શ્રેણી હાર બાદ શ્રીલંકાએ નાક બચાવ્યું

કોલંબો, તા. 23 : અવિષ્કા ફર્નાન્ડો (76)ની અર્ધસદીના સહારે શ્રેણી અગાઉથી જ હારી ચૂકેલા શ્રીલંકાએ અહીં ત્રીજી વન-ડેમાં ત્રણ વિકેટે આશ્વાસનરૂપ વિજય મેળવ્યો હતો અને ભારત ક્લીનસ્વીપ ચૂક્યું હતું. પાંચ ખેલાડીઓનાં પદાર્પણ સાથેની ભારતની બિનઅનુભવી ટીમ માત્ર 225માં ઓલઆઉટ થઇ ગયા બાદ લંકાએ 39 ઓવરમાં  લક્ષ્ય આંબ્યું હતું. ભારત વતી પૃથ્વી શોએ 49, સેમસને 46 અને સૂર્યકુમારે 40 રન કર્યા હતા. ધનંજયે 44 રનમાં ત્રણ અને જયવિક્રમાએ 59 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.અવિષ્કાએ 4 ચોગ્ગા, એક છગ્ગા સાથે 76, ભાનુકારાજા પલ્સાએ 56 દડામાં 12 ચોગ્ગા સાથે 65 રન કરી, સિંહાલી ટીમને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. યજમાન ટીમે 35 રનમાં મીનોદ ભાનુકાનાં રૂપમાં પહેલી વિકેટ ખોઈ દીધા પછી ક્રિઝ પર જામી ગયેલા ફર્નાન્ડો અને રાજા પકસાએ સ્કોર બોર્ડને ગતિ આપી હતી. પ્રવાસી ભારત તરફથી રાહુલ ચહરે ત્રણ, ચેતન સાકરિયાએ બે વિકેટ લીધી હતી. પાંચ ઓવરમાં 43 રન આપીને હાર્દિક પંડયા સૌથી મોંઘો બોલર પૂરવાર થયો હતો. અગાઉ ભારતે ટોસ જીતીને દાવ લીધો હતો. બે મેચની વિજયી ઇલેવનમાં ફેરફાર કરીને ટીમ ઇન્ડિયાએ પ્રયોગ કર્યોં હતો અને પાંચ ખેલાડીને પદાર્પણનો મોકો આપ્યો હતો. વરસાદના વિઘ્નને લીધે મેચ 47-47 ઓવરનો થયો હતો. સુકાની શિખર ધવન (13)ની નિષ્ફળતા વચ્ચે ભારતીય યુવા ટીમ 43.1 ઓવરમાં 22પ રને ઓલઆઉટ થઇ ગઇ હતી. યુવા ઓપનર પૃથ્વી શો એક રને અર્ધસદી ચૂકી ગયો હતો. તેણે 49 દડામાં 8 ચોગ્ગાથી 49 રન કર્યાં હતા. આ સિવાય વિકેટકીપર સંજૂ સેમસને પણ તેના પદાર્પણ મેચમાં 46 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. સૂર્યકુમાર યાદવે તેનું ફોર્મ જાળવી રાખ્યું હતું અને 40 રનનું યોગદાન આપ્યું હતું. જો કે આ પછી શ્રીલંકાના સ્પિનરો સામે ભારતીય ડિપ મીડલ ઓર્ડરનો ધબડકો થયો હતો. આથી આખરી 6 વિકેટ 46 રનમાં ગુમાવી દીધી હતી. આથી ભારતીય ટીમનો 43.1 ઓવરમાં 22પ રને સંકેલો થઇ ગયો હતો. જેથી શ્રીલંકાને ત્રીજા વન ડેમાં પ્રોત્સાહક જીત માટે 47 ઓવરમાં 226 રનનું વિજયી લક્ષ્યાંક મળ્યું હતું. શ્રીલંકા તરફથી અકિલા ધનંજય અને પ્રવીણ જયવિક્રમાએ 3-3 વિકેટ લીધી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer