અફસોસ... વ્યાપક દબાણ છતાં ધાક બેસાડતી કાર્યવાહીનો અભાવ

ભુજ, તા. 23 : કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારપછી ખાસ કરીને વધી ગયેલા જમીનોના ભાવના કારણે જમીન દબાણ પ્રવૃત્તિ ખૂબ જ વધી ગઇ?છે. ગામ હોય કે શહેર આડેધડ રીતે થઇ રહેલી પેશકદમીને રોકવાના ક્યાંય કોઇ પ્રયાસ થયા નહીં ને આ કચ્છનું લાચાર તંત્ર પણ સરકારી ભૂમિ દબાવનારા સામે લાલઆંખ બતાવવાને બદલે ગેરકાયદે વીજ જોડાણો, પાણીના જોડાણ અપાતા ગયા ને હાલમાં એકલ-દોકલ નબળાં દબાણકારો સામે શૂરાતન બતાવવામાં આવે છે, પરંતુ મોટાપાયે જ્યાં ધોરીધરાર ખોટી રીતે બાંધકામ કરીને મકાનો બની ગયાં, આખેઆખી વસાહતો  ઊભી થઇ છે તેની સામે કાર્યવાહી કરવા કોઇ તૈયાર નથી. તાજેતરમાં ભુજની ઇજનેરી કોલેજ પાસે કાચી કેબિનો તોડીને દબાણ?હટાવવા પ્રશાસનમાં શૂરાતન આવ્યું તો ગાંધીધામ-અંજારમાં પણ પેશકદમી કરનારા સામે લાલઆંખ બતાવી બાંધકામ તોડી પાડવામાં આવ્યાં હતાં. થોડા સમય પહેલાં ભુજ-દુધઇ માર્ગે પદ્ધર પાસે અને મિરજાપર પાસે `ભલામણ'વાળાની અરજી ધ્યાને લઇ અધિકારીઓ દબાણ તોડવા દોડી ગયા હતા. બધાં જ દ્રશ્યો જોનારા જાગૃત નાગરિકો સવાલ ઉઠાવે છે કે જ્યારે ખુલ્લી સરકારી કે ખાનગી જમીન ઉપર ડોળો નાખીને પેશકદમી થાય એ પહેલાં જ શા માટે અટકાવવામાં આવતા નથી. એક વખત દબાણ થઇ ગયા પછી નોટિસો આપવી પડે ને મુદત અપાયા પછી તોડવાની ફરજ પડે છે. ત્યારે સવાલ એ કરવામાં આવે છે કે જ્યાં જ્યાં દબાણ થાય ત્યારે સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવે છે, પરંતુ કમનસીબી એ છે કે રજૂઆત કરવાવાળા કરતાં દબાણકારો એટલા `બળૂકા' અથવા મજબૂત ભલામણવાળા હોય છે જેને કોઇ કંઇ કરી શકતું નથી. જમીન દબાણ પ્રવૃત્તિ રાજ્યના અન્ય જિલ્લાઓ કરતાં કચ્છમાં મોખરે છે અને આવી પ્રવૃત્તિઓ કચ્છમાં વધુ છે તેનું કારણ એ છે કે ધરતીકંપ પછી કંપનીઓનું આગમન થતાં ઉદ્યોગ એકમની આસપાસ ભૂ-માફિયા જમીન કબ્જે કરીને કંપનીનું નાક દબાવે અને `માલ' મળી જાય તો ખાલી કરે નહિતર એ સરકારી જમીન બારોબાર વેચી નાખે છે. તાજેતરમાં ભુજમાં દબાણ હટયું ત્યારે જાગૃત શહેરીજનોએ જણાવ્યું કે, ભુજમાં તો ગણેશનગર વિસ્તારમાં આખી વસાહત ગેરકાયદે બની ગઇ?છે. બધા જ મકાનો ગેરકાયદે છે અને ધોરીધરાર પ્લોટ વેચાય છે, ક્યાંય કોઇ દસ્તાવેજ નહીં, ક્યાંય ભાડાની મંજૂરી નથી છતાં આવા ઘરોમાં લાઇટ, પાણી, એસી બધું જ છે. એક દબાણવાળી જગ્યાએ બનેલા મકાનમાં સુવિધા ક્યા આધારોને ધ્યાને લઇ અપાય છે ?આમાનાં મોટાભાગે રહેણાંકના ઘર છે. બધું યોગ્ય હોય અને સરકારી નિયમમાં આવતું હોય તો તેમને ઘર નિયમિત કરી દ્યો... પણ દબાણ શા માટે ચલાવાય છે ?કાયદેસર પ્લોટ મેળવનારા અરજદારોને પણ?ભાડાની મંજૂરી લેવી પડે છે, ઇલે. મીટર મેળવવા, પાણી-ગટરનું જોડાણ લેવા પ્રતિક્ષા કરવી પડે છે. તેમાંય જો પ્લોટ લીધા પછી બે વરસમાં ઘર ન બાંધે તો શરતભંગ હેઠળ દંડ ભરવો પડે ને સામે દબાણકારોને આવી તપાસ સુવિધા કોઇપણ જાતની પરવાનગી વગર મળી જાય છે. માત્ર ગણેશનગર નહીં ભાનુશાલી નગર પાછળ રઘુવંશી નગર આકાર પામ્યું છે. સાવ ગેરકાયદે છતાં ત્યાં પ્લોટના ભાવ બોલાય છે. સોદા થાય છે. જો સરકારી જમીન હોય તો કેમ ખાલી કરાવાતી નથી અથવા તો કોઇ નિયમ લાગુ પડવો જોઇએ. પરંતુ કોઇ એકલ-દોકલ નબળા વ્યક્તિનાં દબાણ હટાવીને સંતોષ માનતા અધિકારીઓ આવા સેંકડો ઘર ગેરકાયદે સરકારી ભૂમિ ઉપર બની ગયાં તેમની સામે શા માટે કાર્યવાહી થતી નથી. આ તો શહેરની વાત છે, ગામડાંમાં જોઇએ તો કોઇ ગામનો બસ સ્ટેન્ડ વિસ્તાર એવો નથી જ્યાં પેશકદમી ન થઇ?હોય. કાચી-પાકી કેબિનો બને અને પછી ઉથલ-પાથલ થાય, સોદા પણ થાય છે. અબડાસા વિસ્તારમાં તો ગૌચર જમીનો દબાવાઇ ગઇ?છે જ્યાં હજારો એકરમાં ખેતી થાય ને પાક લેવામાં આવે છે છતાં કોઇને ખાલી કરાવવાની હિંમત દાખવવામાં નથી આવતી તેવો આક્ષેપ થયો છે. જાણવા મળેલી વિગતો પ્રમાણે અબડાસામાં તો એક લાખ એકર ભૂમિ દબાણકારોના હાથમાં છે. ગામેગામમાંથી ફરિયાદો આવે છે છતાં તંત્ર લાચાર બનીને નિહાળ્યા રાખે છે. આવો જ તાલ વાગડનો છે. વાગડમાં તો બળૂકાના બે ભાગ એ કહેવતને સાર્થક કરી વાળે તેની ભૂમિ એમ માનીને જમીનો ખેડી નાખવામાં આવે છે. સરકારે આવા દબાણકારો સામે કડક હાથે કામ લેવા લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવ્યો છે. ફરિયાદો તો થાય છે પરંતુ કાર્યવાહી કરવાને બદલે `સમાધાન'ની ફોર્મ્યુલા કચ્છમાં અપનાવવામાં આવતી હોવાની ફરિયાદ છે. લેન્ડ ગ્રેબિંગ હેઠળ અત્યાર સુધી 225 ફરિયાદો થઇ?છે પરંતુ ધાક બેસાડતી કામગીરી એક પણ કિસ્સામાં કરવામાં આવી નથી એ હકીકત છે.બીજીબાજુ કચ્છમાં સરકારી જુદી જુદી કચેરીઓમાં છેલ્લા બે દાયકામાં બે હજારથી વધુ દબાણ હટાવવાની ફરિયાદો આવી છે પરંતુ અફસોસ એ વાતનો છે કે મોટાભાગની અરજીઓ ધૂળ ખાય છે.ધાક બેસાડતી કાર્યવાહી અત્યાર સુધી આવા વિષયમાં નહીં થવાના કારણે જ દબાણકારો બેકાબૂ બન્યા છે અને જ્યાં ખુલ્લી જમીનો મળે છે તે પચાવી જવાય છે. ખરેખર કચ્છને કોઇ મહારાષ્ટ્રના બેરનાર જેવા કડક અધિકારીની જરૂર છે જે એક વખત એવી ધાક બેસાડતી કાર્યવાહી કરે કે દબાણકારોમાં ફફડાટ ફેલાય. કલેક્ટર પ્રવીણા ડી.કે.ને જ્યારે જ્યારે દબાણ અંગે પૂછવામાં આવે છે કે શું કાર્યવાહી, તો જવાબ મળે છે કે ફરિયાદ આવે છે, તેની સામે અમે કડક કાર્યવાહી કરીએ છીએ. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer