1965ના પ્રથમ મેદાને જંગમાં વીરતા પણ આંતરરાષ્ટ્રીય અદાલતમાં હાર

નિખિલ પંડયા - કચ્છ સરહદે બે યુદ્ધના સરવાળા-બાદબાકી - આઝાદીના સાત દાયકા બાદ પણ ભારતમાં દેશપ્રેમ અને દેશભક્તિની લાગણી પ્રબળ રહી છે. આજે પણ `એય મેરે વતન કે લોગોં...' લતા મંગેશકરનાં શહીદીને સલામ કરતાં ગીતના શબ્દો ભલભલાને ગમગીન કરવાની શક્તિ ધરાવે છે. ભારતે અત્યાર સુધી સંખ્યાબંધ જંગ લડયા છે અને દરેક જંગ સમયે મોરચાથી સેંકડો કિલોમીટર દૂર સુધી લગભગ તમામ ભારતીયો શુરાતનના અદમ્ય ધબકારને અનુભવતા રહ્યા છે. ચીન સાથેનો જંગ હોય કે પછી લદ્દાખ સરહદે થયેલી અથડામણો હોય અથવા તો પાકિસ્તાન સાથેની લડાઇ હોય કે કારગિલનું યુદ્ધ હોય. દરેક સમયે ભારતીયો બધી બાબતો વિસરીને દેશપ્રેમમાં તરબોળ બનતા રહ્યા છે. આમ તો દુનિયાભરના દેશોમાં દેશપ્રેમની ભાવના ઓછા કે વધુ પ્રમાણમાં સતત અનુભવાતી રહે છે, પણ ભારતીયોમાં આ ભાવના વધુ પ્રબળ રહી છે. દેશભરમાં માતૃભૂમિ માટે લાગણીના કિસ્સા સતત સામે આવતા રહે છે, પણ પાકિસ્તાન અને ચીનની સરહદોની સાથે જોડાયેલા વિસ્તારો અને પ્રદેશોમાં આ ભાવનાનું પ્રમાણ વિશેષ રહ્યંy છે.સામાન્ય રીતે કોઇ પણ યુદ્ધ બે દેશોનાં સૈન્ય વચ્ચે લડાતું હોય છે, પણ સમરાંગણના સીધા સાક્ષી બનતા સરહદી પ્રદેશના લોકો પણ આવા સંઘર્ષોમાં પરોક્ષ રીતે સામેલ થતા હોય છે. આ વિશેષતાને લીધે સરહદી વિસ્તારના લોકોમાં દેશપ્રેમની ભાવના વધુ પ્રબળ રહેતી હોય છે અને પોતાનાં લશ્કરને માટે માન- સન્માનની લાગણી સતત અનુભવી શક્યા છે.કચ્છ પણ પાકિસ્તાન સાથેની સરહદ-સંવેદનશીલ સરહદનો મોટો હિસ્સો ધરાવે છે. કચ્છીઓએ આઝાદી બાદથી પ્રત્યક્ષ રીતનાં બે યુદ્ધ અનુભવ્યાં છે. આ બન્ને જંગમાં ભારતે અને ખાસ તો કચ્છે પરાજય અને જય એમ બન્નેનો અનુભવ કર્યો છે. 1965માં છાડબેટ પરનાં પાકિસ્તાની આક્રમણ અને 1971માં પૂર્વ પાકિસ્તાનની મુક્તિ માટેનો જંગ, બન્નેનો કચ્છે સીધો અનુભવ કર્યો હતો.  સરહદે લડાયેલી લડાઇઓની સીધી અસર કચ્છીઓને પહોંચી છે. સીધા હવાઇ હુમલા અને જવાનોની શહીદીના સાક્ષી બની ચૂકેલાં કચ્છે બીજી અને ત્રીજી હરોળની જવાબદારી પણ બખૂબી અદા કરી છે. લશ્કરી દળોને પાનો ચડાવવાથી માંડીને `ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'ની સત્યઘટનાને અંજામ આપનારી માધાપર ગામની વીરનારીઓનો દેશપ્રેમ હોય કે પછી કારગિલના જંગ સમયે સલામતી દળોની પડખે રહેવા દેશભક્તિ ભંડોળને અપાર છલકાવી દેવાની દરિયાદિલી હોય, કચ્છ અને કચ્છીઓની રાષ્ટ્રભાવના અજોડ રહી છે. 1965 અને 1971 એમ પાકિસ્તાન સાથેના બે જંગમાં કચ્છે સમરાંગણને સાવ નજીકથી અનુભવ્યું હતું. ભૂમિદળ અને વાયુસેના  ઉપરાંત સીમા સુરક્ષા દળ એમ દેશની સલામતીનાં પરંપરાગત દળોની સાથોસાથ કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ), રાજ્ય અનામત પોલીસ દળ (એસઆરપીએફ), જિલ્લા પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળનાં શૌર્યની પારાશીશી સમાન આ લડાઇમાં એક તરફ છાડબેટનો વિસ્તાર પાકિસ્તાન પાસેથી પરત જીત્યા છતાં આંતરરાષ્ટ્રીય અદાલતમાં 300 ચો.કિમીનો વિસ્તાર ખોઇ દેવાની વેદના તો 1971ના જંગમાં છેક નગરપારકર સુધી લહેરાયેલા તિરંગાની વિજયયાત્રાને એક વર્ષ બાદ શિમલા કરારમાં પાછી ખેંચવાની રાજદ્વારી મેજ પરની નિર્બળતાના સરવાળા- બાદબાકીથી વિશેષ આ બન્ને જંગમાં માભોમને કાજે શહીદ થયેલા જવાનો અને અધિકારીઓનાં બલિદાનનો રંજ આજે પણ કચ્છનાં રણની રેતીમાં અનુભવી શકાય છે. 1965નાં યુદ્ધમાં પાકિસ્તાની લશ્કરનાં આક્રમણ સામે સીઆરપીએફના પાંચ અને એસઆરપીએફના ત્રણ જવાનોએ શહીદી વહોરીને દેશનાં પોલીસ દળો માટે અમર યુદ્ધ ગાથાનાં વીરતાભર્યાં પ્રકરણ આલેખ્યાં હતાં, તો 1971માં કચ્છની રણ સરહદે ભારતીય દળોની વિજયયાત્રાના અંતિમ દિવસે લશ્કરના ત્રણ અધિકારી અને છ જવાનોએ શહીદી વહોરીને જીતના જશ્નમાં મરશિયાનો રાગ ઘોળ્યો હતો.1965ના જંગ બાદ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારત પાકિસ્તાન સામેના કેસની સાથે 3,500 ચોરસ માઇલ જેટલો વિસ્તાર હારી જતાં દેશભરે કચ્છ સત્યાગ્રહના નામે એક લોકજુવાળ સર્જ્યો હતો. દેશની આઝાદી બાદ આવું પ્રથમ જ આંદોલન હતું, જેમાં વિપક્ષના તે સમયના યુવાન નેતાઓ અટલ બિહારી વાજયેયી, જ્યોર્જ ફર્નાન્ડીઝ જેવા નેતાઓએ મોરચો સંભાળ્યો હતો. - પાકિસ્તાનનો છાડબેટ પર ડોળો : આઝાદીના તુરંત બાદ પાકિસ્તાનનો આમ તો કાશ્મીર પર સતત ડોળો રહ્યો હતો.  કબાઇલીઓનાં માધ્યમથી પાકિસ્તાને કાશ્મીર પર પોતાનું સંપૂર્ણ આધિપત્ય સ્થાપવા તમામ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પણ બીજી તરફ તેણે પશ્ચિમી શાંત કચ્છ સરહદે છાડબેટ અને કંજરકોટ પર પોતાની મેલી મથરાવટી માંડી હતી.1963માં બન્ને દેશ વચ્ચેની સરહદની આંકણીની કામગીરી હાથ ધરાઇ હતી, તે સમયે ભારત અને પાકિસ્તાન બન્નેના સર્વેયરો આ કામમાં લાગ્યા હતા. પંજાબ અને રાજસ્થાનની સીમા અંકાઇ ગઇ તે પછી કચ્છની રણ સરહદનું કામ અધવચ્ચે છોડી દેવાયું હતું. પાકિસ્તાનના સર્વેયરો આ કામથી અળગા થઇ જતાં સંયુક્ત આંકણી અટકી પડી હતી. તે સમયે ભારતને જરાપણ ખ્યાલ ન હતો કે કચ્છનાં રણની સીમાની આંકણીમાં આનાકાની કરવા પાછળ પાકિસ્તાનનો ઇરાદો આગળ જતાં ભારતનાં 3,500 ચોરસ માઇલનાં છાડબેટ પર પોતાનો દાવો અને કબ્જો કરવાનો હતો.    - છાડબેટ અને કંજરકોટ : કચ્છનાં રણમાં ખાવડા વિસ્તારની સામે પાર રણકાંધીનાં છાડબેટ અને કંજરકોટ પર આમ તો ભારતનો ઐતિહાસિક કબ્જો અને આધિપત્ય હતાં.  રણકાંધીના આ વિસ્તારમાં ઘાસ મબલખ રીતે ઊગતું હતું. કચ્છ રાજના તાબાનો આ પ્રદેશ દુષ્કાળના સમયમાં ભુખ્યાં પશુધન માટે ખુલ્લો મૂકી દેવાતો હતો. પાકિસ્તાની માલધારીઓ પણ ત્યાં ઢોર ચરાવતા અને કચ્છ રાજને પાનચરીના નામે ઓળખાતો વેરો પણ તે માટે ચૂકવતા હતા. દેશ આખાનું ધ્યાન કાશ્મીરી મોરચે મંડાયેલું હતું, ત્યારે સાવ શાંત એવા આ વિસ્તારમાં ભારત સરકારે સલામતી વ્યવસ્થા પર પૂરતું ધ્યાન આપવાની તસ્દી લીધી  ન હતી. આખી સીમા પર કેન્દ્રીય અનામત પોલીસ દળ અને રાજ્ય અનામત પોલીસ દળની મુઠ્ઠીભર ટુકડીઓને તૈનાત કરાઇ હતી. સરદાર ચોકી અને તેની આસપાસનો વિસ્તાર સીઆરપીએફનાં પેટ્રોલિંગ તળે હતો, જ્યારે હનુમાન તલાઇનો વિસ્તાર એસઆરપીએફના જાપ્તા હેઠળ હતો. - જાન્યુઆરી 1965થી પગપેસારો  : ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને કોતરવાની નીતિ ધરાવતાં પાકિસ્તાને 1965ના આરંભ સાથે છાડબેટને ગળી જવાનો સળવળાટ શરૂ કર્યો હતો. પાકિસ્તાનીઓએ તેમના વિસ્તાર સુરઇમાંથી સીમા તરફ દસ માઇલ લાંબો માર્ગ બનાવ્યો. આ રસ્તો છેક ભારતીય સીમાની એક માઇલ અંદર ડીંગ સુધી પહોંચાડી દીધો, ત્યારે ભારતીય સત્તાવાળાઓ કાંઇ કરે તે પહેલાં તો દસમી ફેબ્રુઆરીના પાકિસ્તાને કંજરકોટ પર કબ્જો કરીને પોતાની પાકી ચોકી ઊભી કરી નાખી.   ભારતે પાકિસ્તાન પાસે આ ઘૂસણખોરીનો વિરોધ કર્યો તો ઇસ્લામાબાદ તેની હાલની પદ્ધતિ મુજબ ત્યારે પણ લાજવાને બદલે ગાજવા માંડયું હતું. કંજરકોટ પોતાનું હોવાનું અને સુરઇથી ડીંગ વચ્ચેનો માર્ગ પણ જૂનો હોવાનો ખોટો દાવો કરીને પાકિસ્તાન છેલ્લે પાટલે બેસી ગયું હતું. આ ઓછું હોય તેમ તેણે ભારતીય વિસ્તાર ડીંગની અંદર પણ પોતાની ચોકી બાંધી નાખી હતી.    પાકિસ્તાનને શાંતિથી સમજાવવાના ભારત પ્રયાસ કરતું હતું, પણ તે ટસનું મસ થતું ન હતું. આવા સમયે નાપાક ઇરાદામાં ભારતીય સત્તાવાળાઓ થાપ ખાઇ ગયા હતા. - એપ્રિલમાં પાકનું ડેઝર્ટ હોક ઓપરેશન  : કંજરકોટ અને ડીંગમાં કરેલા પગપેસારાનો ભારતે લશ્કરી રીતે કોઇ પ્રતિકાર કર્યો ન હોવાનું જોતાં પાકિસ્તાને સમગ્ર છાડબેટને ઓળવી જવાના મનસૂબા સાથે ઓપરેશન ડેઝર્ટ હોકનું ગુપ્ત રીતે પ્લાનિંગ શરૂ કર્યું. આ માટે 51મી પાયદળ બ્રિગેડને કરાચીની મલિર લશ્કરી છાવણીમાંથી કચ્છ સરહદે ખસેડવાના આદેશ અપાયા. 25મી માર્ચ 1965ના આ બ્રિગેડે કચ્છનાં રણમાં ડેરા તંબુ નાખ્યા હતા. તે પછી પંજાબના ક્વેટાથી લશ્કરની આખી આઠમી ડિવિઝનને 12મી કેવલરી અને 19મી લાન્સર રેજિમેન્ટની સંગાથે આ વિસ્તારમાં જમાવટ માટે ગોઠવી દેવાઇ. આ સાથે ઓપરેશન બ્લેક હોકનું કાઉન્ટ ડાઉન પાકિસ્તાને શરૂ કરી દીધું હતું. - આઠમી એપ્રિલની રાતે હુમલો  : પાકિસ્તાની લશ્કરની આટલી મોટી જમાવટની સામે ભારતીય ચોકીઓ પર અનામત પોલીસની ટુકડીઓ તૈનાત હતી. રાતના અંધકાર વચ્ચે સરદાર ચોકી પર ભારે મોર્ટાર અને તોપો વડે ત્રણ બાજુથી હુમલો થયો હતો. કોઇ દેશનાં લશ્કરના હુમલા સામે પોલીસ દળનો મુકાબલો અત્યાર સુધીની રોમાંચક અને ઐતિહાસિક ઘટના છે.    સરદાર ચોકી પર અચાનક થયેલા હુમલાની સામે સીઆરપીએફની ટુકડી અડીખમ ઊભી હતી. પરોઢ પહેલાં સાડા ત્રણ વાગ્યે થયેલા હુમલાનો સામનો કરવામાં ભારતીય નરબંકાઓએ પાછીપાની કરી ન હતી. 12 કલાક સુધી ખેલાયેલા ખરાખરીના જંગને અંતે પાકિસ્તાનીઓ પીછહેઠ કરી ગયા હતા. આ જંગમાં પાકિસ્તાનના 34 સૈનિક માર્યા ગયા હતા, પણ  માતૃભૂમિની રક્ષા કાજે સીઆરપીએફના પાંચ જવાનોએ શહીદી વહોરી હતી. નાયક કિશોરાસિંહ, કોન્સ્ટેબલ સમશેરાસિંહ, જ્ઞાનાસિંહ, સતબીર પ્રધાન, હઠુરામ અને કિશનાસિંહની શહીદીને તેમનું દળ આજે પણ યાદ કરે છે. - આઠમી એપ્રિલ વીરતા દિવસ  : પાકિસ્તાની લશ્કરનાં આક્રમણને મારી હટાવવામાં સફળ થયેલાં સીઆરપીએફના જાંબાઝોનાં માનમાં દળે હવે દર વર્ષે આઠમી એપ્રિલે વીરતા દિવસ મનાવવાનું શરૂ કર્યું છે. શહીદી વહોરનારા જવાનોને આજ દિવસે સરદાર ચોકી પર દળના અધિકારીઓ અને જવાનો ત્યાં તૈયાર કરાયેલાં સ્મારક ખાતે ખાસ સલામી પણ આપે છે.  - 21મી એપ્રિલે એસઆરપીએફ પર હુમલો : હનુમાન તલાઇ વિસ્તારમાં તૈનાત રાજ્ય અનામત પોલીસ દળની ટુકડીની ચોકી પર પાકિસ્તાની લશ્કરે 21મી એપ્રિલે હુમલો કર્યો હતો. ત્યાં પણ એસઆરપીએફના બહાદુરોએ આ હુમલાને મારી હટાવ્યો હતો.  કમનસીબે આ કાર્યવાહીમાં એસઆરપીએફના ત્રણ જવાન શહીદ થયા હતા. - કચ્છ સરહદે `માઝા ભારત અમર રહે'  : એસઆરપીએફના નાયક ગણપત ભોંસલેએ આક્રમણખોરો પર વળતો હુમલો કરીને મરાઠીમાં `માઝા ભારત અમર રહે'નાં સૂત્ર સાથે દેશભક્તિ છલકાવી દીધી હતી.  તેમની સાથે કોન્સ્ટેબલ એસ. સાળુંકે અને કો. પીબી કાંબલેએ એસઆરપીએફ વતીથી અમૂલ્ય શહીદી વહોરી હતી. આગામી થોડા સમયમાં એસઆરપીએફ દ્વારા હનુમાન તલાઇ ચોકીથી નજીક ભારતીય વિસ્તારમાં સ્મારક બનાવવાની વિચારણા ચાલી રહી છે. - લશ્કરે મોરચો સંભાળ્યો : છાડબેટ વિસ્તારમાં ચોતરફથી થતા પાકિસ્તાની લશ્કરના હુમલાની સામે પછી ભારતીય લશ્કરી અધિકારીઓ સક્રિય બન્યા હતા. અગ્રિમ ચોકીઓ પરથી સીઆરપીએફ અને એસઆરપીએફની ટુકડીઓને પરત બોલાવીને લશ્કરે મોરચો ખોલ્યો હતો. ખાસ પેરા કમાન્ડોની ટુકડીને હનુમાન તલાઇ વિસ્તારના મોરચા ભણી મોકલીને દુશ્મનને પાછા ભગાડી દેવાયા હતા. - જંગના અંતે કચ્છ કરાર  : છાડબેટ માટે ખરાખરીના જંગનો અંત યુદ્ધવિરામ સાથે આવ્યો હતો. ભારત અને પાકિસ્તાને કચ્છ કરાર પર સહી કરી ને છાડબેટનાં આધિપત્યના દાવા માટે આંતરરાષ્ટ્રીય અદાલતની ટ્રિબ્યુનલની રચના માટે સંમતિ સધાઇ. અવળચંડાં પાકિસ્તાનને આવો વિવાદ વૈશ્વિક મંચ પર જાય એટલું જ જોઇતું હતું. - કંજરકોટ અને છાડબેટ પાકિસ્તાનને : 3પ00 ચોરસ માઇલના વિવાદગ્રસ્ત ઠરાવાયેલા વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે કંજરકોટ, છાડબેટ અને ઘાસિયાં મેદાનનો 300 ચો. કિમીનો વિસ્તાર પાકિસ્તાનનો હોવાનો ચુકાદો આપી દીધો.  ભારતમાં આ ચુકાદાની વિરુદ્ધ કચ્છ સત્યાગ્રહનાં મંડાણ પણ થયાં. આખરે ધાર્યું પાકિસ્તાનનું થયું. 1965થી 1968 વચ્ચેના આ ઘટનાક્રમના અંતે ભારતના નકશામાં ખાવડાથી ઉપરની તરફ જણાતા ચોસલા જેવો છાડબેટનો વિસ્તાર આજે પણ આ નુકસાનની ગવાહી પૂરી પાડે છે. - છાડબેટના જંગની અનોખી ભેટ : પાકિસ્તાનનાં લશ્કરની સાથે ભારતીય પોલીસની ટુકડીઓએ બહાદુરીપૂર્વક બાથ ભીડી તેનો ગૌરવભર્યો ઇતિહાસ છે, પણ આ ઇતિહાસનો અંત દુનિયાનાં બેજોડ ગણાતાં સરહદી દળની રચનાના ઇતિહાસ સાથે સીધી રીતે સંકળાયેલો છે. પાકિસ્તાને કરેલાં આક્રમણને લીધે તે સમયે ભારત સરકારને દેશની સરહદોની રક્ષા કાજે ખાસ તાલીમબદ્ધ દળની અનિવાર્યતા સમજાઇ હતી. વળી તે સમયે પણ જીનિવા કરાર હેઠળના દેશો સરહદથી પાંચ કિમીના વિસ્તારમાં યુદ્ધ સિવાયના સંજોગોમાં લશ્કરને તૈનાત કરી શકતા નહતા. આ બાબતને ધ્યાનમાં લઇને તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ અર્ધલશ્કરી સીમા સુરક્ષા દળની રચનાનો તાકીદનો નિર્ણય લીધો. જોતજોતામાં 30મી ડિસેમ્બર 1965ના બોર્ડર સિક્યુરિટી ફોર્સની રચના થઇ અને તેને સરહદોની રક્ષાની જવાબદારી સોંપી દેવાઇ. કચ્છની રણ સરહદેથી સીઆરપીએફ અને એસઆરપીએફની ટુકડીઓનાં સ્થાને સુરક્ષાની જવાબદારી બીએસએફએ સંભાળી લીધી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer