દુનિયા દાણચોરીની... રૂટ બદલાયા, રફ્તાર વહી

પ્રફુલ્લ ગજરા-  દેશના પશ્ચિમ છેવાડે અને પરાપૂર્વથી મીઠાં દુશ્મન રાષ્ટ્ર એવાં પાકિસ્તાનની સરહદને અડીને આવેલા સીમાવર્તી કચ્છ જિલ્લા અને દાણચોરીનો નાતો પણ એટલો જ જૂનો છે. સમયાંતરે સ્વરૂપ બદલતી આવેલી અને ઉત્તરોત્તર વધેલી દાણચોરીની પ્રવૃત્તિ વર્તમાન સમયમાં દેશ માટે ગંભીર મુદ્દો બની રહી છે. એક જમાનામાં કાપડ, બીડી બનાવવા માટેનાં પાંદડાં અને કાંડા ઘડિયાળ જેવી જરૂરી કે મોજશોખની વસ્તુઓથી શરૂ થયેલી આ ગેરકાયદે પ્રવૃત્તિ કાળક્રમે ચાંદી, સોનું અને તે પછી હથિયારો તથા હવે દેશનાં યુવાધન અને આર્થિક માળખાંને બરબાદ કરી નાખતાં કેફીદ્રવ્ય અને જાલી ચલણી નોટો સુધી પહેંચતાં આ મુદ્દો સળગતી સમસ્યા બની ચુક્યો છે. આઝાદી પછીના સમયગાળામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ આ મામલે સતત ચિંતિત જોવા મળતી આવી છે. આ ક્ષેત્રમાં વ્યાપક પગલાં લેવા સાથે દાણચોરીને ડામવા શ્રેણીબદ્ધ પગલાંઓ લઇને સુરક્ષાને સંલગ્ન અનેક તંત્રો અને એજન્સીઓને કાર્યરત કરાયાં છે. આમ છતાં દાણ ચૂકવ્યા વગર ચોરીથી માલ લઇ આવવાની આ પ્રવૃત્તિ હજુ સંપૂર્ણ અંકુશમાં નથી જ આવી અને તેથીજસ્તો કચ્છ આ ક્ષેત્રમાં ટ્રાન્ઝિટ પોઇન્ટ બની ચુક્યું છે. જમીન, હવાઇ અને પાણી એમ ત્રણેય માર્ગે સાથે જોડાયેલાં કચ્છમાં 80થી 90નો દાયકો દાણચોરી માટે એ જમાનાની ચીજવસ્તુઓને લઇને પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. આઝાદી પછીના સમયગાળામાં લાંબા સમય સુધી ઉંટ ઉપર લદાયેલો માલ ચોરીછૂપીથી રાત વચ્ચે રણમાર્ગેથી લઇ આવવાની પ્રવૃત્તિનો દૌર ખાસ્સો અને લાંબો સમય રહ્યા બાદ સરહદે જાપ્તો વધુ કડક બનાવાતાં વર્તમાન સમયમાં દાણચોરી માટે સાગરમાર્ગ સૌથી વધુ અખત્યાર કરવામાં આવી રહ્યો છે. સોનું, ચાંદી, હથિયાર, લાલચંદન કે કેફીદ્રવ્યની બેનંબરી હેરાફેરી માટે સમુદ્રી રસ્તાનો ઉપયોગ થવાના અનેક કિસ્સા અત્યાર સુધી બની ચુક્યા છે અને પકડાઇ પણ ચુક્યા છે. તેમાંયે વળી દેશમાં અન્ય ભાગોમાં પહેંચાડવા માટેના માલસામાનની ડિલિવરી માટે કચ્છના દરિયાઇ માર્ગના ઉપયોગની પદ્ધતિ અખત્યાર કરાતાં કચ્છનો સમુદ્રી કાંઠો છેલ્લા લાંબા સમયથી ગરમ જ રહેતો આવ્યો છે. મુંબઇ હુમલા કે હૈદરાબાદ ખાતે હથિયારોનો જંગી જથ્થો પકડાવાના કે ઉત્તરપ્રદેશમાં જાલી ચલણી નોટોનો મોટો જથ્થો પકડાવા જેવા અનેક કિસ્સાઓ આનાં ઉદાહરણ બની રહ્યાં છે. દાણચોરી અને સરહદી કચ્છના પરિપ્રેક્ષ્યમાં આ ક્ષેત્રના અભ્યાસુ અને આ પ્રવૃત્તિ સામે ભૂતકાળમાં નોંધપાત્ર કાર્યવાહી કરનારા ઉપરાંત આ ક્ષેત્રના કાયદાના તજજ્ઞો સાથે ગુફ્તેગુ કરતાં તેમની સાથેની વાતચીતમાં સર્વાંગી સૂર એવો નીકળ્યો હતો કે, દાણચોરી સામે વિવિધ કાયદા અમલી બનાવાયા છે, જે અતિઆવશ્યક છે, પણ આ કાયદાની ધાર હજુ વધુ ધારદાર બનાવવી જરૂરી છે. પ્રવૃત્તિને રોકવા માટે વિવિધ નવાં તંત્રો અને એજન્સીઓ કાર્યરત કરાઇ છે, પણ વર્તમાન સમયની ટેકનોલોજીનો ઉપયોગ અને પ્રવૃત્તિ સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ અને તેમને ઓથ આપનારાનો ઘોડો જે ઝડપે દોડી રહ્યો છે, તે વિચાર માગી લેનારી બાબત બની રહી છે. લખલૂટ કમાણી, નાપાક એજન્સીઓની ઓથ વગેરે જેવાં પરિબળો પણ આ બેનંબરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં તત્ત્વો માટે પ્રેરક બની રહ્યાં હોવાનો સૂર પણ તેમની સાથેની વાતચીતમાં અનુભવાયો હતો. - સફર વહી, રૂટ બદલ્યા : ફેબ્રુઆરી-1983માં અબડાસાનાં છછી ગામ પાસેથી સાડા ત્રણ કરોડ રૂપિયાની દાણચોરીથી લવાયેલી ચાંદીનો જથ્થો પકડાતાં તે સમયના ભારત દેશના દાણચોરીના એ સૌથી મોટા કિસ્સાએ બતાવ્યું હતું કે કચ્છ દાણચોરી અને દાણચોરો માટે સ્વર્ગ સમાન છે. આ કિસ્સામાં સાડા અગિયાર ટન ચાંદી અખાતી દેશો તરફ મોકલવાની હોવાનું અને કચ્છનો ઉપયોગ વાયા તરીકે થયાનું સપાટીએ આવ્યું હતું, તો 83થી એક વર્ષ પહેલાં અમદાવાદ ખાતે શ્વેતા પાર્ક સોસાયટીમાંથી પાકિસ્તાની દાણચોર ઇબ્રાહીમ ભટ્ટી ઉર્ફે કાદર ભટ્ટીના કબ્જામાંથી દોઢ કરોડનું સોનું મળવાની ઘટના અને તેમાં કચ્છનું જોડાણ કળાતાં દાણચોરીનો સૂર્ય કચ્છને લઇને મધ્યાહને હોવાનું અનુભવાયું હતું. સોનાંવાળા કિસ્સામાં કચ્છમાં માલ લેન્ડિંગ કરાવનારા પણ કસ્ટમ તંત્રનાં માધ્યમથી કાયદાના સકંજામાં આવ્યા હતા, તો આ સોનાં-ચાંદીની હેરાફેરી સમુદ્રી માર્ગે કરાયાનો અને તેમાં કચ્છના રૂટનો ઉપયોગ કરાયો હોવાનો અહેસાસ થયો હતો. આઝાદી પછીના ગાળામાં અત્યાર સુધી દાણચોરી સરવાળે અવિરત જ રહી છે. માત્ર હેરફેર થતી ચીજવસ્તુઓ અને તેના રૂટ બદલાયા છે, જે અત્યાર સુધીના પકડાયેલા કિસ્સાઓ ઉપરથી જણાઇ આવે છે. એક સમયે ઉંટ ઉપર લાદીને સામેપારથી કપડાં, હાથરૂમાલ કે બીડીનાં પત્તાં, ટેપરેકોર્ડર જેવો માલ આવતો રહ્યો હતો. આ પછીના ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવના ફેરને લઇને પહેલાં ચાંદી અને પછી સોનાંની બેનંબરી હેરફેરએ કાઠું કાઢયું હતું. અલબત્ત, બાદમાં સોનાં અને ચાંદીમાં કસ ન રહેતાં શરૂ થયેલો હથિયારોની હેરફેરનો દૌર આજ સુધી અવિરત રહ્યો છે. તેમાંયે વળી હેરોઇન, ચરસ અને અફીણ જેવા કસદાર કેફીદ્રવ્યોના પગપેસારા અને તેના વધેલા વ્યાપે જાણે દાણચોરી અને તેની સાથે સંલગ્ન તત્ત્વો માટે એક નવી દુનિયા સર્જી છે. હથિયારો અને કેફીદ્રવ્યોની આ ગેરકાયદેસરની હેરફેર કમાણીની દૃષ્ટિએ અત્યંત કસદાર હોવાનો અનુભવ હાલમાં જ થોડા સમય પહેલાં કચ્છને સંલગ્ન સમુદ્રમાંથી 500 કરોડનું કેફીદ્રવ્ય પકડાવાના બનાવ ઉપરથી થઇ રહ્યો છે, તો છેલ્લા અમુક સમયથી કચ્છના સમુદ્રી કાંઠાના વિસ્તારમાંથી બિનવારસુ મળી રહેલાં ચરસનાં પડિકાંઓ પણ કેફીદ્રવ્યની હેરફેર કેટલી હદે છે તે બતાવી જનારાં બની રહ્યાં છે. ટૂંકમાં કહી શકાય એમ છે કે, દાણચોરી અવિરત છે, પણ તેમાં માત્ર વસ્તુઓ અને રૂટ બદલાયા છે. એક સમયે ઉંટ ઉપર આવતો માલ આજે હોડકાં, બોટ કે જહાજમાં આવી રહ્યો છે. કચ્છનાં બે મહાબંદર કંડલા અને અદાણી (મુંદરા) બંદરને સંલગ્ન દાણચોરીના કિસ્સા બતાવી જાય છે કે અત્યારના સમયમાં સમુદ્રી રસ્તો જ શ્રેષ્ઠ અને મહત્તમ ઉપયોગવાળો બની રહ્યો છે. બંદરગાહો ઉપરથી સીલબંધ કન્ટેનરમાં ડયુટી ભર્યા વગરનો અને પ્રતિબંધિત માલસામાન મોકલવાનો લાંબા સમયનો અવિરત સિલસિલો પણ આ ક્ષેત્રમાં ઉદાહરણ બની ચુક્યો છે. - અનેક તંત્રો એજન્સી કાર્યરત  : દાણચોરીનો વ્યાપ ક્રમશ: વધવા સાથે અને આ મુદ્દો દેશભર માટે ગંભીર બનતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે આ ક્ષેત્ર માટે અનેક નવા વિભાગો અને એજન્સીઓને કાર્યરત કરાઈ છે. એક જમાનામાં દાણચોરીનાં અનુસંધાને એકમાત્ર કસ્ટમ તંત્ર કાર્યરત હતું. આ પછીના ગાળામાં ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સથી લઇને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી જેવા વિભાગો શરૂ કર્યા છે. સીમા ઉપરની સુરક્ષા વ્યવસ્થા સીમા સુરક્ષા દળને અપાઇ છે તેમ સાગર સુરક્ષા બાબતે સવિશેષ ધ્યાન આપીને મરિન સિક્યુરિટી ફોર્સ અને મરિન કમાન્ડો તથા ભારતીય તટરક્ષક દળને કાર્યરત કરાયાં છે. રાષ્ટ્ર સ્તરની એજન્સી એન.આઇ.એ.નું ગઠન 2008ના હુમલા બાદ કરાયું હતું, તો આ ક્ષેત્ર સાથે ત્રાસવાદી કડીઓનો નાતો પણ સપાટીએ આવ્યા બાદ દરેક રાજ્યમાં ત્રાસવાદ વિરોધી દળની રચના પણ કરવામાં આવી છે. એક જમાનામાં દાણચોરી દેશદ્રોહ સુધી પહોંચવાની આશંકા સેવાતી હતી, તે પણ આ સમયગાળા દરમ્યાન હકીકત બનીને સામે આવી છે. - નોંધપાત્ર કામ કરનારા અનેક : દાણચોરી અને તેને સંલગ્ન જાસૂસી અને દેશદ્રોહ સુધીની હદ સુધીનાં કારનામાઓ સામે કેન્દ્ર અને રાજ્યની અન્ય એજન્સીઓ તથા તંત્રો સાથે કચ્છમાં પોલીસે પણ મહત્ત્વની કાર્યવાહી કરી છે. હાલે ડી.જી. કક્ષાએ ફરજ બજાવતા અનિલ પ્રથમ જ્યારે ભુજ વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક હતા ત્યારે તેમનાં નેતૃત્વ તળે ફુલરા નજીક દાણચોરીથી લવાયેલાં કપડાં સાથે પકડાયેલા ઇસમ સાથે જોડાણ ધરાવતું જાસૂસી પ્રકરણ બહાર આવ્યું હતું, તો હાજીપીર ખાતેથી એ.કે.56 રાયફલ સાથે પકડાયેલા લશ્કરે તોયબાના તાલીમબદ્ધ ત્રાસવાદી મુઝમ્મીલની મહિનાઓની પૂછતાછ બાદ તેણે દરિયા સરહદે અટપટી ક્રીક વચ્ચે છુપાવી રાખેલો હથિયારો સહિતનો જથ્થો હાલે ડી.જી. સ્તરે ફરજ બજાવતા કચ્છના તત્કાલીન પોલીસ અધીક્ષક એ.કે. સિંગની રાહબરીમાં તે સમયના સબ ઇન્સ્પેક્ટર અને હાલે નિવૃત્ત ડી.વાય.એસ.પી. એવા દિલીપ આર. અગ્રાવત સહિતની ટુકડીએ પકડયો તે કચ્છના મોટા કિસ્સા પૈકીનો બની રહ્યો છે. શેખરાન પીર વિસ્તારમાંથી છ કરોડની ચાંદી પકડાવાનો હાલે નિવૃત્ત એવા તત્કાલીન એસ.પી. કુલદીપ શર્માનો કિસ્સો પણ દાણચોરી ક્ષેત્રમાં દેશભરમાં જાણીતો થયો હતો. જે તે સમયે હાલે અમદાવાદ પોલીસ કમિશનર એવા સંજય શ્રીવાસ્તવના એસ.પી. તરીકેના કચ્છના સમય દરમ્યાન પણ કરોડોની ચાંદી પકડાઇ હતી, તો આ ક્ષેત્રમાં ઇન્સ્પેક્ટર હિંમત મિસ્ત્રી અને કે.જે. કાંટાવાલા દ્વારા કરાયેલી કાર્યવાહી પણ લોકોનાં માનસ ઉપર અંકિત થયેલી છે.બીજીબાજુ પોલીસ ઉપરાંત જે તે સમયે કસ્ટમ તંત્રના ઇન્સ્પેક્ટરથી અધીક્ષક અને કમિશનર કક્ષાના અમલદારોની કાર્યવાહી પણ લોકો આજે યાદ કરે છે. કસ્ટમ અધિકારીઓ શ્રી અરોરા, શ્રી મીના, શ્રી સિંગ વગેરેની ભૂમિકા અનેક ઓપરેશનમાં નોંધપાત્ર રહી ચૂકી છે, તો દાણચોરી અને દેશદ્રોહ સહિતની આવી દેશવિરોધી પ્રવૃત્તિ બદલ પકડાયેલા આરોપીઓ સામેના કેસોમાં ખાસ નિયુક્ત ધારાશાત્રી ભુજના રત્નાકરભાઇ જાદવરાય ધોળકિયાની કામગીરી કચ્છને રાજ્ય કે રાષ્ટ્ર સ્તરે નામના અપાવી ચૂકી છે. હાલે કેન્દ્ર અને રાજ્યની વિવિધ સુરક્ષા એજન્સીઓ માટે શ્રી ધોળકિયા પાસે જ વકીલ તરીકે કારકિર્દી શરૂ કરનારા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એવા ભુજના કલ્પેશ ચમનલાલ ગોસ્વામી સંભાળી રહ્યા છે. તેમણે અનેક કેસમાં ઉલ્લેખનીય કાર્યવાહી કરી છે.  - કાયદાની ધાર વધુ ધારદાર જરૂરી : પોલીસ, સુરક્ષાને સંલગ્ન અન્ય એજન્સીઓ અને તંત્રો તથા કાયદાના નિષ્ણાતો સાથે વાતચીત કરતાં દાણચોરીના કાયદાને હજુ વધુ ધારદાર બનાવવાનો મત સાંભળવા મળ્યો હતો. કચ્છમાં એવા અનેક કેસ બની ચુક્યા છે, જેમાં મહેનત બાદ મેળવાયેલી સફળતા ઉપર પાણી ફેરવી દેવા સાથે જવાબદારો કાયદાની ચુંગાલમાંથી સરકી ગયા છે, તો આ પ્રકારના કેસો લાંબા સમય સુધી ટોપ ટુ બોટમ અદાલતોમાં ચાલતા હોવાથી સરેરાશ અત્યાર સુધી સજાના કિસ્સા પણ જૂજ જોવા મળ્યા છે, તો જિલ્લા અદાલતે સજા કરી હોય તેવાઓને ઉપરની કોર્ટોમાં મુક્તિ મળ્યાના દાખલા પણ જોવા મળ્યા છે. ગુજસીકોટ, લેન્ડ ગ્રેબિંગ અને લવજેહાદ જેવા કાયદાઓની સાથેસાથે આ ક્ષેત્રમાં પણ હજુ વધુ ધાકરૂપ અને ડર સર્જે તેવી કાયદાકીય જોગવાઇઓ આવશ્યક  હોવાની લાગણી પણ આ અનુભવીઓ અને તજજ્ઞોએ વ્યક્ત કરી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer