કચ્છમાં અનેક સંસ્થાઓએ સેવાની ધૂણી ધખાવી છે

અદ્વૈત અંજારિયા - સદીઓ પૂર્વે કચ્છનાં રણમાં ભુલ્યા ભટક્યા રાહદારીને ભોજન અને પીવાનું પાણી સેવાર્થે પહોંચાડવા સંત મેકણે લાલીયો, ગધેડો અને મોતીયો કૂતરો એવાં બે મુંગાં પ્રાણીને સાથે રાખીને સેવાનો યજ્ઞ આદર્યો હતો. એ દૃષ્ટિએ કચ્છ સદીઓથી સેવાક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. કચ્છના અનેક લોકો, મહાજનો, ટ્રસ્ટીઓએ સદાવ્રત ખોલ્યાં છે, તો માનવીને મદદરૂપ થવાનાં લગભગ તમામ ક્ષેત્રે રીતસરનો હવન માંડયો છે. આમ પણ કચ્છ એ સંત-શૂરાની ભૂમિ છે. વિશાળ વિસ્તાર અને છુટીછવાઇ વસ્તી ધરાવતા આ સરહદી મુલકમાં અનેક સંતોએ ધૂણી ધખાવી છે. આ સંતેની પ્રેરણાથી જ સેવાયજ્ઞ ઠેર ઠેર મંડાતા રહ્યા છે. કચ્છના તાલુકે તાલુકે માનવસેવા કરતી અનેક નાની-મોટી સંસ્થાઓ કાર્ય કરી રહી છે. જેમ ભગવાન શ્રીરામે સેતુબંધ બાંધ્યો ત્યારે એક નાનકડી ખીસકોલીએ પણ માટી ખંખેરીને યોગદાન આપ્યું હતું, તેવું નાનું યોગદાન પણ અનેક જણ-સંસ્થાઓ આપી રહી છે. કચ્છના લલાટે દુષ્કાળ તો લખાયેલે જ હતો. તેમાં છેલ્લાં થોડાં વર્ષથી વાવાઝોડું અને ભૂકંપે પણ લીટી તાણતાં સેવા સંસ્થાઓ વધુ પ્રવૃત્ત થઇ છે. પશુ-પક્ષીને ચણ, ચારો, પાણીની સેવાથી માંડીને શિક્ષણ, આરોગ્ય, વિકલાંગતા વગેરે અનેક સ્તરે સંસ્થાઓ સેવાનો ભાર વહન કરી રહી છે. આ સંસ્થાઓએ કુદરતી આફત વખતે તો મોટાપાયે કામગીરી કરી પણ કોરોના મહામારી, લાંબા લોકડાઉનને લીધે નાના-મધ્યમવર્ગ, શ્રમિકો, કામદારોની હાલત દયનીય થઇ એને ધ્યાને રાખીને સહાયનું મિશન ઉપાડયું હતું તેનું મૂલ્ય ઊંચું છે. વિશાળ કચ્છની સેવા સંસ્થાઓની નોંધ લેવા જઇએ તો લાંબી યાદી થઇ જાય. આ માટે દરેક તાલુકા સ્તરે કે જિલ્લા સ્તરે કામ કરનારી કેટલીક સંસ્થાઓનાં કામ ઉપર થોડો દૃષ્ટિપાત કરી લઇએઁ, જેનાથી કચ્છનાં આ સેવાનાં ક્ષેત્રનો એક અછડતો ચિતાર મળી રહેશે. કેટલીક સંસ્થાઓએ સાવ અનોખી કામગીરી કરી છે, તો કેટલીક સંસ્થાઓએ માનવસેવા, જીવસેવાનાં ક્ષેત્રમાં ખૂબ સારું ખેડાણ કર્યું છે. જિલ્લા મથકે માનવ જ્યોત, દિનોદ્ધાર માનવ કલ્યાણ ટ્રસ્ટ વગેરેએ ગરીબો, માનસિક રીતે અસ્થિર લોકો, પંખી, પશુ વગેરે જીવો માટે ભોજન સહિતની અવિરત સેવા આદરી છે. બીજી બાજુ પૂર્વ કચ્છનાં ગાંધીધામ સંકુલમાં સિંધી યૂથ સર્કલ, સેવા સર્વોપરી વગેરે સંસ્થાએએ જુદી ભાત પાડતું કામ કર્યું છે. સિંધી યૂથ સર્કલના સ્થાપક સ્વ. વિજયભાઈ ખુબચંદાણીનાં નેતૃત્વમાં સેવાના નવા અધ્યાય જોવા મળ્યા. ગાંધીધામ-આદિપુર વચ્ચે ચાલતી સિટીબસ (લાલબસ) જે હવે બંધ પડી ગઈ છે. આ સેવા વર્ષો પહેલાં તેના કર્મચારીઓની હડતાળને લીધે અવરોધાઈ ત્યારે યૂથ સર્કલના યુવાનોએ કંડક્ટર-ડ્રાઈવરની સેવા બજાવીને સિટીબસ ચાલુ રાખી હતી. આવી જ રીતે સ્મશાનમાં વર્ષોથી પડયા રહેલા અસ્થિઓનું સામૂહિક વિસર્જન જેવાં કાર્યો આ સંસ્થાએ ઉપાડયાં છે. છેલ્લે ભૂકંપ સમયે આ સંસ્થાએ અનેક મૃતકોના અંતિમ સંસ્કારની જવાબદારી પણ નિભાવી હતી. ગાંધીધામ સંકુલની અન્ય સામાજિક સંસ્થાઓ આર્યસમાજ, મારવાડી યુવા મંચ વગેરે પણ વર્ષોથી સેવાની સરવાણી વહાવી રહી છે. જિલ્લા મથકે માનવસેવાનાં ક્ષેત્રે માનવ જ્યોત સંસ્થા મોટું કામ કરી રહી છે. પ્રબોધભાઈ મુનવરનાં નેતૃત્વમાં આ સંગઠન અસ્થિર મગજના લોકોને સાફ સૂથરા રાખવા, ભોજન કરાવવું, પરિવારથી વિખૂટા પડી ગયેલા લોકોને પુન: પરિવાર સાથે જોડવા, બિનવારસુ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવો વગેરે જેવી અનેક પ્રવૃત્તિ તે કરે છે. આ સંસ્થા મુંબઈ અને કોલકાતામાં પણ કાર્યરત છે. ભુજમાં તો સર્વ સેવા સંઘ, નવનિર્માણ અભિયાન, કચ્છ મહિલા વિકાસ સંગઠન, ઈન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલોપમેન્ટ, સ્વજન, રામરોટી કેન્દ્ર, નવચેતન મહાવીર મંડળ, મહંમદી ચેરિટેબલ ટ્રસ્ટ, દીનોદ્ધાર માનવ કલ્યાણ ટ્રસ્ટ, સદવિચાર પરિવાર વગેરે જેવી અનેક સંસ્થાઓ માનવસેવા ક્ષેત્રે વિવિધ વિષયોમાં વર્ષોથી સેવાનો યજ્ઞ ચલાવી રહી છે. કચ્છની સૌથી મોટી સમસ્યા પીવાનાં પાણીની છે, ત્યારે આ પૈકીની ઘણી સંસ્થાઓ જળસંગ્રહ, વોટર રિચાર્જિંગ જેવાં ક્ષેત્રોમાં પણ અગ્રેસર છે. કચ્છના તમામ તાલુકાઓમાં સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓમાં પણ સંસ્થાઓ કાર્યરત થઈ છે. દયારામભાઈ કેવડિયાનાં નેત્તૃત્વમાં વાગડનાં નીલપર ખાતે ચાલતી આશ્રમશાળા તેનું સર્વોચ્ચ ઉદાહરણ છે. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવીને શિક્ષણ સહિતની પ્રવૃત્તિઓ આ આશ્રમમાં ચલાવાય છે. ગૌરક્ષા અને ગૌસંવર્ધન ક્ષેત્રે પણ કચ્છમાં અનેક સંસ્થા પ્રવૃત્ત છે. સૌથી મોટું એન્કરવાલા અહિંસાધામ લગભગ તમામ પશુપક્ષીની સેવા શુશ્રૂષા કરી રહ્યંy છે. અહીં શત્રક્રિયા સુધીની વ્યવસ્થા છે. વાગડમાં નવચેતન અંધજન મંડળ અંધ વ્યક્તિઓ માટે ખૂબ સારી સેવા આપી રહ્યું છે. - આંતરરાષ્ટ્રીય સ્તરની સેવા સંસ્થાઓ રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, ધાર્મિક સંસ્થાઓ જેમાં મુખ્યત્વે સ્વામિનારાયણ મંદિરો સાથે સંકળાયેલી સંસ્થાઓ, જ્ઞાતિ સંગઠનો દ્વારા ચલાવાતી સંસ્થાઓ વગેરે જોવા જઈએ તો યાદી ખૂબ મોટી છે. એક અંદાજ મુજબ લગભગ દોઢેકસો જેટલી સક્રિય સંસ્થાઓ કચ્છમાં કાર્યરત છે. છેલ્લે તો કોરોનાકાળમાં એક વર્ષથી આ તમામ સેવા સંસ્થાઓનો અભિગમ નવો જ થઈ ગયો છે. માસ્ક, સેનિટાઈઝરનું વિતરણ, ઓક્સિજન સિલિન્ડર વસાવી તેની સેવા પૂરી પાડવી, લોકડાઉનના સમયગાળામાં રોજનું કામાઈ ખાનારા વર્ગને હજારો રાશનકિટનું વિતરણ વગેરે પ્રવૃત્તિઓ ચરમસીમાએ પહોંચી હતી.  ભૂકંપ વખતે વર્ષ ર001માં જેમ ધાબળા, સોલાર ફાનસ, ભોજન કેન્દ્રો, સદાવૃત્ત ખોલી ખોલીને સંસ્થાઓએ મુશ્કેલીમાં રહેલી માનવજાતને ટેકો આપ્યો હતો, તેવી જ રીતે કોરોના મહામારીના સમયે આ સમાજસેવી સંસ્થાઓએ જે રીતે કાર્ય કર્યું તે જોતાં આફત સામે લડવાની કચ્છીઓની આંતરિક હિંમત સ્પષ્ટ થઈ જાય છે.  આ સેવાકીય સંસ્થાઓ ઉપરાંત પૂર્વ કચ્છમાં મહાજન સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે પણ સમય આવ્યે અને જરૂર પડયે લાખોનો ફાળો કરીને માનવસેવા કે દેશસેવામાં સક્રિય પ્રદાન કર્યું છે. આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ વગેરેમાં જે તે ક્ષેત્રની મજબૂત સંસ્થાઓ કચ્છમાં કાર્યરત છે જ, પરંતુ અન્ય કેટલીક સંસ્થાઓ તે સિવાયનાં માનવસેવાનાં ક્ષેત્રમાં ઘણું કરી રહી છે અને ઘણું કરવા માગે છે. કચ્છના ઘણા રાજકીય આગેવાનો પણ પોતાની સંસ્થાઓ ઊભી કરીને સેવાનાં ક્ષેત્રમાં જોડાયા છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં કામચલાઉ હોસ્પિટલો ઊભી કરવામાં આવી સંસ્થાઓ અગ્રેસર રહી હતી. ગાંધીધામ, અંજાર સંકુલમાં આ કાર્ય ભારત વિકાસ પરિષદે ઉપાડયું હતું. જેમ વિશ્વમાં વ્યાપાર ક્ષેત્રે કચ્છીઓએ ડંકો વગાડયો છે, તેમ સેવાનાં ક્ષેત્રે પણ કચ્છે વિશ્વમાં ડંકો વગાડયો છે. કચ્છમાં ખાસ તો ભૂકંપ બાદ વર્ષ 2001થી વિકાસનો જે નવો અધ્યાય શરૂ થયો તેમાંય સંસ્થાઓની ભૂમિકા સકારાત્મક રહી છે. ઐતિહાસિક શહેર અંજારમાં ભારત વિકાસ પરિષદે પર્યાવરણ ક્ષેત્રે ઘણું કામ કર્યું છે. છ હજાર વૃક્ષોનું વાવેતર કરીને તેના ઉછેર ઉપરાંત પ્લાસ્ટિક ઝબલાંનો ઉપયોગ અટકાવવા પણ ઝુંબેશ ચલાવે છે. અશક્ત અને અસહાય હોય તેવા લોકોને રાશનકિટ ઉપરાંત ટિફિન સેવા પણ ચલાવે છે. ટિફિન સેવાનું કામ અન્ય સંસ્થા લોહાણા?ઇન્ટરનેશનલ પણ સંભાળે છે. મહિલા ઉત્કર્ષના ક્ષેત્રમાં અહીંની સંસ્થા એનાર્ડે?ફાઉન્ડેશને ઘણું કાર્ય કર્યું છે. સખી મંડળોની રચના કરીને મહિલાઓને મદદરૂપ થવા ઉપરાંત આ સંગઠન ખેડૂતો તેમની વધુ ઉપજ મેળવે અને વધુ આવક ઊભી થાય તે માટે પણ આ સંસ્થા પ્રવૃત્ત છે. રામકૃષ્ણ-શારદા સેવાશ્રમ સંસ્થાએ પણ મહિલાઓને પગભર બનાવવા ખાસ તો આર્થિક અને સામાજિક રીતે પછાત મહિલાઓને પગભર બનાવવા સિલાઇ કેન્દ્ર દ્વારા તાલીમ આપવાનું કામ હાથ ધરેલું છે. આ ઉપરાંત જરૂરતમંદોને રાશનકિટ, કોરોનાકાળમાં માસ્કનું વિતરણ વગેરે કાર્ય તે કરે છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer