`કચ્છ'' એટલે સાહસ-સંઘર્ષનો પર્યાયવાચી શબ્દ

નવીન જોશી- `સંઘર્ષ' શબ્દ સાવ જ નાનો છે, પણ એના હોવાપણામાં હજારોહજાર હાથીઓનું બળ સમાયેલું છે. સામાન્ય રીતે જીવમાત્ર ક્ષણેક્ષણે એક સંઘર્ષ સાથે જ જીવે છે, પણ મનુષ્ય છે કે, સંઘર્ષને સ્વીકારતો નથી અને નકારતો પણ નથી. જન્મનાં પ્રથમ રુદનની રાડ સાથે જ આપણો સંઘર્ષ શરૂ થઈ જાય છે. વ્યક્તિ-વ્યક્તિએ સંઘર્ષ સાપેક્ષ છે, પણ છે એ સનાતન સત્ય છે. સંઘર્ષ વિનાની વ્યક્તિ શોધવી મુશ્કેલ છે. એક એક પલથી માંડીને આજીવન સુધીના સંઘર્ષની યાદી બહુ મોટી છે. કોરોનાકાળમાં હજારો લોકોમાં ઓક્સિજનની ઊણપ વર્તાઈ  અને એમણે એક એક ક્ષણ માટે સંઘર્ષ કર્યો. જેમણે વધુ સંઘર્ષ કર્યો એ હયાત છે અને જેમની ક્ષમતા નહોતી એ હવે સ્મૃતિશેષ છે. ટૂંકમાં એ સેકન્ડના 100મા ભાગનો સંઘર્ષ હતો, તો વળી જન્મથી મૃત્યુ સુધીની મનુષ્યની સફરમાં કોઈ અન્ય સાથ આપે કે ન આપે, પણ આ સંઘર્ષ કદી કેડો મૂકતો નથી. અગાઉ કહ્યું એમ એ સાપેક્ષ હોવાથી એનાં સ્વરૂપ બદલાતાં હશે, પણ એનાં અસ્તિત્વનો ઈન્કાર કોઈનાથી પણ થઈ શકે નહીં. કચ્છ માટે તો આ સંઘર્ષ પર્યાય બની જાય એમ છે. આપણો મુલક વિશ્વમાં સંઘર્ષ મુદે્ છાતી ઠોકીને ઊભો રહી શકે એટએટલા સંઘર્ષ આપણે અર્થાત કચ્છએ કર્યા છે. આદિકાળથી સંઘર્ષરત રહેલો કચ્છી આજે એ સંઘર્ષ કરતો કરતો દેશ-દુનિયામાં પથરાઈ ગયો છે. દરિયા માર્ગે જ્યારે કોઈ સગવડો નહોતી ત્યારે કોલંબસને રાહ ચીંધનારા કચ્છી માલમનો સંઘર્ષ જુઓ. દેશને આઝાદી મળે તે માટે લંડનમાં ઈંગ્લેન્ડની છાતી પર બેસીને `ઈન્ડિયા હાઉસ' સર્જી ક્રાંતિકારીઓને ફન્ડિંગ કરતા ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્માનો સંઘર્ષ જુઓ. દક્ષિણમાં ટીપુ સુલતાનને અશ્વોની વણજાર વેચનારા શાહ એવા સુંદરજી સોદાગરનો ધંધાકીય સંઘર્ષ જુઓ કે પછી ખીમજી રામદાસ એન્ડ કું. નામે અખાતમાં સન્માન અપાવનારા માંડવીવાસીઓનો સંઘર્ષ જુઓ.. કચ્છ એટલે સંઘર્ષ... કચ્છીને સંઘર્ષ પસંદ છે એમ તો ન કહી શકાય, પણ સંઘર્ષમાં કચ્છી ખીલે છે, મહોરે છે અને વધુ ને વધુ મહેનત કરીને એ સંઘર્ષ પાર પડે છે, પછી દુષ્કાળ હોય, વાવાઝોડાં હોય, ભૂકંપ હોય, માનવસર્જિત યુદ્ધ હોય, મહામારી હોય, ગમે તે હોય, પણ આવા કપરા અને કટોકટીના કાળમાં ગમે તેવો નબળો, નમાલો, નાહિંમત, કમજોર કચ્છી પણ અંગદની જેમ પગ ખોડીને ઊભો રહી જાય છે અને ઝંઝાવાતમાંથી પાર પડે છે, જે મુલકના છોરુડાઓએ ઘૂઘવતા સાતે સાત સમુદ્ર પર પોતાની જ બનાવેલી `ધંગી' કે વહાણ વાટે સફર કરી હોય અને દરિયાદેવનાં તોફાની મોજાંઓને ભરી પીધાં હોય એ અન્ય કોઈ પણ સંઘર્ષથી ડરે, પીછેહઠ કરે એ વાતમાં માલ નથી. સાહિત્યમાં કહેવાય છે કે, `ઈતિહાસમાંથી શું શીખ્યા...' કચ્છ માટે આંખ બંધ કરીને કહી શકાય કે સંઘર્ષના તમામ પાઠ કચ્છીઓ ઈતિહાસમાંથી શીખીને આગળ વધ્યા છે... ટાઈટેનિક પહેલાં પણ આ મુલકમાં `હાજી કાસમ તારી વીજળી મધદરિયે વેરાન થઈ...' એ ગીત ગવાતું હતું, પણ સાંભળીને કોઈ ખારવાને એમ નહોતું થયું કે દરિયો ખેડવા ન જાઉં. બસ આ જ છે કચ્છ અને આ જ છે એની ખુમારી... કુદરતની પ્રયોગશાળા કચ્છ હોવાથી આ ધરતી કચ્છીમાડુને ઝંપવા દે એ વાતમાં પણ માલ નથી. અહીં જે આવે કે પસાર થાય એ આખેઆખાં કચ્છ પર હાવી થવાનો પૂરેપૂરો પ્રયાસ કરે અને મુલકની મજા જુઓ કે સત્તા-તાકાત-શક્તિના સહારે આવનારા એ બારાતુને એ સંઘર્ષ કરીને પોતાનો કરી લે છે. બારાતુ-પરપ્રાંતીય-વિદેશી સ્વીકારે કે ન સ્વીકારે, પણ કચ્છ તો એનામય થઈ જઈને એને સ્વીકારી લે છે, પછી ભલેને આવનાર કોઈ હેતુ સાથે આવેલો હોય, કોઈ સ્વાર્થ સાથે કે કોઈ નીતિ સાથે આવ્યો હોય, કચ્છ પરવા કરતું નથી... જેમ્સ મેકમર્ડોથી માંડીને કુલદીપ-પ્રદીપ શર્મા સુધીનાનો ઈતિહાસ છે. કચ્છએ જેની સામે સંઘર્ષ કર્યો, એને સ્વીકાર્યો અને સ્વીકાર પણ કેવો કર્યો...? આતતાયીના ત્રાસમાંથી કચ્છને બચાવવાનું કામ કર્યું હતું યક્ષદેવોએ... આજે જુઓ, નાના-મોટા યક્ષ ઉપરાંત ફળિયા-મહોલ્લામાં પોતપોતાના `યક્ષદેવ' છે. આ સ્વીકાર અને સમર્પણ છે. કચ્છને પસંદ કરીને કુદરત અવનવા પ્રયોગ કરે છે. તા. 16મી જૂન 1819 અને બુધવારની સાંજે પોણા સાતેક વાગ્યે ભીષણ ભૂકંપથી કચ્છ તહસનહસ થયું. લખપતથી ખાવડાની વચ્ચે ધરા ધ્રૂજી, એટલું ઓછું હોય તેમ 17મી જૂન 1819ના લગાતાર બીજા દિવસે આફ્ટરશોક આવ્યો, જે ભૂકંપ કરતાં પણ વધુ વિનાશકારી હતો. ભુજમાં 700થી વધુ મકાનો પડયાં અને 1140 જણ મોતને ભેટયા, પણ અંજાર તો હતું ન હતું થઈ ગયું, પણ અંજારવાસીઓ હાર ન માન્યા, સંઘર્ષ કર્યો અને ફરી બેઠા થયા. ભૂકંપ બંધ નહોતા થયા હો...1819 બાદ 1844-45માં લખપતથી ખાવડા સુધી કચ્છ મેઈન લેન ફોલ્ટનો ભૂકંપ જીવંત જ રહ્યો, આ ભૂકંપની અસરથી ગેડી પાદર થયું, પણ ગેડીએ હાર્યું નથી અને આજેય છે. ખરેખરું ઊભું છે, સહેજ ખસીને... 1875ના પણ ભૂકંપ થયો અને 12મી જુલાઈ 1907 તથા 13મી જુલાઈ 1907ના બે અત્યંત શક્તિશાળી ધરતીકંપ થયા. અબડાસા-લખપતથી માંડીને રાપર-ભચાઉ સહિત બધે જ નુકસાન થયું, પણ `િહંમતે મર્દા તો મદદે ખુદા' થાકી હારીને ભાગવાને બદલે કચ્છીએ સંઘર્ષ કર્યો, એ આજીવિકા માટે આફ્રિકા-ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા-અખાતનાં રાષ્ટ્રોમાં ભાગ્યો, પણ કમાઈને પરત આવીને ધરતીનું ઋણ ચૂકવ્યું. ધર્મશાળા, પ્રવેશદ્વાર, અવાડા, શાળા-મહાશાળા, મંદિર-મસ્જિદ-જિનાલય એનાં જ તો પરિણામ છે. ધરતીકંપ અને કચ્છના સંઘર્ષનો ઈતિહાસ ખૂબ લાંબો થાય એમ છે, પણ માત્ર મોટા ભૂકંપને ધ્યાનમાં રાખીને સંઘર્ષરત કચ્છની વાત કરીએ તો 1819 પછી 1956માં 21મી જુલાઈ અષાઢ સુદ-14 અને શનિવારે રાત્રે 9.01 કલાકે આવેલા ભૂકંપે 51 સેકન્ડ સુધી કચ્છની પરીક્ષા લીધી. અંજારમાં તારાજી-મોત વધુ હતાં, પણ `અંજાર ગામ અને અજેપાળ ધણી, વસતી ભલે ત્યારે થોડી, પણ હિંમત ઘણી...' સંઘર્ષ જારી રહ્યો અને અંજાર અડીખમ... 2001ના ભૂકંપે પણ જફા પહોંચાડી, પણ હરાવી નથી શક્યો... અંજારનો સંઘર્ષ આજેય અવિરત જારી જ છે...`કચ્છમિત્ર'એ ઐતિહાસિક 75મા વર્ષમાં ડગ માંડયા એ નિમિત્તે બહાર પડેલી વિશેષ પૂર્તિમાં આપણે કચ્છના સંઘર્ષ પર વાત કરીએ છીએ. આ સંઘર્ષ પણ  એક સાહસ હતું. જીવન જીવવાનું સાહસ, બેઠા થવાનું સાહસ. સંઘર્ષના ઇતિહાસમાં જો કોઇએ સૌથી વધુ સંઘર્ષ કચ્છમાં કર્યો તો 2001ના ધરતીકંપ પછી આખેઆખાં કચ્છએ... કચ્છવાસીઓએ... પણ આ એ મુલક છે કે, જેના ભૂકંપ અસરગ્રસ્તોએ છાતી નથી પીટી, નથી દુ:ખડાં રોયાં... `પીપર તા પ્યો અને સા નીકરી વ્યો...' આટલું જ કહીને એક જીવનથી મરણ સુધીની યાત્રા વર્ણવી દેનારા આપણે જે કર્યું એ અદ્વિતીય છે, પણ કોઇ નોંધ?જ નથી લેવાતી. જરા વિચારો... કચ્છનું બેનમૂન પુનર્વસન થયું, એવોર્ડ મળ્યો સરકારને, પણ પગ ઘસી ઘસીને સંઘર્ષ કરતો કચ્છી તો એની એ જ સ્થિતિએ છે. ભૂકંપ બાદના કચ્છીઓના સંઘર્ષ પર જૂજ વાર્તાઓ લખાઇ. ફિલ્મ તો કોઇએ બનાવી જ નથી, પણ વિષયાંતર કર્યા વગર કહેવું છે કે, સંઘર્ષ અને કચ્છ કે ભૂકંપથી આજ દિન સુધીના સંઘર્ષમાં કચ્છી કહો તો તમને જોવા મળશે અથાગ મહેનત, અપાર મનોમંથન છતાં હાસ્યસભર આનંદ. આજ તો છે કચ્છ ભાઇ...આ ખારાપાટમાં માનવીય મીઠપ છે, પણ નેતાગીરીની મીઠપ ઓછી છે અને તેનું કારણ?આ જિલ્લાનો વ્યાપ છે. એક સ્વતંત્ર દેશ જેટલું ક્ષેત્રફળ માત્ર આપણો જિલ્લો ધરાવે છે. ખૂણેખૂણે આગવી સંસ્કૃતિનો ઉછેર થયો છે અને બધી નદીઓ સમુદ્રને મળે તેમ બધી જ સંસ્કૃતિઓ કચ્છમાં ઓગળી ગઇ?છે. જ્ઞાતિ, ક્ષેત્ર, પરિવેશ, પહેરવેશ, ભોજન, રીત-રિવાજ જુદા છતાં કચ્છ એક છે, પણ એ એકતાનું શ્રેય જમાદાર ફતેહમહમદ નોતિયાર કે મેઘજી શેઠ પછી કોને આપવું ? નેતાગીરીનો રકાસ પણ કચ્છની પીડાનું એક કારણ છે. તમે વિચારો 2001ના ભૂકંપ વખતે જે પેકેજ અને પુનર્વસન નીતિ ઘડવામાં આવી, પુન:સ્થાપન માટે જે આયોજન ઘડાયું એ અમલ કેટલા ઓછા અંશે થયું... સંઘર્ષ બાદ પણ આપણે ઘણું ગુમાવ્યું. નગર નિયોજન - વોર્ડવાર ટાઉન પ્લાનિંગનો વિરોધ થયો એ પહેલાં જે રાહત સામગ્રી આવી તેનું વિતરણ પણ યોગ્ય રીતે ન થયું. કારણ કે સર્વસંમત નેતાગીરી એ કચ્છની કચાશ છે. `િશયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી'વાળો તાલ હોવાથી ભોગવવાનું આખા મુલકના માથે આવે છે. ભૂકંપ બાદની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બેઠકો ગુમાવવી પડી, તેનું કારણ પણ પ્રજારોષ જ હતો. ભુજ વિમાની મથકને એક નામ અપાવવા એક થઈ ગયેલા નેતાઓ જ્યારે નાગરિક હુરે ને હડહડ થતો હતો ત્યારે મદદમાં ન આવ્યા... વ્યક્તિગત રીતે મૃત્યુ સહાય, અપંગ સહાય, રાહત સામગ્રી, કેશડોલ્સ, મકાન પ્લોટ, બાંધકામ મંજૂરી, બેઝમેન્ટ ચાર્જ, ડેવલોપમેન્ટ ચાર્જ, કમ્પ્લિશન સર્ટિફિકેટ... બાંધકામના નિયમો, કેટકેટલાં કષ્ટો ઝિલ્યાં નાગરિકોએ. કોઈ નગરસેવકથી માંડીને જિલ્લા-તાલુકા પંચાયતનો સભ્ય, ધારાસભ્ય કે સાંસદ (ત્યારે તો બબ્બે સાંસદ હતા છતાં) મતદારના ભાગે તો કચેરીઓના ધક્કા, અધિકારીઓની વઢ અને ભ્રષ્ટાચારનો જ સામનો કરવો પડયો, તેથી જ તો ચાર બેઠક હારી ગયું ભાજપ. ભૂકંપ 2001ને જ કેન્દ્રમાં રાખીને કચ્છના સંઘર્ષની વાત કરીએ તો જુઓ, તમામ વહીવટ ગાંધીનગર સ્થિત ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની કચેરી અને મુખ્યમંત્રી -?ઉદ્યોગમંત્રીનાં કાર્યાલયેથી થતો હતો અને અમલવારી 350થી પ00?કિ.મી. દૂર કચ્છમાં થતી હતી... જગદિશન જેવા અધિકારીએ કરેલો વ્યાયામ ભાંગીને ભુક્કો કરનારા કોણ હતા એ કચ્છ જાણે છે, તો કાટમાળના નામે કરાયેલાં શરમજનક કૌભાંડમાં પણ ભોગવ્યું કચ્છએ... અનેકના હપ્તા -?સહાય ટલ્લે ચડાવી દેવાઈ એ લટકામાં... કારણ વગર કચ્છ ગમે તે સજા ભોગવી લે છે એ એની લાચારી ગણવી, મૂર્ખાઇ ગણવી, નમાલાપણાનું પ્રદર્શન ગણવું  કે  મોટાઇ ? - કુન્દનલાલ ધોળકિયાના અનશન : ભૂકંપ બાદ સૌથી મોટી સંઘર્ષમય ઘટના ઘટી હોય તો તે આ ભૂકંપગ્રસ્ત ભુજ શહેરનાં આડેધડ ટાઉન પ્લાનિંગના પ્રશ્ને ભુજ બાર એસોસિએશનના નેજા હેઠળ ચાલતી બિનરાજકીય લડતનાં સમર્થનમાં જિલ્લાના બુઝુર્ગ રાજકારણી કુન્દનલાલભાઈ ધોળકિયાએ આદરેલા આમરણ ઉપવાસ. ચુસ્ત ગાંધીવાદી અને મુલ્યનિષ્ઠ એવા આ રાજ્ય વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નાદુરસ્ત તબિયત અને મોટી વય છતાં લાલટેકરી સ્થિત બ્લડ બેંક ખાતે સ્વયંભૂ જોડાયા અને તેમની સાથે સિનિયર સિટીઝન, ભુજ ગ્રેઈન એન્ડ સીડ્સ વેપારી મંડળ તથા કોંગ્રેસના આગેવાનો પણ આવ્યા. જોકે ઉપવાસ ગાંધીવાદી નેતા એવા શ્રી ધોળકિયાએ જ આદર્યા. 31મી ડિસેમ્બર 2003ના આ લડત શરૂ થઈ અને જોતજોતામાં 65 સંસ્થા સમર્થનમાં આવી. આ બિનરાજકીય લડત હતી, પણ રાપરના કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ મેઘજી શાહ અને ભુજના કોંગ્રેસી ધારાસભ્ય શિવજીભાઈ આહીર, માંડવીના કોંગ્રેસના ધારાસભ્ય છબીલભાઈ પટેલ સહિતનાએ ટેકો જાહેર કરતાં ભાજપ સામે કોંગ્રસની લડત હોય તેવો માહોલ સર્જાયો હતો, પણ ઉપવાસી એવા વયોવૃદ્ધ નેતા અને એમના જૂના સાથીઓ મૃદુલભાઈ ધોળકિયા, વકીલ વાલજીભાઈ ઠક્કર, બાબુભાઈ સોલંકી, ચંદ્રકાન્ત પંડયા, સ્વાતંત્ર્યતા સેનાની વલ્લભજી વાઘેલા ઉપરાંત વિવિધ જ્ઞાતિઓના આગેવાનો જોડાયા અને રાજવી પરિવારના હિંમતસિંહજી પણ ઉપવાસી છાવણીએ પહોંચતાં લોકલડતનાં મંડાણ થયાં હતાં. વય અને તબિયતની દૃષ્ટિએ વધુ ઉપવાસ ન થાય એ માટે પ્રથમ પ્રયાસ કચ્છ ભાજપે અપીલ દ્વારા કર્યો. રાજ્યના આરોગ્ય સચિવ એસ. કે. નંદા તથા જિલ્લા કલેક્ટર આર. પી. ગુપ્તા પણ ઉપવાસ છાવણીએ પહોંચ્યા. ટાઉન પ્લાનિંગમાં આડેધડપણું અટકાવવા ખુદ શહેરી વિકાસ મંત્રી આઇ. કે. જાડેજા ભુજ આવે તેવી અડગ જીદ સાથેની આ લડતે એવો તે વેગ પકડયો કે સાતમે દિવસે શહેરી વિકાસ મંત્રી વતી આ આરોગ્ય સચિવ આવ્યા પણ વડીલ ટસના મસ ન થતાં નવમા દિવસે રાત્રે લગભગ બાર વાગ્યે શહેરી વિકાસ મંત્રી આઇ. કે. જાડેજા ભુજ આવ્યા અને ઉપવાસી છાવણીએ જઇ વિવિધ?પાંચ મુદ્દાઓ ઉકેલવાની ખાતરી આપતાં કુન્દનભાઇ ધોળકિયાએ ભુજ અને ભુજવાસીઓ માટે કરેલા ઉપવાસનાં પારણાં મંત્રી શ્રી જાડેજાના હાથે જ કર્યાં... શહેરી વિકાસ મંત્રી આઇ. કે. જાડેજાને ભુજની 32 ઝૂંપડપટ્ટીના રહેવાસીઓનાં આંદોલન વખતે પણ ભુજ દોડી આવવું પડયું હતું, ત્યારે ભુજના ધારાસભ્ય મુકેશભાઇ ઝવેરીએ શ્રી જાડેજાને છાવણી વચ્ચે અન્યાય કયા મુદ્દે છે તેની વિગતો આપી હતી.- અંજારની લડત : ભુજની આ લડત પહેલાં એપ્રિલ-2001માં અંજારે સંઘર્ષનો માર્ગ લીધો હતો. ભૂકંપના બે મહિના બાદ પણ પુનર્વસન પેકેજ ન આવતાં અંજારમાં બૌદ્ધિકોએ સંગઠન રચ્યું, જેને ગ્રુપ-2001 નામ અપાયું. 30મી માર્ચ 2001ના અંજાર બંધ?અને દિલ્હી-ગાંધીનગર સમક્ષ આવેદનપત્રોનો મારો ચલાવી, અંજારમાં આંદોલન છાવણી નખાઇ, જેનું દીપ પ્રાગટય પીઢ?પત્રકાર શામજીભાઇ જોબનપુત્રાએ કર્યું. ભુજમાં વેપારી અગ્રણી અરવિંદ હિરજી ઠક્કરે અમીરઅલી લોઢિયા સાથે દોર સંભાળ્યો હતો. અંજારનો સરકાર સામેનો સંઘર્ષ લાંબો ચાલ્યો અને અંતે કચ્છથી ગાંધીનગર કૂચ લઇ જઇને પેકેજ સાથે જ પરત ફરવાના નિર્ધાર સાથે  પગપાળા કૂચ અગન વરસાવતા તાપ વચ્ચે છઠ્ઠી એપ્રિલના `ભારત માતા કી જય'ના નારા સાથે શરૂ?થઇ. અહીં આરંભે જ પીઢ નેતા કુન્દનલાલ ધોળકિયાએ પેકેજ વિના પરત ન આવવા હાકલ કરી અને ઐતિહાસિક કૂચનાં મંડાણ થયાં. આ કૂચ સરખેજ પહોંચી 13 એપ્રિલ 2001ના અને સરકાર સાથે નવાં સ્થળે પુનર્વસન સહિતની માંગોએ સમાધાન થયું. અંજારની આ લડત અને ગ્રુપ 2001ને ડો. શ્યામસુંદર, માવજીભાઈ સોરઠિયા, જયશીલ સીતાપરા, ચિન્મય બેનર્જી, પ્રકાશ મનશાવાલા અને સુનીલ જોબનપુત્રાએ નેતૃત્વ પૂરું પાડયું. મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે સંઘર્ષ નહીં, સહકારનું વાતાવરણ ઊભું કરવા હાકલ કરી `કચ્છ સત્યાગ્રહ' વખતના દિવસો યાદ કર્યા ત્યારે સમાધાન થયું. સરકાર વતી સુરેશચંદ્ર મહેતા, વજુભાઈ વાળા, હરેન પંડયા અને નીતિનભાઈ પટેલે વાટાઘાટનો દોર સંભાળ્યો હતો. આ કૂચમાં 700 ભૂકંપગ્રસ્ત જોડાયા હતા. લોહીથી લખેલા પત્રોએ ભારે ચર્ચા જગાવી હતી. - આસંબિયામાં રસ્તા રોકો : ભૂકંપ 2001નો કચ્છનો સમય ખૂબ જ સંઘર્ષમય રહ્યો, નાનાં એવાં મોટા આસંબિયા ગામે 24મી ફેબ્રુ. 2001ના સહાય ન મળતી હોવાના મુદ્દે રસ્તા રોકો આંદોલન ચલાવી ભુજ-માંડવી વચ્ચે ટ્રાફિક કલાકો સુધી ખોરવ્યો હતો. એક તબક્કે માજી સરપંચ બાબુભાઈ કેશવજી ગાલા અને મુંબઈ સ્થિત કચ્છી ભવાનજી ઠાકરશી ગાલાએ કચ્છને ગુજરાતથી જ અલગ કરવાની માંગ ઉઠાવી અન્યાયની પરંપરા સામે અવાજ ઉઠાવ્યો હતો. અંજાર તાલુકામાં એક વર્ષ બાદ પણ મકાન સહાય ન મળતાં 20 ગામના લોકોએ `લોક અધિકાર મંચ' રચીને તા.પં. સામે ભૂખ હડતાળ આદરી હતી. આ મંચે મે-2004ના ભુજમાં પણ ધરણા કર્યાં હતાં.ભૂકંપથી વધુ ભંગાયેલાં ભચાઉના સંઘર્ષનો પણ પાર નહોતો. જાન્યુઆરી 2002માં ભૂકંપગ્રસ્ત આંદોલનકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને 27 જણને ઈજા પહોંચતાં કુન્દનભાઈ ધોળકિયા તથા અન્યોએ માનવ અધિકાર પંચ સમક્ષ પોલીસ અત્યાચારનો મુદ્દો પહોંચાડયો હતો.- ઇજનેરોનું અસરકારક આંદોલન : ભૂકંપગ્રસ્ત ચારે ચાર શહેરમાં અરાજકતા પ્રવર્તી રહી હતી. તે સમયગાળામાં ગાંધીનગરથી લેવાતા નિર્ણયો સ્થાનિકે ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરતા હતા. ચારેય સત્તા મંડળોમાં ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન નામે જે નિયમો લદાયા, તેના વિરોધમાં કચ્છભરના ઈજનેરોએ અસહકાર આંદોલન ચલાવ્યું હતું. ભુજમાં ઝૂંપડપટ્ટી એસો. દ્વારા પણ દેખાવ-ધરણા વખતોવખત થયાં હતાં, તો ગામડાંઓ દત્તક દેવાની શરૂઆત થઈ ત્યારે પણ જ્ઞાતિગત કારણોસર અનેક ગામડાંઓએ સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હતો. ભુજમાં કચ્છ જિલ્લા જનસેવા સંઘ, જિલ્લા ગોપાલ સેના અને ગણેશનગર ઝૂંપડપટ્ટી વિકાસ મંડળે બે માળથી ઉપરનાં મકાનોના ફ્લેટધારકોને જમીન આપવાની માંગ સાથે રેલી કાઢી દેખાવ કર્યા હતા. ગાંધીધામ ચેમ્બરે પણ વેપારીઓનાં પેકેજ મુદ્દે એપ્રિલ-2001માં લડતનું આહ્વાન આપ્યું હતું. ભૂકંપ બાદના એકદમ શૂન્યાવકાશવાળા  કાળમાં ભૂકંપ બાદ જે સહાયનું ચૂકવણું થતું હતું એ મુદ્દે અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે જિલ્લા મથક ભુજમાં 32 જેટલી અલગ અલગ ઝૂંપડપટ્ટીઓના નાગરિકોએ `એક્શન કમિટી ઓફ ઝૂંપડપટ્ટી રચી આંદોલન આદર્યું હતું. આ માટે કલેક્ટર કચેરી નજીક શમિયાણો બંધાયો હતો અને રહેવાસીઓ સહપરિવાર ઊતરી પડતાં ભારે ધાંધલ સર્જાઇ હતી. - ઝૂંપડપટ્ટી આંદોલન : આ 32 ઝૂંપડપટ્ટીના રહેવસીઓનું લડતનું નેતૃત્વ અબડાસા ધારાસભ્ય અને વિધાનસભા વિરોધપક્ષના ઉપદંડક ઇબ્રાહીમ મંધરાએ લીધું હતું. તેમની સાથે કમિટીના કન્વીનર કાસમ સમા, નગરસેવક ઉમિયાશંકર ગોર, ફકીરમામદ કુંભાર, એક્શન કમિટીના પ્રમુખ પી. એ. પંડયા, મંગલ રબારી એમ કોંગ્રેસ-ભાજપના નગરસેવકો જોડાયા હતા. આ છાવણી પર વિદેશથી ઝૂંપડપટ્ટી માટે ખાસ સામગ્રી લઇને ઊતરેલા 254 વિમાનોનો માલ ક્યાં ગયો એ પ્રશ્નએ ભારે વિવાદ અને ડખો સર્જ્યો હતો. આ લડતમાં હારુન ગગડા, ઇસ્માઇલ નોડે, હુશેન વર્યા, જાદવજી સથવારા, ધનંજયગિરિ બાપુ, પચાણ વીરા સંજોટ, શામજી રાઠોડ, મુરા મગા સહિતનાએ આક્રોશ ઠાલવ્યો હતો. સમાજના તળના લોકોનું આ આંદોલન 10મી ડિસેમ્બર 2001ના કલેક્ટર શ્રી છિબ્બરને આવેદનત્ર આપી વધુ જલદ થવાની ચીમકી સાથે આગળ વધ્યું હતું. 13મી ડિસેમ્બરે શહેરી વિકાસ મંત્રી આઇ.કે. જાડેજા ભુજ દોડી આવ્યા અને સ્થાનિક ધારાસભ્ય મુકેશભાઇ ઝવેરીએ તેમને પ્રશ્નથી વાકેફ કરતાં છાવણીમાં જઇને મંત્રી શ્રી જાડેજાએ ઉપવાસી પી. એ. પંડયા સહિતનાને સમાધાન સામે સમજાવટ કરી પારણાં કરાવ્યાં હતાં.- ભુજ જથ્થાબંધ બજાર : ભુજ જથ્થાબંધ બજારને જમીન આપવાના રાજ્યવ્યાપી ચર્ચિત પ્રકરણમાં અગ્રણી વેપારીઓ અરવિંદ હીરજી ઠક્કર, શંભુ રતનશી પોપટ સહિત 13 વેપારીઓની ધરપકડના વિરોધમાં જથ્થાબંધ બજાર સમિતિએ જુલાઇ-2010ના આરંભે જ લડતનું એલાન આપ્યું અને લાગલગાટ 18 દિવસ સુધી બજાર બંધ રાખી આંદોલન શરૂ કર્યું હતું. કચ્છ બંધ સહિતનાં એલાન અપાયાં હતાં. ભુજમાં જથ્થાબંધ બજાર બંધ હોય તો સ્વાભાવિક છે કે આખા કચ્છના ધંધા-રોજગાર પર અસર પડે. કચ્છ ભાજપનું એક જૂથ આ હડતાળ સમેટાય એમાં રસ લઇ રહ્યું હતું, તો એક જૂથને હડતાળ ચાલુ રખાવવામાં રસ હતો, પણ સંઘર્ષમાં હતા વેપારીઓ અને કચ્છના ગ્રાહકો... લાગલગાટ 18 દિવસ?જથ્થાબંધ બજાર બંધ રખાઇ, ધરણા માટે `શ્રી ચાવી મંદિર' બનાવાયું હતું. 18 દિવસ લડત બાદ પકડાયેલા વેપારીઓને તાકીદે જામીનની ખાતરી અપાતાં હડતાળનો અંત આવ્યો હતો. દામોદરભાઇ કરવા, મેહુલ ઠક્કર, કાંતિભાઇ ગણાત્રા, હિતેશ માહેશ્વરી, કાંતિલાલ સોમૈયાએ ચર્ચા કરી હતી. ભાજપ વતી જિલ્લા અધ્યક્ષ જયંતીભાઇ ભાનુશાલી, અનંતભાઇ દવે, પુષ્પદાન ગઢવી, તારાચંદ છેડા, મુકેશ ઝવેરી, ડો. નીમાબેન આચાર્ય સહિતના સક્રિય રહ્યા હતા. આ આંદોલન દરમ્યાન શિસ્તભંગના આક્ષેપ સાથે નગરસેવકો પ્રભાબેન પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા. આ ભુજ જથ્થાબંધ બજારનું સર્જન થયું ત્યારથી વિવાદ એનો પીછો છોડતા નથી. `ભાડા'એ જમીન અને દુકાન ફાળવણી મુદ્દે અનેક વેપારીઓને નોટિસ આપી દબાણ ગણી જમીન ખાલી કરવા જણાવતાં વિવાદ જાગ્યો હતો અને એમાં શાંત પ્રકૃતિના ગણાતા કચ્છના વેપારીઓ પૈકી અમુક જણે ટીવી નાઇનના પત્રકાર મૌલિક સુરેન્દ્ર મહેતા પર હુમલો કરતાં ભારે બબાલ મચી ગઇ હતી. ચોથી જાગીર પર હુમલાની ઘટનાને પગલે આ બજાર-દુકાનોની સોંપણી વહાલા-દવલાની નીતિ એ બધું જ ટીવીનાં માધ્યમથી ગાજવા મંડયું હતું... કચ્છમાં પત્રકાર પર સરાજાહેર હુમલાનો આ બનાવ આંચકાજનક પહેલ સમો હતો. જો કે, સદ્ભાગ્યે ત્યારબાદ આ રીતે મીડિયાને નિશાન ન બાનાવાયા એ પણ જિલ્લાની સદ્નસીબી છે. કારણ કે નલિયા બળાત્કાર કાંડ અને ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીની ચાલુ ટ્રેનમાં હત્યાના બનાવ અને તેમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને અગ્રણી જયંતી ઠક્કર સહિતનાની ધરપકડોના લીધે કચ્છ ટીવી?પર કુખ્યાત થઇ રહ્યું હતું. - ભુજ પુનર્વસન સમિતિ : ભૂકંપથી ભંગાયેલા ભુજને જલ્દીથી બેઠું કરવા રચાયેલી ભુજ પુનર્વસન સમિતિએ કોંગ્રેસ, વાણિયાવાડ વેપારી એસો. સાથે મળીને ત્રિપાંખિયો દેખાવ કર્યો હતો એ પણ સંઘર્ષની પરાકાષ્ઠા હતી. મુખ્યમંત્રી જો છાવણીએ આવશે તો ભારે વિકટ સ્થિતિમાં મુકાશે એવી આગોતરી માહિતને પગલે પોલીસે કેશુભાઇ પટેલને છાવણીએ જતા રોક્યા હતા. આ સમિતિ કુલ મરણાંક, કુલ નુકસાની આંક, પેકેજની જાહેરાત માટેની સચોટ તારીખ માગતી હતી. પેકેજની માંગ સાથે મહિલાઓએ પણ રસ્તા રોક્યા હતા. આમ, ભૂકંપ બાદના કચ્છના સંઘર્ષમાં ભુજને ભાગે વધુ પડતી પીડા આવી. ભચાઉ, અંજાર, રાપર સહિતના નગરોને પણ અપાર પીડા હતી, પણ એ પીડાનું દસ્તાવેજીકરણ ન થયું, થયું તો નાની-મોટી કોઇ ઘટના અખબારી પાને પહોંચી. સંઘર્ષની વાત વખતે હજુ સુધી જે પેરાપ્લેજિક દર્દીઓ બેઠેલા છે એમની પીડા અને સંઘર્ષની તુલના કોઇનાથી પણ ન કરી શકાય એટલી દુ:ખદાયક છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer