આઝાદી પછી કચ્છમાં મોટેભાગે કિસાન આંદોલનો જ થયાં

નિમિષ વોરા - કુદરતી આપદાઓ, સુખ-સુવિધાના અભાવ વચ્ચે સતત સંઘર્ષ કરતો રહેલો `કચ્છ ડો' એટલે તો ધીંગો અને ખમીરવંતો કહેવાય છે. સામાન્ય રીતે શાંતિપ્રિય પ્રજા સાહસી અને ખડતલ છે. વખત આવ્યે અન્યાય સામે માથું પણ ઊંચકી શકે છે. તેના આઝાદી પછીના અનેક ઉદાહરણો મોજૂદ છે. કચ્છમાં વહીવટીતંત્ર સામે થયેલી લોકલડતોનો ઇતિહાસ બહુ જૂજ જ છે અને જ્યારે પણ વિરોધના હથિયાર ઊઠયાં તેમાં મહદઅંશે કૃષિ સંબંધી પ્રશ્નો જ નિમિત્ત બન્યા છે. બીજા અર્થમાં એમ કહી શકાય કે, જે કોઇ નોંધપાત્ર આંદોલનો છેડાયાં છે તે કિસાનો સંચાલિત રહ્યાં છે. કૃષિ, પશુપાલન અને પરિવહનના મુખ્ય વ્યવસાય સાથે આજીવિકા રળતા કચ્છીઓનો મોટો વર્ગ ખેતી સાથે સંકળાયેલો હોવાથી તેના પ્રશ્નો પણ અપાર રહ્યા છે. કચ્છના કૃષિ આંદોલન હંમેશાં અમલદારો માટે ચિંતાનો વિષય રહ્યાં છે. સામાન્ય રીતે શાંત અને અહિંસક લડતોમાં ચરમસીમારૂપે ગોળીબારની રમઝટ અને લોહી પણ રેડાયાં હોવાનો ઇતિહાસ સાક્ષી રહ્યો છે. ખેડૂતોના આંદોલનની દૃષ્ટિએ 1990નો દાયકો બહુ ઉગ્ર રહ્યો છે, જેમાં મોટાભાગે કૃષિ વીજદર વૃદ્ધિ, અપૂરતો વીજ પુરવઠો અને સિંચાઇ માટે નર્મદાનાં નીરના મુદા જ અગ્રીમ રહ્યા છે, જે પૈકી નર્મદા માટેની લડત આજપર્યંત જીવંત રહી છે. આઝાદી પછીના કચ્છના અતીતમાં જો નજર કરીએ તો કિસાન આંદોલન સિવાય તત્કાલીન યુગની દૃષ્ટિએ મહત્ત્વની લડત પૈકી 1954માં વેચાણવેરા આંદોલન થયું હતું. સરકારે વેચાણવેરો લાદતાં તેની નાબૂદી માટે કચ્છના લોકનેતાઓએ વિરોધનો બુંગિયો ફૂંક્યો હતો. લેખક ધનસુખભાઇ ધોળકિયા નોંધે છે કે તે વખતે પ્રાણલાલ શાહ, અમૃતપ્રસાદ અંતાણી (મામા), વેલજીભાઇ?કારા, કૃષ્ણલાલ માંકડ, સૂરજીભાઇ, દેવશંકરભાઇ, કે. ટી. શાહ અને પ્રેમજી રાઘવજી જ્યારે અન્ય વિસ્તારોમાં હરિરામ કોઠારી, ડો. જયંત ખત્રી, ભોગીલાલ મહેતા, મોહનલાલ વરૂ, નરસિંહ અયાચી, લહેરી શાહ, જાદવજીભાઇ, હરેશભાઇ, દયારામ ઠક્કર વિગેરેએ લોકજાગૃતિ માટે સભા-સરઘસો યોજ્યા હતા. લાઠીચાર્જની પીડા પણ વેઠી હતી અને ધરપકડ વહોરી હતી. ત્યારબાદ 1958માં ઇનામ નાબૂદી ધારો રચાતાં ગરાસદારોમાં તેની સામે વિરોધનો વંટોળ ઉઠયો પરંતુ તેમાં સામાન્ય લોકોને રસ નહીં પડતાં ચોક્કસ વર્ગ પૂરતું જ આંદોલન સીમિત બની રહ્યું હતું. કચ્છની તવારીખમાં 1993નું વર્ષ ભારે ઉગ્રતાભર્યું રહ્યું છે. '93ની સાલમાં મોટાપાયે ખેડૂતોના ચાર જંગી આંદોલન છેડાયાં હતાં, જે માત્ર કિસાનો જ નહીં પરંતુ સમગ્ર કચ્છીઓ વહીવટી તંત્ર અને ખાસ કરીને વિદ્યુત બોર્ડ અને પોલીસ તંત્ર?માટે આજીવન યાદગાર રહે તેવા બનાવો બન્યા હતા. ભૂતકાળ યાદ કરીએ તો 1993ની છઠ્ઠી માર્ચે ભારતીય કિસાન સંઘને પ્રદેશ કક્ષાએ મળેલા એલાન મુજબ કૃષિલક્ષી વીજળીના મુદ્દે ભુજમાં ખેડૂતોની નીકળેલી વિશાળ રેલીએ વીજ બોર્ડના કચ્છ સર્કલના અધીક્ષકને ઘેરાવ કરતાં માહોલ તનાવભર્યો બની રહ્યો હતો અને જ્યુબિલી ગ્રાઉન્ડ વિસ્તાર ખેડૂતોના વાહનો અને આંદોલનકારીની સંખ્યા થકી હકડેઠઠ ભરાઇ ગયો હતો. આ પછી 1993ની 16મી જૂને જળસંકટ નિવારણ સમિતિ દ્વારા વિશાળ જનરેલીનું આયોજન કરાયું હતું. કચ્છની 13.95 લાખ એકર જમીનને સિંચાઈ માટે પાણી ફાળવવાના મુદે સમિતિના અધ્યક્ષ અને જાણીતા દાનવીર દામજીભાઈ એન્કરવાલાના નેતૃત્વ હેઠળની આ રેલીએ વિરાટરૂપ ધારણ કર્યું હતું. ધોમધખતા તાપમાં ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં કૃષકો, અન્ય વર્ગના લોકો હજારોની સંખ્યામાં સ્વયંભુ એકઠા થયા હતા. જેમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, વેપારીઓ, આગેવાનોએ અન્યાયના મામલે નર્મદા બોન્ડમાં નાણાં ન રોકવાનો અનોખો સંકલ્પ જાહેર કર્યો હતો અને આ સાથે આંદોલનનો શંખનાદ ફૂંકયો હતો. આના પગલે જિલ્લા તાલુકા મથકોએ બજારો-દુકાનો સ્વયંભુ બંધ રહેતાં રાજકીય રીતે તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. નર્મદા યોજના માટે વર્ષોથી દિલમાં આકાંક્ષા લઈ બેઠેલા પ્રત્યેક કચ્છીઓના મિજાજનો પરચો જાણીતા પર્યાવરણવાદી ચળવળકાર મેધા પાટકરને પણ મળ્યો હતો. તેમના બચાવ આંદોલન સમિતિના નેજા હેઠળ '93ની 24મી એપ્રિલના ભુજ અને ગાંધીધામમાં જાહેર પ્રવચન યોજાયાં હતાં. ગાંધીધામ ચેમ્બરના હોલમાં તેમના પ્રવચન દરમ્યાન મહિલા આર્થિક વિકાસ નિગમ, લઘુમતિ સમાજ, કોંગ્રેસ તથા મહિલા મંડળે મેધા પાટકરનાં પ્રવચન દરમ્યાન સડેલા ટમેટાં અને ઈંડાનો મારો કરી અને મેધા પાટકર પાછા જાવ... નર્મદા યોજના હોકે રહેગીના નારા સાથે થયેલી ધાંધલના લીધે પ્રવચન રદ કરીને મેધાજીને પરત નીકળવું પડયું હતું. તે જ દિવસે જનતાઘરના સિદ્ધાર્થ હોલમાં તેમને પત્રકાર પરિષદમાં કાળા વાવટા સાથે સૂત્રોચ્ચારનો સામનો કરવો પડયો હતો. '93ની સાલની 17મી ડિસેમ્બરનો દિન હિંસક બની રહ્યો હતો. કૃષિ વીજદરમાં ઘટાડાના મામલે ફરી મેદાને પડેલા કિસાન સંઘે છેડેલા આંદોલનમાં પોલીસ સાથે ઘર્ષણ થયું જેમાં ભુજ અને માનકૂવામાં ખેડૂતોના પથ્થરમારાના જવાબમાં ભુજમાં પોલીસે 71 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, તો અશ્રુવાયુના 35 ટોટા છોડયા હતા. કલેક્ટર કચેરી સામે ખેડૂતોએ ઢોર અને કુટુંબ-કબીલા સાથે પડાવ નાખતાં બબાલ થઇ હતી. આ ઘટનામાં ભુજમાં 18ને અને માનકૂવામાં 24 જણ ઘાયલ થયા હતા જેમાં 6 જણ ગંભીર ઘાયલ થયા હતા. આ દિવસે ખેડૂતોનું પરાકાષ્ટારૂપ આંદોલન બની રહ્યું હતું. ત્યારબાદ 15-10-1996ના નિયમિત 12 કલાક વીજ પુરવઠો આપવા વિવિધ?તાલુકા મથકોએ ખેડૂતોએ વીજ સબસ્ટેશનોને ઘેરાવ કર્યો હતો. જ્યારે 1999ની 30મી સપ્ટેમ્બરે કચ્છની માગણી મુજબના નર્મદાના નીર સમગ્ર જિલ્લાને ગ્રેવિટી ફ્લોથી ફાળવવાના મુદ્દે કચ્છ જળસંકટ?નિવારણ સમિતિ અને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ફરી ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં યોજાયેલી વિશાળ રેલીમાં કિસાન સંઘના પ્રમુખ?વેલજીભાઇ ભુડિયાએ 15 દિવસનું આખરીનામું આપી અન્યથા કલેક્ટર કચેરી સામે 25 કિસાનોના આંદોલનની જાહેરાત કરીને પ્રજાકીય પ્રતિનિધિઓના રાજીનામાં માગ્યા હતા.વચ્ચે એક વર્ષના અંતરાલ બાદ સાલ 2000ની 26મી ઓક્ટોબરે ફરી કૃષિ વીજદરમાં 400 ટકા વધારાના મુદ્દે ફરી ખેડૂતો ભડક્યા અને ભા.કિ. સંઘે જ્યુબિલી ગ્રાઉન્ડમાં દિવાળીના સપરમા દિને નવતર વિરોધ આંદોલન છેડયું હતું. દીપાવલિ નિમિત્તે કિસાનોએ ધારણ કરેલા નવાં વત્રો કાઢીને અર્ધનગ્ન હાલતમાં રેલી કાઢી હતી અને આ વત્રોની હોળી પણ કરી હતી. આ ઘટના બાદ 3 વર્ષ ખેડૂતોને શાંતિ રહી બાદમાં ફરી એ જ વીજ ભાવવધારા મુદ્દે ફરી ભુજમાં રેલી કાઢી હતી ઉપરાંત નર્મદાના પાણી મુદ્દે કલેક્ટર કચેરીને તાળાંબંધી કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજીને `જેલભરો' આંદોલન છેડયું જેમાં 385ની અટક કરી હતી.ધરતીકંપ બાદ નર્મદા સિવાયના પ્રશ્નોમાં રાહત થઈ જતાં આંદોલનની આક્રમકતા ઘટતી રહી છતાં 2005ના 24મી માર્ચે વીજ ચેકિંગની ઝુંબેશના વિરોધમાં વીજ કચેરી સામે ધરણાં, 2006માં વીજલોડ વધારાના મુદ્દે ભુજ અને કોઠારામાં નોટિસોની હોળી અને કોઠારામાં રેલી કઢાઈ હતી. આ ઉપરાંત 2012ના વીજ સમસ્યાના મામલે ભુજમાં ધરણાં, 2016માં લો વોલ્ટેજ પ્રશ્ને દયાપરમાં ધરણાં, 2016માં નર્મદાના પાણી માટે ભુજમાં રેલી, 2017ના નર્મદા બ્રાન્ચ કેનાલ રિપેરિંગના નામે બંધ રહેતાં કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ વાગડમાં કેનાલ પાસે ધરણાં કરીને પ્રજાકીય પ્રતિનિધિત્વ નિભાવ્યું હતું. મજાની વાત એ છે કે, 90'ના દાયકાથી 2020 સુધીના તબક્કાવાર આંદોલન ખેડૂતોએ વીજળી અને નર્મદાના મામલે કર્યા પરંતુ 2021માં કચ્છમાં ઔદ્યોગિક વિકાસના પગલે લડતનો મુદ્દો પવનચક્કી બન્યો છે. છેલ્લે નખત્રાણાના કોટડા જડોદર ગામે પાવરગ્રિડ કંપની સામે દોઢ વર્ષથી ચાલતા ગ્રામજનોના વિવાદમાં કંપનીએ ડ્રોનથી જમીનનો સર્વે કરતાં ખેડૂતોએ રસ્તા પર ચક્કાજામ કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આમ આઝાદી બાદ મુખ્યત્વે નોંધપાત્ર આંદોલનો કિસાનોના જ રહ્યાં છે. - ટ્રેન ઊથલાવવાનો પ્રયાસ :  કચ્છની કલંકિત ઘટના : 1993ની 24મી ડિસેમ્બરે રાજ્યભરમાં ચાલતું કિસાન આંદોલન સમાપ્ત જાહેર કરાયું અને `ગામડું બંધ'નું એલાન પૂર્ણ થયું તેના બીજા દિવસે જ દેશલપર પાસે પાટા ઉખેડીને નલિયા-ગાંધીધામ ટ્રેન ઊથલાવવાનો પ્રયાસ થતાં રાજ્યભરમાં હાહાકાર મચી ગયો હતો અને ભારતીય કિસાન સંઘના કાર્યકરો શંકાના દાયરામાં આવ્યા હતા. સદ્ભાગ્યે કોઈ પ્રવાસીને ઈજા થઈ ન હતી. - રજનીશ આશ્રમના વિરોધમાં જાગી ઊઠયો લોકજુવાળ : અત્યારે જેમના વિચારો દેશ-વિદેશમાં લોકો તેમની વાણી રસથી સાંભળે છે, તેવા ઓશો રજનીશની માંડવી નજીક વિજય વિલાસ પાસે તેમના અનુયાયીઓ દ્વારા દિવંગત સુપરસ્ટાર વિનોદ ખન્નાના નેતૃત્વ હેઠળ રજનીશ આશ્રમ સ્થાપવાની હિલચાલના પગલે માંડવીના વિદ્યાર્થીઓએ સંસ્કૃતિ બચાવવા માટે વિરોધ કર્યો હતો. જેના પડઘા સમગ્ર કચ્છમાં પડયા હતા. એકતરફ આ મુદ્દે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો અને છેલ્લે વિનોદ ખન્નાનો સમાધાનનો પ્રયાસ વિફળ રહેતાં રજનીશ આશ્રમનું માંડવી આગમન રદ થયું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer