મહાન રમતોત્સવનો મંત્રમુગ્ધ આરંભ

ટોકિયો, તા. 23 : કોરોના મહામારીના ઓથાર વચ્ચે અહીંના નેશનલ સ્ટેડિયમમાં યોજાયેલા વિશ્વના સૌથી મોટા રમતોત્સવ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં અફલાતૂન આતિશબાજી અને જાપાની સંસ્કૃતિને ઉજાગર કરતા નયનરમ્ય પરફોર્મન્સે રંગ જમાવ્યો હતો. અલબત્ત દર વખતે ઓલિમ્પિકના આરંભિક સમારોહ જેવી ઝાકઝમાળ આજે જોવા મળી નહોતી અને બધું મળીને 1000 ખેલાડી અને અધિકારીઓ જ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. જો કે, લગભગ 3પ0 કરોડ લોકોએ ટીવી, સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર વગેરે પર આ રંગારંગ કાર્યક્રમ નિહાળ્યો હતો. ઓલિમ્પિકને લીધે કોરોનાનો પ્રસાર વધશે એવી ભીતિ વ્યક્ત કરી ચૂકેલા જાપાનના સમ્રાટ નુરુહિતોએ આ મહાન રમતોત્સવનો આગાઝ કરાવ્યો હતો. વિશ્વભરના 11,238 રમતવીર 33 રમતમાં દેશ માટે ચંદ્રક જીતવા મરણિયા પ્રયાસ કરશે. આઠમી ઓગસ્ટે તેનું સમાપન થશે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ થોમસ બેચ, અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાયડનની ઉપસ્થિતિ હતી. સૌના આકર્ષણના કેન્દ્ર સમી દરેક દેશોના દળોની માર્ચપાસ્ટ હેઠળ ભારતીય દળમાં 2પ ખેલાડીઓ અને અધિકારીઓ જોડાયા હતા અને ચેમ્પિયન મહિલા બોક્સર મેરિ કોમ તેમજ હોકીના કપ્તાન મનપ્રીતસિંહે શાનથી ત્રિરંગો લહેરાવ્યો હતો. સ્થાનિકોને નેશનલ સ્ટેડિયમમાં પ્રવેશની છૂટ નહોતી ત્યારે સેંકડો લોકો સ્ટેડિયમની બહાર એકત્ર થઈ ગયા હતા, તો સંક્રમણ વધવાના ભયને લઈને લોકોએ સ્ટેડિયમ બહાર વિરોધ પ્રદર્શનો પણ કર્યાં હતાં.ખાલી સ્ટેડિયમમાં પહેલાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. જ્યાં સર્વપ્રથમ ઓલિમ્પિક યોજાઇ એ ગ્રીસના દળે માર્ચપાસ્ટની શરૂઆત કરી હતી. ટોકિયોના નેશનલ સ્ટેડિયમમાં મેરિ અને મનપ્રીતે તિરંગો લહેરાવીને દેશની શાન વધારી હતી. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીવી સામે ઊભા રહીને તાળીઓ વગાડી હતી. ઉદ્ઘાટન સમારંભમાં ભારતના લગભગ 25 ખેલાડી તેમજ અધિકારીએ ભાગ લીધો હતો. માર્ચપાસ્ટમાં ભારતીય દળનો 21મો નંબર હતો. એક તરફ જ્યારે નેશનલ સ્ટેડિયમમાં ઉદઘાટન સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે સ્ટેડિયમ બહાર પ્રદર્શનકારીઓએ તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો. દર્શકો વિના યોજાયેલા ટોકિયો ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભ જાપાની કલાકારોએ કોરોનાકાળમાં આગળ વધોની થીમ સાથે પૂરી દુનિયાને સંગઠિત થવાનો સંદેશો આપ્યો હતો. એક તરફ ટોકિયોમાં જ્યારે રાત ઘેરાઇ રહી હતી ત્યારે નેશનલ સ્ટેડિયમમાં રંગોની આતશબાજીથી સમગ્ર વિસ્તાર ઝળહળી ઉઠયો હતો. આ પહેલાં ટોકિયોમાં 1964માં ઓલિમ્પિક યોજાયો હતો. જેને પણ યાદ કરીને એક કાર્યક્રમ કલાકારોએ રજૂ કરીને સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer