપ પછી કચ્છમાં આગમન કર્યું હતું. સાવ નાનાપાયે ભુજના શરદબાગ પેલેસ પાસે ઝૂંપડામાં પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી. વીતેલા બે દાયકામાં તો આ વીરાયતન વિદ્યાપીઠે અનેક ફેકલ્ટી સાથે જખણિયા-હરિપર પાસે વિદેશમાં હોય એવું શૈક્ષણિક સંકુલ ઊભું કર્યું છે. આચાર્ય ચંદનાશ્રીજી મહારાજની પ્રેરણાથી અને સાધ્વી શિલાપીજીની દ્રષ્ટિથી ઇજનેરી, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મસી, બી.બી.એ., બી.સી.એ. જેવી કોલેજ ફેકલ્ટી શરૂ કરવામાં આવી છે. સંસ્થાના ચેરમેન અને દાતા સુંદરજીભાઇ?શાહના નેતૃત્વ હેઠળ આ એક એવી શૈક્ષણિક સંસ્થા છે જે રુદ્રાણી પાસે ગ્રામીણ વિદ્યાર્થીઓને સાવ મફત શિક્ષણ?આપે છે. આસપાસના ગામોમાંથી છાત્રોને બસમાં લઇ આવવું-મૂકી આવવાનું, ભણતર, પુસ્તકો, યુનિફોર્મ અને દરરોજ ભોજન આપતી ફ્રી શિક્ષણની સંભવત: કચ્છની પહેલી શાળા હશે. જખણિયા પાસે ત્રણ હજારની બેઠકવાળું વિશાળ સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યું છે. - વાગડનું શિક્ષણ : ગાંધીજીના વિચારોને વરેલી સંસ્થા ગ્રામસ્વરાજ સંઘના મોવડીઓ મણિભાઇ સંઘવી, દયારામભાઇ કેવડિયા, મગનભાઇ સોની દ્વારા રાપર તાલુકાના સાવ નાનકડા એવા નીલપર પાસે બુનિયાદી શિક્ષણની શરૂઆત કરી હતી. વંચિત સમુદાયના બાળકોને શિક્ષણ?આપવાનું કામ આશ્રમ શાળાના નામે કરીને આ ભેખધારીએ કચ્છમાં એક અમૂલ્ય યોગદાન આપ્યું છે. વાગડ જેવા અત્યંત પછાત વિસ્તારની પસંદગી કરીને 1978માં રચનાત્મક શિક્ષણનો પાયો નાખ્યો હતો. મણિભાઇના પુત્રો રમેશભાઇ સંઘવી અને દિનેશભાઇ?સંઘવી અનેક પડકારો વચ્ચે પણ વાગડના વંચિત બાળકોને શિક્ષિત કરવાની મોટી જવાબદારી સંભાળી રહ્યા છે. સેલારી પાસે મગનભાઇ સોની સ્મારક ટ્રસ્ટ સંચાલિત સાંદીપનિ વિદ્યામંદિર કચ્છનાં શ્રેષ્ઠ કેળવણીધામ તરીકે ઓળખાય છે. ભચાઉમાં એલ. એન્ડ ડી.ટી. કોલેજ હોય કે ચોબારીમાં યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટની શિક્ષણ સેવાની સુવાસ પણ વાગડમાં ફેલાયેલી છે. - એસ.આર.કે. ઇન્સ્ટિટયૂટ : ગ્રામીણ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની વાત કરવી હોય તો કચ્છમાં સાપેડા પાસેના એસ.આર. કે. ઇન્સ્ટિટયૂટનું નામ સૌથી પહેલાં આવે કારણ કે ભુજ-અંજાર હાઇ-વે પર સાપેડા ગામ પાસે સાવ જ જંગલમાં એક અદ્યતન કોલેજ સંકુલ ઊભું કરવામાં આવ્યું છે. મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અરજણભાઇ કાનગડે શિક્ષણ ક્ષેત્રે કંઇક કરવું એ ધ્યેયને આગળ વધારી આઠ એકર વિશાળ જમીનમાં ઉચ્ચ શિક્ષણનો 2006માં પાયો નાખ્યો છે. બી.બી.એ, બી.સી.એ, એમ.બી.એ., એમ. એસ. ડબલ્યૂ જેવી ફેકલ્ટી કચ્છમાં જ સ્થાનિકે ઉપલબ્ધ કરાવીને કચ્છના છાત્રો માટે સાચા અર્થમાં સેવા કરી છે. સંપૂર્ણ સેલ્ફ ફાયનાન્સથી ચાલતી આ કોલેજમાં વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ છે. - પ.કચ્છમાં ઉચ્ચ શિક્ષણનો સૂરજ : ધરતીકંપ પહેલાં પશ્ચિમ કચ્છમાં ઉચ્ચ શિક્ષણનાં નામે મીંડુ હતું પરંતુ 2001માં જી.એમ.ડી.સી.ના તત્કાલીન ચેરમેન મુકેશભાઇ ઝવેરીના ખાસ સહયોગથી જી.એમ.ડી.સી. તરફથી મળેલા આર્થિક યોગદાન રૂપે નખત્રાણામાં કોલેજ શરૂ થઇ હતી. સેંકડો ગ્રામીણ વિદ્યાર્થીઓ કોલેજના પગથિયાં ચડતા થયા, પરંતુ સોથી મોટા ખેદની વાત એ હતી કે 20-20 વરસ વીતવા છતાં આ કોલેજને ગ્રાન્ટેડ કરવામાં ન આવી. આખરે તાજેતરમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયાસોથી અને ચૂંટણીમાં તેમણે આપેલું વચન પૂરું કરીને સરકારમાંથી નખત્રાણા કોલેજને ગ્રાન્ટેડ કરાવવામાં સફળ થયા છે. - કનકપરમાં ખાનગી કોલેજ : અબડાસાના એ સમયના ધારાસભ્ય જેન્તીભાઇ ભાનુશાલી ભલે હવે હયાત નથી પણ તેમણે એક સપનું સેવ્યું હતું કે અબડાસામાં ઉચ્ચ શિક્ષણનો પાયો નાખવામાં આવે. આખરે તેમણે કનકપર ખાતે કોલેજનું ખાતમૂર્હુત કર્યું હતું. કોલેજ શરૂ કરવી હોય તો મોટા ખર્ચા લાગે એટલે તેમણે એક મોટો સંતવાણીનો કાર્યક્રમ યોજી ઘોર રૂપે મોટી ધનરાશિ એકત્ર કરી હતી. જોગાનુજોગ તેમના પુત્રનું અકસ્માતે અવસાન થતાં તેમણે આ કોલેજને નામ સ્વ. અનિરુદ્ધ આર્ટસ-કોમર્સ કોલેજ આપ્યું છે. અબડાસા જેવા અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને કોલેજ ભણવા છેક ભુજ આવવું પડતું હતું પરંતુ હવે કનકપરમાં જ ભણવાનું મળે છે. હવે ભલે જેન્તીભાઇ નથી, પરંતુ તેમના ભાઇ શંભુભાઇ ભાનુશાલીએ કોલેજનું સચાલન સંભાળ્યું છે. આર્થિક રીતે પહોંચી વળવું ખૂબ જ કઠિન છે છતાં નિભાવ કરવામાં આવે છે. આવામાં જો સરકાર કનકપરની કોલેજને પણ ગ્રાન્ટેડ કરી આપે તો ભવિષ્ય ઉજળું બની શકે તેમ છે. - 3.50 લાખ છાત્ર : કચ્છની માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં આજની તારીખે 3.50 લાખ કચ્છી છાત્રો ભણી રહ્યા છે. સરકારી માધ્યમિક શાળાઓની સંખ્યા 183, ખાનગી 225, ગ્રાન્ટેડ 95 છે, જેમાં 1.25 લાખ છાત્રોનો સમાવેશ થયેલો છે. જ્યારે સરકારી પ્રાથમિક શાળાઓ 1700, ખાનગી 400, જેમાં કુલ્લ 2.25 લાખ વિદ્યાર્થીઓ છે. શિક્ષણ ક્ષેત્રે એવી તો ઘણી જૂની સંસ્થાઓ છે જેમણે વિદ્યાભ્યાસમાં સેવા કરી છે. માંડવીની જી.ટી. હાઇસ્કૂલ, કોઠારા જી.ટી. હાઇસ્કૂલ, ભુજની વી. ડી. હાઇસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ, નલિયા વી. એલ., ગાધીધામની શાળાઓ પણ શિક્ષણ ક્ષેત્રે સેવા કરી રહી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer