1971નો વિજયરથ અને નગરપારકર પર કબજો

નિખિલ પંડયા - પૂર્વ પાકિસ્તાનને મુક્તિ અપાવીને બાંગલાદેશની રચના માટે 1971ના ડિસેમ્બર મહિનામાં ખેલાયેલા ભીષણ જંગની નાની એવી પ્રતિકૃતિ પશ્ચિમી મોરચે પણ ખેલાઇ હતી.  પંજાબ સરહદે ભારતીય લશ્કરે પાકિસ્તાની લશ્કરને ધૂળ ચાટતું કર્યું હતું તો બીજી તરફ કચ્છીઓ સિવાય બહુ ઓછાને ખ્યાલ છે કે કચ્છ સરહદેથી સીમા સુરક્ષા દળે ચોથી ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર વચ્ચે પાકિસ્તાનનો 2,200 ચોરસ કિમીના મસમોટા વિસ્તારને જીતી લેવાની વિજયયાત્રા ખેડી હતી. લશ્કરી અધિકારીનાં સીધાં માર્ગદર્શન હેઠળ સીમા દળે પાકિસ્તાનનાં છાડબેટ તો ઠીક, પણ છેક નગરપારકર તાલુકા આખાની ઉપર તિરંગાની આણ વર્તાવી દીધી હતી. - માર્ચ મહિનાથી આગોતરી તૈયારી : 65ના જંગમાં પાકિસ્તાની લશ્કરના અચાનક હુમલાને લીધે અનામત પોલીસ દળની ટુકડીઓને ખુવારી સહેવી પડી હતી તે બાબતને ધ્યાનમાં લઇને સીમા સુરક્ષા દળે માર્ચ મહિનાથી આગોતરી તૈયારી આરંભી દીધી હતી. રજાઓ રદ થવા લાગી હતી અને દારૂગોળાનો જથ્થો વધારાઇ રહ્યો હતો, તેની સાથોસાથ ચોકીઓને મજબૂત બનાવાઇ રહી હતી. સીમા દળની કચ્છ અને બનાસકાંઠા સરહદે તૈનાત એક, બે અને ત્રણ નંબરની બટાલિયનોને 14મી ઓક્ટોબરથી લશ્કરના આદેશ તળે મૂકી દેવાઇ હતી.લશ્કર વતી કચ્છ સેક્ટરના વડા બ્રિગેડિયર એસએસ મલ્હોત્રા અને વાયુસેના મથકના વડા સ્ક્વોડ્રન લિડર કર્ણિક હતા. - ત્રીજીની રાત્રે જંગની જાહેરાત : આમ તો ત્રીજી ડિસેમ્બરની સાંજે `જંગ છીડ ગઇ હૈ'નો સંદેશો વહેતો થઇ ગયો હતો, પરંતુ ત્રીજીના રાત્રે સાડા બાર વાગ્યે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રજોગાં સંબોધનમાં પાકિસ્તાનનાં આક્રમણનો જવાબ આપવાનો નિર્ધાર વ્યક્ત કરીને રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. પાકિસ્તાન સાથેના જંગની આ સત્તાવાર જાહેરાત હતી. - કચ્છ સરહદેથી વિજયયાત્રા : જંગ છેડાઇ ગયાના સંદેશા સાથે જ કચ્છના મોરચે તૈનાત સીમા દળના જવાનોમાં અદમ્ય જોમનો ઉછાળો આવ્યો હતો.  પાંચમીની રાત્રે ભારતીય જવાનોએ પાકિસ્તાનમાં વિજયયાત્રાનું પ્રથમ ડગ માંડયું હતું. પરોઢે પાંચ વાગ્યે તો પહેલી બટાલિયનની બે પ્લાટુનોએ છાડબેટ પર કબ્જો કરીને 1968ના કચ્છ ટ્રિબ્યુનલના ચુકાદાના જાણે લીરેલીરા કરી નાખ્યા હતા. છાડબેટના કબ્જાની સાથે જ સીમા દળે હનુમાન તલાઇ વિસ્તારને પણ પોતાની હકૂમત હેઠળ લઇ લીધો હતો. - બીજી બટાલિયને  નગરપારકર લીધું  : બેલા અને ખડીર સીમાએથી છઠ્ઠીની સાંજે રણમાં ઉતરેલી બીજી બટાલિયને સાતમીના પાકિસ્તાનના જૈટલીને સર કર્યું તે સાથે આસપાસનાં ફૂલપુરા, કૂવાલા સહિતનાં ગામો પર પણ ભારતીય દળોનો કબ્જો થઇ ગયો. પરંતુ બીજી બટાલિયનનું લક્ષ્ય હતું પાકિસ્તાનનું ચાવીરૂપ નગરપારકર તાલુકા મથક. પાકિસ્તાની દળો એટલાં બધાં નાસીપાસ અને નાહિંમત થઇ ગયાં હતાં કે આગળ વધી રહેલા ભારતીય જવાનોની સામે સાવ નહીંવત પ્રતિકાર થયો હતો.  બીજી બટાલિયનના વડા લેફ. કર્નલ કાનેએ નગરપારકર પર હુમલો કરવાની વડામથક ભુજ પાસેથી મંજૂરી માગી. મંજૂરી મળતાં જ આઠમીના પરોઢે નગરપારકર તરફ કૂચ શરૂ કરાઇ.  વિરાવાના માર્ગમાં પાકિસ્તાનના ઇન્ડસ રેન્જરોએ સીમા દળના શૂરવીરોને રોકવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો. નવમીના સવારે આપણા દળોએ નગરપારકરમાં વિજયી પ્રવેશ કર્યો ત્યારે તેમનો રડયોખડયો પ્રતિકાર થયો. - ભુજથી તિરંગો નગરપારકર મોકલાયો : સીમા સુરક્ષા દળના જવાનોએ નગરપારકર સર કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે સાથે તિરંગો નથી લીધો. તરત ભુજ સંદેશો મોકલાયો, તે સમયે સલામતી દળો સાથે જીવંત સંપર્ક ધરાવતા માહિતી ખાતાંના અધિકારી ઇન્દુભાઇ જોશીને તેમની કચેરીમાં ઉપલબ્ધ રાષ્ટ્રધ્વજ સાથે નગરપારકર રવાના કરાયા. દસમીની સવારે ભુજનાં માહિતી ખાતાંના તિરંગાને નગરપારકરની તહેસીલ કચેરીનાં પ્રાંગણમાં ફરકાવીને સીમા દળના રણબંકાઓએ પાકિસ્તાની ધ્વજને બૂટ તળે કચડીને ભારતીય વિજય પર સીધી મહોર મારી દીધી હતી.નગરપારકરને ઘેરવા માટે જૈટલીથી વિરાવા ગયેલી સીમા દળની ટુકડીને વિરાવામાં ભારે પ્રતિકારનો સામનો કરવો પડયો હતો, પણ ભારતીય જવાનોને દસમીની સવારે હવાઇ શક્તિની મદદ અપાઇ, જેને લીધે પાકિસ્તાનીઓ તેમની ચોકી છોડીને નાસી છુટયા હતા. - ભારતીય દળોનું લક્ષ્ય હૈદરાબાદ હતું : નગરપારકરને લીધા બાદ ભારતીય દળોનો ઇરાદો ઇસ્લામકોટ લઇને હૈદરાબાદ (સિંધ) સુધી વિજયયાત્રા લઇ જવાનો હતો. ઇસ્લામકોટ ભણી આદરાયેલી કૂચને ભાલવાહ ગામ નજીક આંતરવામાં આવી હતી.  પાકિસ્તાની દળોએ મજબૂત પ્રતિકાર કર્યો હતો, પણ 15મી ડિસેમ્બરના સવારે આ ચોકી પર પણ ભારતીય દળોનો કબ્જો થઇ ગયો હતો. આગળ વધવા માટે તૈયારી ચાલી રહી હતી ત્યાં 17ના રાતથી યુદ્ધવિરામ અમલમાં આવી ગયો હતો. - પહેલી બટાલિયનની બહાદુરી : છાડબેટ અને હનુમાન તલાઇ પર કબ્જો કરનારી પહેલી બટાલિયને સરદાર ચોકી અને વિઘાકોટ પર દુશ્મનોના વળતા હુમલાને પહોંચી વળવા માટે વ્યુહાત્મક રીતે પીછેહઠ કરી હતી,  પણ તે પછી આ ચોકીઓ પરત લઇ લેવાઇ હતી અને પાકિસ્તાની મહત્ત્વની જત તલાઇ ચોકી પર અને પાનેલી પર જીત હાંસલ કરીને પહેલી બટાલિયને તેની પીછેહઠની ગ્લાનિ ધોઇ નાખી હતી. દરમ્યાન રિઝર્વમાં રખાયેલી ત્રીજી બટાલિયનને છેલ્લી ઘડીએ જંગમાં જીતનો સ્વાદ ચાખવાનો મોકો અપાયો હતો. નવમીના વિંગુર ચોકી કબ્જે કરવા મેદાનમાં ઉતારાયેલી આ બટાલિયને ભારે ચોકસાઇ અને આયોજનબદ્ધ રીતે આ હુમલો હાથ ધરીને ચોકી પર તિરંગો ફરકાવ્યો હતો. આ જંગ માટે સીમા દળના અધિકારી ચંદનાસિંહ ચંદેલને વીરચક્રથી સન્માનિત કરાયા હતા. બેટલ ઓફ વિંગુરના નામે ઇતિહાસમાં સ્થાન પામેલા આ જંગની વિગતો હજી હમણા સુધી સીમા દળના અધિકારીઓ માટેની તાલીમી સંસ્થામાં પાઠરૂપે શીખવાતી હતી. - શહાદત સાથે વિજયયાત્રાને વિરામ : નગરપારકર પરના કબ્જા બાદ ત્યાં વિવિધ દળોએ ડેરા તંબુ નાખ્યા હતા. યુદ્ધવિરામ અમલમાં આવે તે પહેલાં પાકિસ્તાનનો થોડો વધુ વિસ્તાર જીતી લેવાના ઇરાદા સાથે લશ્કરની મદ્રાસ રેજિમેન્ટ અને આર્મર્ડ રેજિમેન્ટના અધિકારીઓ અને જવાનોની એક ટુકડી સીમા દળના જવાનો અને અધિકારીઓની સંગાથે મોરચા ભણી ગઇ હતી. 17મીના રાત્રે આઠ વાગ્યે યુદ્ધવિરામ અમલમાં આવે તે પહેલાં સુરઇ વિસ્તારમાં લપાયેલા દુશ્મનોના અચાનક હુમલામાં ભારતના બે અધિકારીઓ અને છ જવાનો જોતજોતામાં શહીદ થઇ ગયા હતા. લેફ. કર્નલ એઓ એલેક્ઝાંડર, મેજર વીએસ મહેતા અને ડેપ્યુટી કમાન્ડન્ટ જોગીન્દરાસિંહ સહિતનાની વીરગતિએ વિજયના આનંદને કરુણતામાં પલટાવી નાખ્યો હતો. - 19ના સવારે આ શહીદોને ભુજનાં સ્મશાનગૃહે સૈનિક સન્માન સાથે અંતિમ વિદાય અપાઇ, ત્યારે અબાલવૃદ્ધ સૌની આંખો તરબતર બની ગઇ હતી. - એક વર્ષ બાદ જીતેલો પ્રદેશ છોડયો : મેદાને જંગમાં જવાનોની વીરતાથી જીતેલા નગરપારકર સહિતના પાકિસ્તાની વિસ્તારોને એક વર્ષ બાદ થયેલા શિમલા કરાર તળે 24 કલાકમાં ખાલી કરી નાખવાના અપાયેલા આદેશ સામે આજે પણ સવાલ ઊભા થઇ રહ્યા છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer